Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમંત્રી અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ કરાયેલા તમામ આક્ષેપો ખોટા સાબિત થયા: પોલીસ તપાસમાં...

    મંત્રી અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ કરાયેલા તમામ આક્ષેપો ખોટા સાબિત થયા: પોલીસ તપાસમાં ઘટસ્ફોટ, ‘આપ’ની ટિકિટ મેળવવાની લાલચે કરી હતી અરજી

    પોલીસે અરજદારનું નિવેદન લેતાં સામે આવ્યું હતું કે, તે માનસિક બીમાર છે તેમજ 6 મહિનાથી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે.

    - Advertisement -

    થોડા દિવસો અગાઉ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ વિરુદ્ધ એક સ્થાનિક વ્યક્તિએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસ બાદ તમામ આરોપો ખોટા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી અને તેની પત્નીનાં નિવેદન બાદ આ આક્ષેપો ‘આપ’ની ટિકિટ મેળવવાની લાલચે ખોટી રીતે કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

    મહેમદાવાદના હલદરવાસ ગામના પૂર્વ સરપંચ હિતેશ પટેલે ગત 27 જુલાઈના રોજ એક અરજી દાખલ કરી હતી અને જેમાં અર્જુનસિંહ ચૌહાણ અને તેની પત્ની વચ્ચે અનૈતિક સબંધો તેમજ દુષ્કર્મના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. અરજી દાખલ થયા બાદ ખેડા પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.

    પોલીસે અરજદારનું નિવેદન લેતાં સામે આવ્યું હતું કે, તે માનસિક બીમાર છે તેમજ 6 મહિનાથી આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે. તેમજ આમ આદમી પાર્ટીના સાથી કાર્યકરોએ તેને ટિકિટ અપાવવાની લાલચ આપીને મંત્રી અર્જુનસિંહ વિરુદ્ધ ખોટી અરજી કરાવી હોવાનું પણ સામે આવ્યું હતું. 

    - Advertisement -

    આ મામલે જિલ્લા પોલીસ વડાએ મીડિયાને જણાવ્યું હતું કે, “અરજી આવ્યા બાદ પોલીસે અરજદાર હિતેશ પટેલને નિવેદન નોંધવા માટે પોલીસ મથકે બોલાવ્યા હતા, પરંતુ તેઓ આવ્યા ન હતા.” રિપોર્ટ મુજબ, અરજદાર અરજી આપીને એક સબંધીના ઘરે છુપાઈ ગયો હતો. જે બાદ પોલીસે તેમને શોધીને પોલીસ મથકે લાવીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે ભાંડો ફોડ્યો હતો. 

    જિલ્લા પોલીસ વડાએ આ અંગે જણાવ્યું હતું કે, “અરજદારની હાલ સારવાર પણ ચાલી રહી છે તેમજ દોઢેક વર્ષ પહેલાં તેણે તેની પત્નીને ઇજા પણ કરી હતી. જે બાદ તેમણે સખી હેલ્પ સેન્ટરમાં આશરો લેવાની ફરજ પડી હતી, જેને લઈને પણ તેમની પત્નીએ પોલીસને રિપોર્ટ જમા કરાવ્યા છે.” 

    પોલીસ અધિકારીએ આગળ જણાવ્યું કે, “તેમના અન્ય બે મિત્રોએ તેમને આમ આદમી પાર્ટીની ટિકિટની લાલચ આપીને આ અરજી કરાવી હતી અને કહ્યું હતું કે તેઓ ગામના પૂર્વ સરપંચ હોવાથી અને ‘લોકપ્રિય’ પણ હોવાથી સરળતાથી ધારાસભ્ય બની જશે. અને આ પ્રકારની અરજી કરવાથી સ્થાનિક ધારાસભ્યની છબી ખરડાશે. પરંતુ અરજદારનાં પત્નીનું નિવેદન બાદ આ તમામ આક્ષેપો ખોટા સાબિત થયા છે. “ 

    આ ઉપરાંત, અરજદાર હિતેશ પટેલની પત્નીએ પણ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, અરજીમાં કરવામાં આવેલ તમામ આક્ષેપો ખોટા છે. તેમનો પતિ શંકાશીલ સ્વભાવ ધરાવે છે અને જેના કારણે તેમની વચ્ચે અવારનવાર બોલાચાલી પણ થતી હતી. દોઢેક વર્ષ અગાઉ હિતેશે તેમને માર પણ માર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમનો પતિ માનસિક બીમારીની સારવાર પણ લઇ રહ્યો છે તેમજ હાલ તેઓ છેલ્લા એક વર્ષથી અલગ રહે છે. 

    આ મામલે મંત્રી અર્જુનસિંહ ચૌહાણે સત્યનો વિજય થયો છે તેમ કહીને ઉમેર્યું હતું કે આ આક્ષેપોના કારણે તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોવાથી તેઓ ફરિયાદી હિતેશ પટેલ વિરુદ્ધ કોર્ટમાં 5 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં