વડાપ્રધાન આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM) દ્વારા એક અહેવાલ (Report) પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અહેવાલ મુજબ મહિલા શ્રમ દળની સહભાગિતા દરમાં (સંક્ષિપ્તમાં LFPR તરીકે ઓળખાય છે) છેલ્લા 5 વર્ષોમાં બહોળા પ્રમાણમાં સુધારો થયો છે. જેમાં મુખ્યત્વે ઝારખંડ, બિહાર અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં મહિલા LFPRમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. જે PM મોદી (PM Narendra Modi) સરકાર દરમિયાન મહિલા સશક્તિકરણને મળેલ વેગને સૂચવે છે.
આ અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સ્તરે ગ્રામીણ મહિલા LFPR 2017-2018 અને 2022-2023 વચ્ચે 24.6%થી વધીને 41.5% થવા પામ્યો છે. જે 5 વર્ષના સમયગાળામાં એકંદરે 69%ની વૃદ્ધિ દર્શાવે છે. આ જ અહેવાલ મુજબ ઝારખંડ, બિહાર અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં મહિલા LFPRમાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે. નોંધનીય છે કે આ અહેવાલ તૈયાર કરવા માટે પાંચ વર્ષ સુધી દર વર્ષે 4 લાખ મહિલાઓનું અવલોકન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે 2017-2018 અને 2022-2023 વચ્ચે શહેરી મહિલા શ્રમ દળની સહભાગિતા દર 20.4%થી વધીને 25.4% થઇ હતી. ગુજરાતમાં પણ LFPRમાં 63%નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, જ્યારે તમિલનાડુમાં શહેરી મહિલા LFPRમાં નજીવો વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે મહિલા LFPR એ મહિલા આર્થિક સશક્તિકરણ અને આર્થિક સમાવેશનું મુખ્ય સૂચક છે.
અહેવાલ અનુસાર, સામાન્ય રુઝાન દર્શાવે છે કે લગભગ તમામ રાજ્યોમાં સ્ત્રી LFPRમાં વધારો થયો છે, જેમાં શહેરી વિસ્તારો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધુ વધારો જોવા મળ્યો છે. રિપોર્ટમાં પરિણીત મહિલાઓમાં ખાસ કરીને ઝારખંડ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં મહિલા LFPRમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
મોદી સરકારની નીતિઓથી મહિલાઓ બની રહી છે સશક્ત
અહેવાલમાં જણાવાયું છે કે, છેલ્લા દસ વર્ષમાં, સરકારે ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ બનાવી છે. તેમાં ‘મુદ્રા લોન’, ‘ડ્રોન દીદી’ યોજના અને ‘દીનદયાળ અંત્યોદય યોજના’ હેઠળ રચાયેલા ‘સ્વ-સહાય જૂથો’નો સમાવેશ થાય છે. જે ગ્રામીણ મહિલાઓ માટે મુખ્ય પહેલ સમાન છે.
આ ઉપરાંત રિપોર્ટમાં એવું પણ લખ્યું છે કે, ઘણી અન્ય પહેલ એવી પણ છે જે સમગ્ર ભારતમાં મહિલા-આગેવાનીના વિકાસના વિઝન સાથે જોડાયેલી છે. નોંધનીય છે કે વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ અનુસાર, વર્તમાન PM નરેન્દ્ર મોદી સરકારની નીતિઓના પરિણામે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલા શ્રમ સહભાગિતા દરમાં નોંધપાત્ર સુધારાને વેગ મળ્યો છે.