મહારાષ્ટ્રના થાણે જિલ્લાના પડઘા (Padgha, Maharashtra) ગામમાં એક ચોંકાવનારું કાવતરું સામે આવ્યું છે. મહારાષ્ટ્રની ATSએ તપાસમાં ખુલાસો કર્યો છે કે આ ગામમાં કટ્ટરપંથી આતંકવાદી જૂથે શરિયા કાયદા આધારિત સમાનાંતર સરકાર (Parallel Sharia Government) ચલાવવાની યોજના ઘડી હતી. આ જૂથે 15 કટ્ટરપંથી યુવકોને સરકારના ‘મંત્રી’ તરીકે નિયુક્ત કર્યા હતા અને ગામને ‘અલ-શામ’ (Al-Sham) તરીકે જાહેર કરીને ભારત સરકારની વિરુદ્ધ ષડ્યંત્ર રચવાનો પ્રયાસ કર્યો હતો.
મહારાષ્ટ્ર ATSએ પડઘા અને બોરીવલી વિસ્તારમાં 2 જૂન, 2025ના રોજ રાત્રે શરૂ થયેલી એક મોટી રેડ દરમિયાન આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. આ રેડમાં 22 સ્થળો પર તપાસ કરવામાં આવી, જેમાં 250થી વધુ પોલીસ અધિકારીઓ અને 20 ATS ટીમો સામેલ હતી. આ ઑપરેશન જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા આતંકી હુમલાને પગલે શરૂ કરવામાં આવ્યું હતું. ATSના સૂત્રો અનુસાર આ આતંકી જૂથે પડઘા ગામને ‘સ્વતંત્ર વિસ્તાર’ જાહેર કરીને તેને આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું હતું.
Maharashtra ATS Probe Reveals Radical Plot To Establish Parallel Government In Padgha, 15 'Ministers' Appointed#BreakingNews #IndiaAgainstTerror #ATS #Padgha
— Free Press Journal (@fpjindia) June 4, 2025
By: @Aashish_Singh_N https://t.co/W9blpVqKgC
આ કાવતરાનો મુખ્ય આરોપી સાકીબ અબ્દુલ હમીદ નાચન છે, જે પ્રતિબંધિત આતંકી સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાનો (SIMI) સભ્ય રહી ચૂક્યો છે અને ISISના મહારાષ્ટ્ર મોડ્યૂલનો લીડર પણ રહી ચૂક્યો છે. નાચને પોતાને ‘અમીર-એ-હિન્દ’ (ભારતનો નેતા) જાહેર કર્યો હતો અને મુસ્લિમ યુવકોને ઉશ્કેરીને તેમનું બ્રેઈનવોશ કરીને આ જૂથમાં જોડાવા માટે પ્રેરિત કરતો હતો.
ત્યારે ATSની રેડ દરમિયાન ઘણા ચોંકાવનારા પુરાવા મળ્યા છે. જેમાં તલવારો, ચપ્પા અને અન્ય ઘાતક હથિયારો, બહુવિધ સિમ કાર્ડ્સ અને મોબાઈલ હેન્ડસેટ્સ જેવા સાધનો મળી આવ્યા છે. આ ઉપરાંત આતંકવાદને પ્રોત્સાહન આપતી સામગ્રી અને સંદિગ્ધ મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ સિવાય એન્ક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ભડકાઉ ભાષણો અને પ્રચાર સામગ્રી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પડઘા ભારતનો ભાગ નથી.
સામે આવ્યું હતું કે, આ જૂથના કેટલાક સભ્યો તુર્કી ગયા હતા, જેને આંતરરાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીઓ આતંકવાદી જૂથો સાથે જોડાવા માટેનું ટ્રાન્ઝિટ પોઈન્ટ માને છે. ATSના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ જૂથે ગામમાં શરિયા કાયદા આધારિત સમાંતર સરકાર ચલાવવા માટે 15 મુસ્લિમ યુવકોને ‘મંત્રી’ તરીકે નિયુક્ત કર્યા હતા. આ યુવકોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી, જેથી ગામને ‘સ્વતંત્ર રાજ્ય’ તરીકે સ્થાપિત કરી શકાય. આ જૂથનો હેતુ ભારતની શાંતિ અને સાંપ્રદાયિક સદભાવનાને ખલેલ પહોંચાડવાનો હતો.
કોણ છે સાકીબ નાચન?
63 વર્ષીય સાકીબ નાચન એક વિવાદાસ્પદ વ્યક્તિ છે, જેનો આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે લાંબો ઈતિહાસ છે. તે 2002-03માં મુંબઈ સેન્ટ્રલ, વિલે પાર્લે અને મુલુંડ ટ્રેન બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો, જેમાં 14 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. 2016માં તેને 10 વર્ષની સજા થઈ હતી, પરંતુ 2017માં તે જેલમાંથી છૂટી ગયો હતો.
નાચન અને તેના પરિવારના સભ્યો ISISના મહારાષ્ટ્ર મોડ્યૂલમાં સક્રિય હોવાનું માનવામાં આવે છે. 2023માં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ (NIA) નાચન અને તેના 15 સાથીઓની ધરપકડ કરી હતી. પડઘા ગામમાં આ પહેલાં પણ આતંકી પ્રવૃત્તિઓ થતી હોવાનું સામે આવી ચૂક્યું છે.