વારાણસીથી (Varanasi) પકડાયેલા ISI જાસૂસ (Spy) તુફૈલની (Tufail) ધરપકડ બાદ હવે યુપી ATSએ અનેક ઘટસ્ફોટ કર્યા છે. પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ માહિતી સામે આવી હોવાનું કહેવાય રહ્યું છે. માહિતી અનુસાર, હવે એ જાણવા મળ્યું છે કે, પાકિસ્તાની (Pakistan) સેનાના એક કર્મચારીની પત્ની નફીસા સાથે તુફૈલ સતત સંપર્કમાં રહ્યો હતો અને વિડીયો કૉલ તથા મોબાઈલ ફોન દ્વારા નફીસાને કાશી સહિતના અનેક સ્થળો દેખાડતો હતો. વધુમાં આરોપીનું નેટવર્ક 4 મુસ્લિમ દેશોમાં ફેલાયેલું હોવાનું પણ સામે આવ્યું છે.
માહિતી અનુસાર, તુફૈલ પાકિસ્તાનના ફૈસલાબાદની મહિલા ‘નફીસા’ના સંપર્કમાં હતો, જે ISIની હેન્ડલર હોવાનું કહેવાય રહ્યું છે. નફીસાએ આરોપીને પોતાનું સાચું નામ પણ જણાવ્યું નહોતું. નફીસાએ તુફૈલને એવું પણ કહ્યું હતું કે, તે જ્યાં પણ જાય ત્યાંથી તે સતત ફોટા અને વિડીયો મોકલતો રહે. આ ઉપરાંત આરોપીએ નફીસાના કહેવા પર GPS પણ ઓન રાખ્યું હતું. જેના કારણે તેનું લોકેશન સતત દ્રશ્યમાન રહેતું હતું.
માહિતીએ પણ સામે આવી છે કે, તુફૈલે નફીસા નામની હેન્ડલરને કાશી, દિલ્હી અને અન્ય સંવેદનશીલ સ્થળોની તસવીરો અને વિડીયો પણ મોકલ્યા હતા. GPS લોકેશન ઓન રાખવાથી આ તસવીરો સાથે તેનું લોકેશન પણ પાકિસ્તાન સુધી પહોંચી રહ્યું હતું. ધરપકડ બાદ પણ તેણે એજન્સીને કહ્યું હતું કે, તે ‘ગઝવા-એ-હિન્દ’નો સિપાહી છે અને ‘બાબરીનો બદલો’ લેવા માંગે છે.
4 મુસ્લિમ દેશોમાં હતું નેટવર્ક
ATS તુફૈલના મોબાઈલને પણ રિકવર કરી રહી છે. 70% ટકા ડેટા રિકવર થયો હોવાનું પણ સામે આવ્યું છે. આ ડેટામાં તે આતંકી નેટવર્ક સાથે જોડાયેલો હોય તેવી વાતો સામે આવી છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે, તે માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ 4 અન્ય મુસ્લિમ દેશોના કટ્ટરપંથીઓ સાથે પણ જોડાયેલો હતો. તે ત્યાંનાં લોકોના સતત સંપર્કમાં રહેતો હતો.
વધુમાં ATSની તપાસમાં એ સામે આવ્યું છે કે, કલાકો સુધી તુફૈલ નફીસા નામની મહિલા સાથે વાત કરતો હતો. તેણે તેના માટે નેપાળ અને પંજાબના રસ્તે સાડી અને સૂટ પણ પાકિસ્તાન સુધી પહોંચાડ્યા હતા. ATSને હમણાં સુધીમાં આરોપીના 4-5 નજીકના માણસો વિશેની પણ માહિતી મળી છે, તે તમામ લોકોની પૂછપરછ કરવા માટેની તૈયારી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેની ધરપકડ બાદ પાકિસ્તાનીઓ સહિતના અન્ય મોટાભાગના વોટ્સએપ ગ્રુપમાંથી તેને રિમૂવ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ગુરુવારે (22 મે) તુફૈલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 148 અને 152 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું હતું કે, તે પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-લબ્બૈકના નેતા મૌલાના રિઝવીના વિડીયો પણ વોટ્સએપ ગ્રૂપોમાં ફેરવતો હતો અને સાથે ‘ગઝવા-એ-હિન્દ’ અને બાબરીનો બદલો લેવાની વાતો કરતો હતો. અનેક પોસ્ટ અને મેસેજોમાં તે ભારતમાં શરિયા કાનૂન લાગુ કરવા સંબંધી વાતો પણ કરતો હોવાનું સામે આવ્યું.