સૌથી મોટી અર્થવ્યવસ્થાઓની યાદીમાં ભારત પાંચમા ક્રમેથી આગળ વધીને ચોથા ક્રમ પર પહોંચી ગયું છે અને જાપાનને પાછળ ધકેલી દીધું છે. શનિવારે (24 મે) યોજાયેલી NITI આયોગની બેઠક બાદ આ જાણકારી આપવામાં આવી. આયોગના CEO બીવીઆર સુબ્રમણ્યમે એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું કે ભારત હવે આધિકારિક રીતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.
સુબ્રમણ્યમે કહ્યું, “આપણે હવે ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા છીએ. હવે આપણે 4 ટ્રિલિયન ડોલર ઇકોનોમી છીએ.”
#BreakingNews | India overtakes Japan to become world's 4th largest economy: Niti Aayog pic.twitter.com/NSINT5LXjg
— DD News (@DDNewslive) May 25, 2025
તેમણે IMFનો ડેટા પણ ટાંક્યો હતો, જે ભારતની અર્થવ્યવસ્થા જાપાન કરતાં મોટી હોવાની પુષ્ટિ કરે છે. તેમણે ઉમેર્યું કે હવે અમેરિકા, ચીન અને જર્મની જ ભારત કરતાં આગળ છે. તેમણે એમ પણ કહ્યું કે જો આપણે આયોજન અને યોજનાઓ પર કામ ચાલુ રાખીશું અને સરકારે જે વિચારણા કરી છે તેને વ્યવસ્થિત અમલમાં મૂકીશું તો આગામી અઢીથી ત્રણ વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું.
IMFના એપ્રિલના વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટ અનુસાર, 2026ની નોમિનલ GDP લગભગ 4,187.017 બિલિયન ડોલર રહેવાની સંભાવના છે, જે જાપાનની GDP 4,186.431 બિલિયન ડોલર કરતાં થોડી વધારે છે. 2024 સુધી ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ હતો.
IMFએ એ પણ અનુમાન લગાવ્યું છે કે ભારત આગામી બે વર્ષ સુધી દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા રહેશે. 2025માં 6.2 ટકાના દરે અને 2026માં 6.3 ટકાના દરે આર્થિક વિકાસ થતો રહેશે. જ્યારે વૈશ્વિક આર્થિક વિકાસનો દર આની સરખામણીએ અત્યંત ઓછો રહેશે. જે 2025માં 2.8 ટકા અને 2026માં 3 ટકા જેટલો રહેશે. ભારત તેના કરતાં બમણી ગતિએ આગળ વધી રહ્યું છે.
બેઠક વિશે જાણકારી આપતાં આયોગ CEOએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મેન્યુફેક્ચરિંગ સર્વિસ, રૂરલ, નોન-ફાર્મ, અર્બન, ઇન્ફોર્મલ અને ગ્રીન ઇકોનોમી સેક્ટર માટે અમુક રણનીતિઓ ઘડીને તેની ઉપર કામ કરવાનો નિર્ણય કર્યો છે ઉલ્લેખનીય છે કે આ બેઠકની થીમ હતી- ‘વિકસિત રાજ્ય ફોર વિકસિત ભારત 2047.’
નીતિ આયોગ (NITI- નેશનલ ઈન્સ્ટીટ્યુટશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા) એ ભારત સરકારની પબ્લિક પોલિસી થિંક ટેન્ક છે, જેની સ્થાપના નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ જાન્યુઆરી 2015માં કરી હતી. વડાપ્રધાન તેના પ્રમુખ હોય છે. સંસ્થા મુખ્યત્વે આર્થિક વિકાસ, કોઓપરેટિવ ફેડરેલિઝમ વગેરે પર કામ કરે છે.