ગુજરાત (Gujarat) પાસે દેશનો સૌથી મોટો દરિયાકિનારો છે. જેના કારણે ગુજરાત પ્રાચીન સમયથી જ દુનિયા સાથે વ્યાપારિક સંબંધોમાં જોડાયેલું હતું. દેશભરનો મોટાભાગનો વેપાર ગુજરાતના બંદરો પરથી થતો હતો અને આજે પણ થાય છે. પરંતુ, ગુજરાતના દરિયાકિનારાથી સ્થિતિ આજે પહેલાં જેવી નથી. ઘણાં ઠેકાણે અઢળક બાંધકામો થઈ ગયાં છે અને એ પણ સંવેદનશીલ અને પ્રતિબંધિત વિસ્તારમાં. જામનગરથી લઈને ભાવનગરના મહુવા સુધીના દરિયા કિનારે 25થી વધુ દરગાહ (Dargah) ઊભી થઈ ગઈ છે. આ સાથે જ દરગાહની આસપાસનો મોટાભાગનો વિસ્તાર પણ કબજે કરી લેવામાં આવ્યો છે. આ સ્થળોએ એક સમયે ગુજરાતના બંદરો પણ આવેલાં હતાં.
ગુજરાતના દરિયા કિનારે ઊભી કરવામાં આવેલી દરગાહ વિશે અખબાર દિવ્ય ભાસ્કરે વિશેષ અહેવાલ પ્રકાશિત કર્યો છે. તે અનુસાર, જમીની તપાસ અને સેટેલાઈટ ફોટાની તપાસ કરીને ભાસ્કરની ટીમે ગુજરાતના દરિયાકિનારે ઊભાં થયેલાં બાંધકામો વિશેની માહિતી એકઠી કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે, રાજ્યના દરિયા કિનારે 25થી વધુ દરગાહ આવેલી છે. જોકે, તેની કાયદેસરતા વિશેની કોઈ માહિતી મળી શકી નથી. રિપોર્ટ અનુસાર, દરગાહ સાથે જોડાયેલા લોકો અને સ્થાનિકોએ પણ બાંધકામની કાયદેસરતા વિશે કોઈ માહિતી નથી આપી.
પરંતુ, દાવો એવો થઈ રહ્યો છે કે, 25થી વધુ દરગાહમાં મોટાભાગની દરગાહ કોસ્ટલ એરિયાના સંવેદનશીલ વિસ્તારમાં ઊભી કરાઈ છે. આ વિસ્તારમાં કોઈપણ પ્રકારનું બાંધકામ પ્રતિબંધિત હોય છે. સામાન્ય શબ્દોમાં સમજીએ તો તે વિસ્તારમાં એક ઈંટ મૂકવી પણ ગેરકાયદેસર છે. પરંતુ આજે ત્યાં પણ મઝહબી બાંધકામ થયા છે. તેનો અર્થ એ છે કે, તે વિસ્તારમાં થયેલા બાંધકામ સંપૂર્ણપણે ગેરકાયદેસર હોય શકે છે. હવે પ્રશ્ન એ થઈ રહ્યા છે કે, આટલા સંવેદનશીલ વિસ્તારમાં બાંધકામ શા માટે? અને આ બાંધકામ પણ આજકાલનાં નહીં, વર્ષોથી થયેલાં છે.
અહેવાલ અનુસાર, ફોટાથી જાણવા મળે છે કે, શરૂઆતમાં માત્ર મઝહબી ઢાંચો ઊભો કરવામાં આવે છે, પરંતુ જેમ-જેમ વર્ષો વીતે છે, તેમ-તેમ દરગાહનો વ્યાપ પણ વધતો જાય છે. જામનગરના જોડિયાથી શરૂ કરીને ભાવનગરના મહુવા સુધી આ બાંધકામો જોવા મળ્યા છે. તમામ બાંધકામોમાં આસપાસની મોટાભાગની જમીનોને પણ તેમાં સામેલ કરવામાં આવી છે.
