Monday, January 30, 2023
More
  હોમપેજમંતવ્યકેજરીવાલને પહેલાં સ્ટેચ્યુની જગ્યાએ પુલ જોઈતા હતા, હવે સરદાર યાદ આવ્યા: ઇટાલિયાએ...

  કેજરીવાલને પહેલાં સ્ટેચ્યુની જગ્યાએ પુલ જોઈતા હતા, હવે સરદાર યાદ આવ્યા: ઇટાલિયાએ ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું

  ગુજરાત ચૂંટણી પહેલાં હવે અરવિંદ કેજરીવાલને સરદાર પટેલ ફરી યાદ આવ્યા છે તો ગોપાલ ઇટાલિયા પણ ભગવાનનું અપમાન કરીને જૂના સ્વરૂપમાં આવી ગયા છે.

  - Advertisement -

  આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જાહેરમંચ પરથી બેફામ નિવેદનો આપવા માટે જાણીતા છે. સરકાર અને ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં ઘણીવાર તેઓ ભિન્ન વિચારધારા કે પાર્ટીના નેતાઓ ઉપર વ્યક્તિગત ટિપ્પણીઓ કરી નાંખે છે. ભૂતકાળમાં ઇટાલિયાએ આપેલાં હિંદુવિરોધી નિવેદનો પણ લોકો હજુ ભૂલ્યા નથી. ત્યારે હવે તેમણે ભગવાન શ્રીકૃષ્ણને લઈને ટિપ્પણી કરીને વિવાદ સર્જ્યો છે અને કરોડો હિંદુઓની લાગણીઓ દુભાવી છે. બીજી તરફ, અરવિંદ કેજરીવાલને હવે ચૂંટણી પહેલાં સરદાર યાદ આવ્યા છે.

  હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. થોડા દિવસ પહેલાં તેઓ દ્વારકામાં હતા. દરમિયાન, એક સભાને સંબોધન કરતાં ગુજરાતના ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કેજરીવાલને અર્જુન ગણાવ્યા હતા અને ભગવાન શ્રીકૃષ્ણની સરખામણી રાક્ષસો સાથે કરી હતી. દ્વારકાની પાવન ધરતી પર છેક આ પ્રકારની ટિપ્પણીથી ગોપાલ ઇટાલિયાએ હવે સોશિયલ મીડિયા પર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. 

  ગોપાલ ઇટાલિયાએ સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, “ભગવાન શ્રીકૃષ્ણ આવી ગયા છે. તેઓ અહીં હાજરાહજુર છે. હવે અર્જુન બનીને અરવિંદ કેજરીવાલ પણ આવ્યા છે. હવે ભગવાન શ્રીકૃષ્ણ અને ભાજપના રાક્ષસોથી છોડાવવા માટે કેજરીવાલ અર્જુન બનીને આવ્યા છે.” 

  - Advertisement -

  દ્વારકામાં ઉભા રહીને શ્રીકૃષ્ણથી ગુજરાતને છોડાવવાની વાત કરીને ગોપાલ શું કહેવા માંગતા હતા તે લોકોને મનમાં બેસી રહ્યું નથી. બીજી તરફ, સોશિયલ મીડિયા પર લોકો તેમની માફીની માંગ કરી રહ્યા છે. આ બાબતને લઈને માલધારી સમાજ પણ આક્રોશિત થયો છે. 

  ગોપાલ ઇટાલિયા આ અગાઉ પણ રાજકારણમાં આવવા માટે મથી રહ્યા હતા ત્યારે સોશિયલ મીડિયા પર કથાકારો વગેરે પર વાંધાજનક ટિપ્પણી કરી ચૂક્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર આની અવળી અસર થઇ અને લોકોએ ઠપકો આપવા માંડ્યો પછી તેમણે આ બધું માંડી વાળ્યું હતું. 

  ગુજરાતમાં ચૂંટણીમાં સારું પ્રદર્શન કરવું હોય અને ડિપોઝીટ જપ્ત થતી બચાવવી હોય તો હિંદુઓ કે તેમના આરાધ્યોનું અપમાન કરવું કોઈ પાર્ટીને પોસાય નહીં. આ હવે વિપક્ષી પાર્ટીઓને પણ સમજાવા માંડ્યું છે. જોકે, હૈયાના શબ્દો ક્યારેય હોઠે આવી જતા હોય છે, અને તે રોકી શકાતા નથી.

  કેજરીવાલને પહેલાં સરદારની પ્રતિમાની જગ્યાએ પુલ જોઈતા હતા, હવે કહ્યું- સરદાર અમારા આદર્શ 

  ‘આપ’ના પ્રદેશ અધ્યક્ષે સમગ્ર ગુજરાતના આરાધ્ય ભગવાન શ્રીકૃષ્ણનું અપમાન કર્યું તો તેમના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સરદાર પટેલનું નામ વચ્ચે લઇ આવ્યા હતા. ગુજરાત આવેલા કેજરીવાલે દાવો કર્યો કે, તેઓ સરદાર પટેલને આદર્શ માને છે. 

  તેમણે કહ્યું, “અમે કોંગ્રેસ નથી. હમણાં સુધી તમે કોંગ્રેસીઓ સાથે ડીલ કરતા હતા, અમે આમ આદમી પાર્ટીવાળા છીએ. અમે સરદાર પટેલને અમારા આદર્શ માનીએ છીએ.” 

  કેજરીવાલ જેવા નેતા ગુજરાતમાં આવીને વિધાનસભા ચૂંટણી પહેલાં સરદાર પટેલને આદર્શ માનવાની વાત કહે તે લોકોને ગળે ઉતરી રહ્યું નથી. કારણ કે, થોડા જ વર્ષો પહેલાં તેઓ ભાષણોમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નો વિરોધ કરતા હતા અને તેમની દલીલ હતી કે સ્ટેચ્યૂ બનાવવા કરતાં પુલો અને શાળાઓ બનાવવા જોઈએ. 

  અરવિંદ કેજરીવાલનો એક જૂનો વિડીયો ફરી ફરતો થયો છે. જેમાં તેમણે ભાષણમાં કહ્યું હતું કે, “દેશની પ્રગતિ સ્ટેચ્યુ બનાવવાથી નહીં, પરંતુ હોસ્પિટલ, શાળાઓ અને બ્રિજ બનાવવાથી થશે. એક સ્ટેચ્યુનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દુનિયાના સૌથી ઊંચા સ્ટેચ્યૂની ઊંચાઈ હતી 182 મીટર. દેશે નક્કી કરવાનું છે કે આપણે દુનિયાની સૌથી મોટા, શાનદાર પુલોની જરૂર છે કે સ્ટેચ્યૂની જરૂર છે.” 

  ગુજરાત ચૂંટણી પહેલાં કેજરીવાલને સરદાર પટેલ યાદ આવ્યા છે. પણ છ જ મહિના પહેલાં ઉત્તરપ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં સરદાર પટેલને યાદ પણ કરવામાં આવ્યા ન હતા. હવે ગુજરાત ચૂંટણી સમયે તેમને સરદાર પટેલ યાદ આવ્યા છે. બની શકે કે, હવે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી આવે તો તેઓ શિવાજીનાં ગુણગાન ગાવાના શરૂ કરી દે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં