Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘મેં કંઈ ખોટું કર્યું નથી, ન્યાય મળશે તેવો વિશ્વાસ હતો’: જય શ્રીરામના...

    ‘મેં કંઈ ખોટું કર્યું નથી, ન્યાય મળશે તેવો વિશ્વાસ હતો’: જય શ્રીરામના નારા વચ્ચે જેલમાંથી બહાર આવ્યાં કાજલ હિન્દુસ્તાની, કહ્યું- લવ જેહાદ, લેન્ડ જેહાદ અને ધર્માંતરણ સામેનું કાર્ય ચાલુ રહેશે

    જામીન મળ્યા બાદ જૂનાગઢ જેલની બહાર આવેલાં કાજલ હિન્દુસ્તાનીને આવકારવા માટે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

    - Advertisement -

    ઉનામાં રામનવમીની ધર્મસભામાં આપેલા ભાષણના કેસમાં જામીન મંજૂર થયા બાદ હિંદુવાદી વક્તા કાજલ હિન્દુસ્તાની આજે જેલની બહાર આવ્યાં હતાં. બહાર આવીને તેમણે કહ્યું કે, તેમને વિશ્વાસ હતો કે તેમને ન્યાય મળશે જ અને હજુ પણ તેમનું કાર્ય ચાલુ જ રાખશે. 

    ઉના એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટે આજે કાજલ હિન્દુસ્તાનીની જામીન અરજી મંજૂર રાખી હતી. આ પહેલાં ગત 9 એપ્રિલે તેમણે સરેન્ડર કર્યા બાદ ઉના પોલીસે તેમની ધરપકડ કરીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા હતા. પોલીસે રિમાન્ડ ન માંગતાં કોર્ટે કાજલને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાં હતાં. ત્યારબાદ તેમણે ઉના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અરજી કરી હતી, જેની પર આજે ચુકાદો આપવામાં આવ્યો હતો. 

    જામીન મળ્યા બાદ જૂનાગઢ જેલની બહાર આવેલાં કાજલ હિન્દુસ્તાનીને આવકારવા માટે તેમના સમર્થકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને ‘જય શ્રીરામ’ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું કે, તેઓ ક્યારેય બંધારણ વિરુદ્ધ નથી ગયાં અને તેમને વિશ્વાસ હતો કે ન્યાય મળશે જ. 

    - Advertisement -

    જેલની બહાર આવીને મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું, “મેં કંઈ પણ ખોટું કામ નથી કર્યું કે ક્યારેય બંધારણ વિરુદ્ધ નથી ગઈ. હું મારી વાત ઉપર અડગ હતી એટલે જ મેં ક્યારેય આગોતરા (જામીન) નથી મૂક્યા અને હું સામેથી હાજર થઇ હતી. મને વિશ્વાસ હતો કે મને ન્યાય મળવાનો છે અને મને ન્યાય મળ્યો અને આજે હું આપ બધાની સમક્ષ છું.”

    આગળ તેમણે ઉમેર્યું કે, “બધા બધાનું કાર્ય કરશે. જે રીતે સામેવાળા તેમનું કાર્ય કરે છે એ રીતે અમારો પણ ધર્મ છે કે પોતાના ધર્મની રક્ષા કરીએ. એ માટે લેન્ડ જેહાદ, લવ જેહાદ અને ધર્માંતરણ વિરુદ્ધ સામાજિક કાર્યો કરું છું એ હું કરવાની જ છું અને ઘરે બેસવાની નથી….આ કાર્ય ચાલુ જ રહેશે.” 

    રામનવમીના દિવસે સંબોધી હતી ધર્મસભા, બીજા દિવસે ‘સર તન સે જુદા’ના લાગ્યા હતા નારા

    ઉલ્લેખનીય છે કે ગત રામનવમીના દિવસે (ગુરુવાર, 30 માર્ચ) કાજલ હિન્દુસ્તાનીએ ઉનામાં એક ધર્મસભા સંબોધી હતી, જેમાં તેમણે લેન્ડ જેહાદ, લવ જેહાદ, ધર્માંતરણ સહિતના મુદ્દાઓ પર વાત કરીને હિંદુઓને આ સમસ્યાઓ સામે જાગૃત થવા માટે આહવાન કર્યું હતું. તેમણે મહિલા શક્તિની વાત કરીને હિંદુ મહિલાઓને જાગવા માટે પણ અપીલ કરી હતી તો જાતિવાદ અને અન્ય મુદ્દાઓ ઉપર પણ વાતો કરી હતી. 

    તેમના આ ભાષણ બાદ ઉનામાં મુસ્લિમોએ બીજા દિવસે ચક્કાજામ કરીને વિરોધ કર્યો હતો અને આ દરમિયાન ‘સર તન સે જુદા’ના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સાંજે પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. 

    આ ઘટનાઓ બાદ ઉના પોલીસે એક FIR કાજલ વિરુદ્ધ અને બીજી પથ્થરમારો કરનારા ટોળા સામે દાખલ કરી હતી. જે મામલે 70ની ધરપકડ કરવામાં આવી હતી તો કાજલ હિન્દુસ્તાનીએ સરેન્ડર કર્યા બાદ તેમની પણ ધરપકડ કરાઈ હતી. આખરે આજે તેમને જામીન મળતાં જેલમાંથી બહાર આવ્યાં છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં