Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપહેલા દિવસે જ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ની હાલત ખરાબ: 83,...

    પહેલા દિવસે જ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંઘ ચઢ્ઢા’ની હાલત ખરાબ: 83, બચ્ચન પાંડે કરતાં પણ ઓછું કલેક્શન, શૉ રદ કરવા પડ્યા

    લાલ સિંઘ ચઢ્ઢાના 1300 જેટલા શૉ ઓછા કરી નાંખવામાં આવ્યા પછી પણ લોકો ન આવતાં અમુક શૉ રદ કરવા પડ્યા હતા.

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર થતા બહિષ્કાર વચ્ચે આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા ગઈકાલે દેશભરના થીયેટરોમાં રિલીઝ થઇ હતી. રક્ષાબંધનની રજાનો દિવસ હોવા છતાં લાલ સિંઘ ચઢ્ઢાને દર્શકોનો પ્રતિસાદ મળ્યો નથી અને પહેલા દિવસે 10 થી 11 કરોડની કમાણી થઇ હોવાનું કહેવાય છે. તો ક્યાંક દર્શકો ન હોવાના કારણે શૉ ઓછા કરવામાં આવ્યા હોવાના અને રદ કરવામાં આવ્યા હોવાના પણ અહેવાલ મળ્યા છે. 

    બૉલીવુડ હંગામાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, બોક્સ ઓફિસ પર નબળા પ્રદર્શનના કારણે ઘણા સિનેમા થીએટરોમાં ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા અને રક્ષાબંધનના શૉ ઓછા કરી નાંખવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, બંને ફિલ્મ દેશભરમાં 10,000 શૉ સાથે રિલીઝ થઇ હતી. પરંતુ પહેલા જ દિવસે 10-12 ટકા સાથે શરૂઆત થતાં બીજા દિવસે થીએટર માલિકોએ ફિલ્મના શૉ ઓછા કરી નાંખ્યા છે. 

    રિપોર્ટ અનુસાર, લાલ સિંઘ ચઢ્ઢાના લગભગ 1300 જેટલા શૉ ઓછા કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે. જ્યારે રક્ષાબંધનના પણ હજારેક શૉ ઓછા થયા હતા. જોકે, શૉ ઓછા કરી નાંખવામાં આવ્યા બાદ પણ શુક્રવારે સવારે ઘણે ઠેકાણે લોકો ફિલ્મ જોવા પહોંચ્યા જ ન હતા અને આખરે શૉ રદ કરવા પડ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, ફિલ્મ દિલ્હી અને પંજાબમાં સારું પ્રદર્શન કરી રહી છે, પરંતુ બાકીના ભાગોમાં ખાસ પ્રતિસાદ મળ્યો નથી.

    - Advertisement -

    બચ્ચન પાંડે, 83 કરતાં પણ નબળી શરૂઆત 

    ‘લાલ સિંઘ ચઢ્ઢા’ની શરૂઆત કબીર ખાનની ફ્લૉપ ફિલ્મ ‘83’ અને ફરહાદ સામજીની ‘બચ્ચન પાંડે’ કરતાં પણ નબળી રહી છે. બોક્સ ઓફિસ અનુસાર, ‘83’એ ઓપનિંગ ડેમાં 15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બચ્ચન પાંડેએ 13.25 કરોડ રૂપિયા કમાયા હતા. જ્યારે દક્ષિણની RRR ફિલ્મે પહેલા દિવસે 20.07 કરોડ અને KGF-2એ પહેલા દિવસે 53.95 કરોડની કમાણી કરી હતી. હવે ભારતના બાકીના ભાગોમાં પણ દક્ષિણની ફિલ્મો બૉલીવુડ કરતાં વધુ સારું પ્રદર્શન કરી રહી છે. 

    વિવેચકોએ પણ ટીકા કરી, ફિલ્મ એટલી નબળી કે લોકોને KRKનો વિડીયો પણ બહુ પસંદ આવ્યો 

    લાલ સિંઘ ચઢ્ઢાને વિવેચકો તરફથી પણ ખાસ પ્રશંસા મળી નથી. જાણીતા ફિલ્મ ક્રિટીક તરન આદર્શે એક ટ્વિટમાં આ ફિલ્મને ‘નિરાશાજનક’ ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, ફિલ્મ અડધેથી પકડ ગુમાવી દે છે અને સ્ક્રીનપ્લે પણ નબળો છે. 

    બીજી તરફ, અભિનેતા કમાલ આર ખાનનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેઓ ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા વિશે વાત કરે છે. 13 મિનિટના આ વિડીયોમાં કમાલ આર ખાન આમિરની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢા વિશે ટિપ્પણી કરી તેને બહુ ખરાબ ફિલ્મ ગણાવે છે. જોકે, ફિલ્મ વિશે લોકોનો અભિપ્રાય પણ એવો જ હોવાના કારણે લોકોએ કમાલ આર ખાનનો વિડીયો હવે ફેરવી રહ્યા છે. 

    આમિર ખાનની ફિલ્મ લાલ સિંઘ ચઢ્ઢાનો શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર બહિષ્કાર થઇ રહ્યો હતો. જે બાદ ગઈકાલે રક્ષાબંધનના દિવસે રિલીઝ થઇ હોવા છતાં લોકો જોવા પહોંચ્યા ન હતા. આગળ પણ રજાના દિવસો આવી રહ્યા છે, પરંતુ જે રીતે ફિલ્મની શરૂઆત જ અત્યંત નબળી થઇ છે તેને જોતાં લાગી રહ્યું છે કે આવનાર દિવસોમાં કલેક્શન વધુ નીચે જશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં