6 માર્ચના રોજ બબ્બર ખાલસાના (babbar Khalsa) આતંકી લઝર મસીહની (Terrorist Lazar Masih) ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પાસેથી ત્રણ સક્રિય હેન્ડ ગ્રેનેડ, બે સક્રિય ડેટોનેટર, એક રશિયન પિસ્તોલ અને 13 વિદેશી કારતૂસ પણ મળી આવ્યા હતા. એવું પણ સામે આવ્યું હતું કે તે ISIના સંપર્કમાં હતો. હવે આ મામલે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. આ અંગે તપાસ દરમિયાન ઘણા ઘસ્ફોટ થયા છે. જેમાં સામે આવ્યું છે કે લઝર મસીહે મહાકુંભ પર હુમલો કરવાના ઈરાદે કુંભના સ્થાનથી થોડે દૂર એક ટનલ (Underground Tunnel) બનાવી હતી.
દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, લઝર મસીહ મહાકુંભ પર હુમલો કરવાનું ષડ્યંત્ર રચી રહ્યો હતો. 14 જાન્યુઆરીના પ્રથમ અમૃત સ્નાનના દિવસે લઝર મસીહ મહાકુંભથી માત્ર 1 કિલોમીટર જ દૂર હતો. પોલીસને તપાસ દરમિયાન આ જગ્યાએ એક ટનલ મળી આવી છે, જે લઝર મસીહ બનાવી રહ્યો હતો.

નોંધનીય છે કે 24 સપ્ટેમ્બર 2024ના રોજ પંજાબ ખાતેની ન્યાયિક કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. 6 માર્ચની સવારે 3:20 વાગ્યે કૌશાંબીના કોખરાજ વિસ્તારમાંથી પોલીસે તેને ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં ઘણી બાબતો સામે આવી છે. મસીહે કબૂલ કર્યું છે કે તે દરરોજ તેની સાથે હેન્ડ ગ્રેનેડ લઈને જતો હતો પણ મહાકુંભમાં પ્રવેશ સ્થાન પર જ કડક સુરક્ષા વ્યવસ્થા હોવાના કારણે તે અંદર ઘૂસવામાં સફળ થયો નહોતો.

લઝર મસીહની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, તે દરરોજ બપોરે અને રાત્રે નજીકના ઢાબામાં ખાવા જતો હતો. ઇદગાહની સામેની જગ્યાએ નળ લગાવેલો છે ત્યાંથી પાણી લાવતો અને બહાર જતી વખતે હંમેશા માસ્ક પહેરી રાખતો હતો. આસપાસની ઘણી દુકાનોના CCTVમાં પણ મસીહ જોવા મળ્યો છે. આ ઉપરાંત જે ઢાબા પર ખાતો ત્યાં જ તેનો મોબાઈલ ચાર્જ કરતો અને મોબાઈલમાં ફિલ્મો પણ જોતો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું આતંકવાદી લઝર મસીહ અમૃત સ્નાન કરતા પહેલાં અહીં આવ્યો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-2થી માત્ર 1 કિમી દૂર કોખરાજ ગામના જંગલમાં માટીની ટનલ ખોદી અને તેની અંદર રહેતો હતો. આ ટનલ જમીનમાં આર-પાર જઈ શકાય એ રીતે બનાવવામાં આવી હતી. પોલીસે ટનલમાંથી એક પલંગ, 3 ગ્રેનેડ, 2 ડેટોનેટર અને એક પિસ્તોલ જપ્ત કરી હતી. સ્થાનિક લોકોએ મસીહને ઝાડની ઉંચી ડાળી પર ચઢેલો જોયો હતો.
નોંધનીય છે કૌશાંબીથી ધરપકડ થયા બાદ પોલીસ પૂછપરછમાં તેણે આ બધા ખુલાસા કર્યા છે. વર્તમાનમાં તેને કૌશાંબી જેલની હાઈ સિક્યુરીટીમાં રાખવામાં આવ્યો છે. તેની પાસે ગયા વિના તેના પર CCTVના માધ્યમથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.