મધ્યપ્રદેશના (Madrasa) ઇન્દોરમાં (Indore) મુસ્લિમ વિદ્યાર્થીઓના નામે આપવામાં આવતી શિષ્યવૃત્તિમાં (Scholarship) મોટો ગોટાળો સામે આવ્યો છે. આ ગોટાળામાં 27 મદરેસાઓ અને શાળાઓને શંકાસ્પદ ગણવામાં આવી છે, જેમાંથી 5 સામે ફરિયાદ (FIR) નોંધવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે કે આ મદરેસાના સંચાલકો ખંડેર મકાનો અને ખાલી મેદાનોને મદરેસા અને શાળાઓ તરીકે રજૂ કરીને લાખો રૂપિયાની શિષ્યવૃત્તિ ગેરકાયદેસર રીતે હડપી લેતા હતા.
આ ગોટાળો પછાત વર્ગ અને લઘુમતી કલ્યાણ વિભાગના સહાયક નિયામક અનિલ કુમાર સોનીએ 17 જૂન 2025ના રોજ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સામે આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અયોગ્ય વિદ્યાર્થીઓના નામે શિષ્યવૃત્તિ મેળવી રહી છે. આ ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી, જેમાં આ ગોટાળાનો પર્દાફાશ થયો હતો.
અહેવાલ મુજબ, ક્રાઇમ બ્રાન્ચે શંકાસ્પદ સંસ્થાઓના સંચાલકોની શોધખોળ શરૂ કરી છે અને સરકારને આ મામલે વિગતવાર રિપોર્ટ મોકલવામાં આવી રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે આ સંસ્થાઓએ બોગસ વિદ્યાર્થીઓના નામે અને ખોટી માહિતીના આધારે શિષ્યવૃત્તિની રકમ હડપ કરી લીધી છે.
તપાસમાં ચોંકાવનારા ઘસ્ફોટ
ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ રાજેશ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, એક આરોપી આફતાબ ખાન, જે ખજરાનાની સબ્જી મંડીમાં સેન્ટ ઝેવિયર કોન્વેન્ટ નામની શાળા ચલાવતો હતો, તેણે ₹7 લાખથી વધુની શિષ્યવૃત્તિ લીધી હતી. જોકે, જ્યારે પોલીસ ટીમ આ શાળાના સરનામે તપાસ માટે પહોંચી ત્યારે ત્યાં કોઈ શૈક્ષણિક સંસ્થા જોવા મળી નહીં, ત્યાં માત્ર ખાલી જગ્યા હતી. હાલ આફતાબ ખાન મોબાઇલ બંધ કરીને ફરાર થઈ ગયો છે.
ઇન્સ્પેક્ટર માધવસિંઘ ભદોરિયાની તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી. આ ગોટાળામાં સામેલ અન્ય આરોપીઓમાં કેર વેલ સ્કૂલના સંચાલક મોહમ્મદ રફીક ખાન, મદરેસા સાફિયાની સંચાલિકા શબનમ શાહ, મદરેસા ઉસ્માનિયાની સંચાલિકા શહનાઝ ખાનમ અને JRD ડીઆરડી મેમોરિયલ સ્કૂલના સંચાલક આફતાબનો સમાવેશ થાય છે. આ તમામ સામે FIR નોંધવામાં આવી છે.
આ ગોટાળાની મુખ્ય પદ્ધતિ એવી હતી કે સંસ્થાઓએ પહેલા 9મા અને 10મા ધોરણ માટે અયોગ્ય વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર કર્યું. ત્યારપછી મદરેસાએ પોતાના લોગ-ઇનનો ઉપયોગ કરીને આ અયોગ્ય વિદ્યાર્થીઓની નોંધણીને આગળ વધારી અને શિષ્યવૃત્તિની રકમ મેળવી લીધી. આ પ્રક્રિયામાં બોગસ દસ્તાવેજો અને ખોટી માહિતીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થયું.
આ ઉપરાંત, ભોપાલમાં પણ ગત મહિને આવો જ એક ગોટાળો સામે આવ્યો હતો, જ્યાં 40થી વધુ મદરેસાઓ અને લઘુમતી શાળાઓએ બોગસ વિદ્યાર્થીઓના નામે ₹57.78 લાખની શિષ્યવૃત્તિ હડપ કરી લીધી છે. ભોપાલની એક શાળા, સિટી મોન્ટેસરી સ્કૂલ, જે આમ વાલી મસ્જિદ પાસે સ્થિત હોવાનું કહેવાયું, તેની તપાસમાં જાણવા મળ્યું કે આ સ્થળે કોઈ શાળા અસ્તિત્વમાં જ નથી.


