Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકેજરીવાલે ભૂખ્યા રાખી ભજન સંભળાવ્યા: ભીડ ભેગી કરવા દૂરદૂરથી માણસો લવાયા, પણ...

    કેજરીવાલે ભૂખ્યા રાખી ભજન સંભળાવ્યા: ભીડ ભેગી કરવા દૂરદૂરથી માણસો લવાયા, પણ સભા પૂરી થયા બાદ રઝળતા મૂકી દેવાયા: વિડીયો વાયરલ

    દ્વારકા ખાતે આયોજિત કેજરીવાલની સભામાં ભાગ લેવા માટે રાજકોટથી બસ ભરીને માણસો લાવવામાં આવ્યા હતા.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતની યાત્રાઓનું પ્રમાણ વધારી દીધું છે. તાજેતરમાં જ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત આવ્યા હતા અને દ્વારકા, રાજકોટ, સુરત વગેરે જગ્યાઓએ સભાઓ સંબોધી હતી. કેજરીવાલની દ્વારકા ખાતેની સભામાં ગામડાંઓમાંથી માણસોને બસમાં લાવવામાં આવ્યા હતા. જોકે, સભા પૂર્ણ થયા બાદ તેમને રઝળતા મૂકી દેવામાં આવ્યા હોવાના વિડીયો વાયરલ થયા છે. 

    સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે કેટલાક લોકો સભા પૂરી થયા બાદ રસ્તા પર ઉભા રહીને રાહ જોઈ રહ્યા છે અને કહે છે કે તેઓ સવારથી ભૂખા છે તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ ફોન પણ ઊંચકી રહ્યું નથી. 

    ટ્વિટર પર સુજીત હિંદુસ્તાનીએ આ વિડીયો ટ્વિટ કર્યો હતો અને લખ્યું હતું કે, સભામાં ભીડ એકઠી કરવા માટે ‘આપ’ નેતાઓએ દૂર-દૂરથી લોકોને બોલાવ્યા હતા. સભા પૂરી થયા બાદ આપ નેતાઓ ગાયબ થઇ ગયા અને ભીડમાં આવેલા લોકો ભૂખથી બેહાલ થઇ ગયા. 

    - Advertisement -

    તપાસ કરતાં આ વિડીયો દ્વારકાનો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો અનુસાર, અરવિંદ કેજરીવાલની દ્વારકા ખાતે આયોજિત સભામાં રાજકોટથી લોકોને બસ ભરીને લાવવામાં આવ્યા હતા. પરંતુ જેવી સભા પૂર્ણ થઇ કે તેમને આમ જ છોડી દેવામાં આવ્યા હતા અને સારસંભાળ પણ લેવામાં આવી ન હતી. 

    વાયરલ વિડીયોમાં મહિલાઓ કહેતી સંભળાય છે કે, તેઓ રાત્રે 2 વાગ્યે નીકળ્યા હતા અને હજુ સુધી ભોજન પણ લીધું નથી. જે બાદ વિડીયો ઉતારનાર વ્યક્તિ જવાબદારોને ફોન કરવા માટે કહે છે. આગળ વિડીયોમાં વ્યક્તિ કહેતા સંભળાય છે કે, “આ લોકો બધા કેજરીવાલની સભામાં આવ્યા હતા. બસ સાથે જવાબદાર માણસો હતા, એ કોઈ છે નહીં અને આ બધા અહીં ભૂખ્યા ફરે છે અહીં.”

    રાજકોટથી દ્વારકાનું અંતર 200 કિલોમીટરથી વધુ થાય છે. રાજકોટનાં ગામડાંઓમાંથી લોકોને બસમાં બેસાડીને દ્વારકા ખાતે કેજરીવાલની સભામાં લાવવામાં આવ્યા હતા. વિડીયોમાં લોકોએ કહ્યું કે, તેઓ મોડી રાત્રે નીકળ્યા હતા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. તેમજ સભા પૂરી થયા બાદ રઝળતા મૂકી દેવામાં આવ્યા હતા.

    અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ દ્વારકામાં એક સભા કરી હતી. જ્યાં પણ તેમણે મફત વચનોની લ્હાણી કરી હતી. જોકે, આ જ સભાનો અન્ય એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ ભગવાન શ્રીકૃષ્ણને રાક્ષસો સાથે સરખાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘ભાજપના રાક્ષસો અને શ્રીકૃષ્ણથી બચાવવા માટે કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે. જે બાદ સોશિયલ મીડિયા પર વિરોધ પણ થયો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં