પ્રયાગરાજ મહાકુંભ 2025 (Prayagraj Mahakumbh 2025) પૂર્ણ થયે લગભગ એક અઠવાડિયું વીતી ચૂક્યું છે, પરંતુ વિશ્વનું આ સૌથી મોટું ધાર્મિક આયોજન હજી પણ આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં તથા અર્થવ્યવસ્થા (Economy) મજબૂત બનાવવામાં પણ મદદ કરી રહ્યું છે. આ વાત એક સંશોધન એજન્સીએ કહી છે. કેયરએજના (Care Edge) અહેવાલ મુજબ, મહાકુંભ નાણાકીય વર્ષ 2025ના ચોથા ક્વાર્ટરમાં વપરાશની માંગમાં વધારો કરશે. આનાથી વેપાર, આતિથ્ય અને પરિવહન જેવા ઘણા ક્ષેત્રોને ફાયદો થશે.
આ અહેવાલમાં જણાવાયું છે કે આગામી ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિમાં વધારો થશે. ગ્રામીણ વિસ્તારોમાં માંગમાં સુધારો, કરવેરા ઘટાડવા, નીતિ દરોમાં ઘટાડો, ખાદ્ય ફુગાવામાં ઘટાડો અને જાહેર મૂડી ખર્ચમાં વધારો જેવા પરિબળોથી આર્થિક તેજીને વધુ ટેકો મળશે. અહેવાલમાં જણાવાયું છે કે મહાકુંભ ઉત્સવને કારણે ચોથા ક્વાર્ટરમાં ઘણા ક્ષેત્રોને પ્રોત્સાહન મળશે.
હકીકતમાં, નાણાકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસ દર પાછલા ક્વાર્ટરમાં 5.6 ટકાથી વધીને 6.2 ટકા થયો છે. કેયરએજના આ અહેવાલમાં આગામી ત્રિમાસિક સમયગાળા માટે ઉત્સાહજનક સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ, વેપાર તણાવ અને રોકાણમાં સુસ્તી આ ગતિને ટકાવી રાખવા માટે સૌથી મોટા જોખમો છે.
મહાકુંભ 2025ના પગલે અર્થવ્યસ્થા બની મજબૂત
શુક્રવારે (28 ફેબ્રુઆરી, 2025) જાહેર કરાયેલા કુલ સ્થાનિક ઉત્પાદનના (GDP) આંકડા દર્શાવે છે કે ગ્રામીણ કેન્દ્રોમાં ખાનગી વપરાશ માંગમાં સુધારો થયો છે. ત્રીજા ક્વાર્ટરમાં આ 5.9 ટકાની સરખામણીમાં વધીને 6.9 ટકા થયું છે. જો આપણે GDPની વાત કરીએ તો, ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો GDP વૃદ્ધિ દર 6.2 ટકા હતો અને બીજા ક્વાર્ટરમાં આ વૃદ્ધિ દર 5.6 ટકા હતો.
જો ક્ષેત્રવાર વાત કરીએ, તો મહાકુંભ 2025ના કારણે કૃષિ વિકાસમાં સુધારો થયો છે. ત્રીજા ક્વાર્ટરમાં તે વાર્ષિક ધોરણે 5.6 ટકાના દરે વધ્યો. બીજા ક્વાર્ટરમાં આ જ વૃદ્ધિ દર 4.1 ટકા હતો. વાસ્તવમાં, ખરીફ પાકોના (ચોમાસામાં ઉગાડવામાં આવતા પાક) ઉત્પાદનમાં અદભુત વધારો અને રવિ પાકોની (શિયાળામાં ઉગાડવામાં આવતા પાક) સ્વસ્થ વાવણીએ કૃષિ પ્રવૃત્તિઓને મદદ કરી છે.
સર્વિસ ક્ષેત્રનો વિકાસ દર વધ્યો
ત્રીજા ક્વાર્ટરમાં સર્વિસ ક્ષેત્રનો વિકાસ દર વાર્ષિક ધોરણે 7.4 ટકા રહ્યો, જે બીજા ક્વાર્ટરમાં 7.2 ટકા હતો. વેપાર, હોટેલ, પરિવહન, સંદેશાવ્યવહાર અને પ્રસારણ સેવાઓમાં મજબૂત વૃદ્ધિને કારણે સર્વિસ ક્ષેત્રના વિકાસમાં સુધારો થયો હતો. બીજા ક્વાર્ટરમાં સર્વિસ ક્ષેત્રમાં આ વૃદ્ધિ 6.1 ટકા હતી, જે ત્રીજા ક્વાર્ટરમાં વધીને 6.7 ટકા થઈ ગઈ હતી.
રિપોર્ટમાં વધુમાં ઉલ્લેખ છે કે મોંઘવારીના ઓછા દબાણના કારણે અને ઓછા કરના ફાયદાઓને કારણે, વપરાશ માંગ મજબૂત થશે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય રિઝર્વ બેંકે (RBI) ફેબ્રુઆરીમાં પોલિસી રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. નાણાકીય વર્ષ 2026 માં 25-50 બેસિસ પોઈન્ટનો વધુ ઘટાડો થવાની ધારણા છે. જે ખાનગી મૂડી ખર્ચ અને માંગને ટેકો આપશે.