દરગાહોના સ્થળ અને તેના નામ
જામનગરથી શરૂઆત કરતા પહેલી દરગાહ આવે છે ‘હઝરત યાકુબશાહ પીરની દરગાહ’. આ દરગાહનું બાંધકામ પણ પાકાપાયે છે અને 500 વાર જેટલી જગ્યા પણ તેના કબજામાં છે. કાંઠાના વિસ્તારની મોટાભાગની દરગાહો સાથે ઘણી બધી જમીનો પણ જોડાઈ ચૂકી છે. નીચે ક્રમાનુસાર કેટલીક દરગાહોની યાદી આપવામાં આવી છે. જોકે, આ લિસ્ટમાં અમુક જાણીતી દરગાહોને જ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ 25થી વધુ દરગાહો ગુજરાતના દરિયા કિનારે સ્થિત છે.
- 1- હઝરત યાકુબશાહ પીરની દરગાહ (જામનગર)
- 2- કાજુપીર દરગાહ (જોડિયા, જામનગર)
- 3- હઝરત અલીશા ઓલિયા દરગાહ (જામનગર)
- 4- રાજનશાહ દરગાહ (જામનગર)
- 5- ઢોલિયા પીર દરગાહ (દેવભૂમિ દ્વારકા)
- 6- શહેનશાહ પીરની દરગાહ (દેવભૂમિ દ્વારકા)
- 7- હયાતન નબી દરગાહ (પોરબંદર)
- 8- અરબી પીર દરગાહ (જુનાગઢ)
- 9- જમાનશાહ પીર દરગાહ (ગીર સોમનાથ)
- 10- સવાઈ પીર દરગાહ (અમરેલી)
- 11- કાજી પીર દરગાહ (મહુવા, ભાવનગર)
સંવેદનશીલ વિસ્તારમાં ઊભી કરાઈ મોટાભાગની દરગાહો
અહીં સૌથી પહેલાં સમજવા જેવું છે કે, દેશભરના દરિયાકિનારે પર્યાવરણની સુરક્ષા માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ) લાગુ કરવામાં આવ્યા છે. CRZના મુખ્ય ચાર ભાગ પડે છે અને ત્યારબાદ તેના પેટાભાગો પણ પડે છે. CRZના ચાર ભાગ CRZ-1 (બે પેટાભાગ), CRZ-2, CRZ-3 (બે પેટાભાગ) અને CRZ-4 છે. હવે CRZ-1નો એક પેટાભાગ છે CRZ-1A, જેને ‘ઇકોજિકલ સેન્સેટીવ એરિયા’ કહેવામાં આવે છે. જ્યાં બાંધકામ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ હોય છે. જોકે, બાકીના CRZના ભાગોમાં પણ પૂર્વમંજૂરી વગર ઈંટ પણ ન મૂકી શકાય એવી કાયદામાં જોગવાઈ પણ છે.
પરંતુ નોંધવા જેવું એ છે કે, દરિયા કાંઠાની 7 દરગાહ CRZ-1A ભાગમાં ઊભી કરવામાં આવી છે, આ વિસ્તારમાં કોઈપણ બાંધકામ થઈ શકે નહીં. આ ઉપરાંત CRZ-2માં એક અને CRZ-3માં ત્રણ મઝહબી બાંધકામ ઊભા થયેલા છે. CRZ-1Aમાં થયેલા બાંધકામ તો સંપૂર્ણપણે ગેરકાયદેસર જ ગણી શકાય છે, પરંતુ તે સિવાયના વિસ્તારોમાં પણ મંજૂરી વગર બાંધકામ થઈ શકે નહીં. જોકે, રિપોર્ટ અનુસાર, દરગાહના સંચાલકોએ તેની કાયદેસરતા વિશે જણાવ્યું નથી.. તો તેનો શું અર્થ સમજી શકાય?