Saturday, February 1, 2025
More
    હોમપેજરાજકારણદેશ સ્વતંત્ર થયો 1947માં, પણ બજેટને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મળી છેક '99માં:...

    દેશ સ્વતંત્ર થયો 1947માં, પણ બજેટને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ મળી છેક ’99માં: લંડન સાથે સમય જાળવવા સાંજે રજૂ કરતી હતી સરકારો, અટલ સરકારે બદલ્યો હતો સમય

    બજેટ રજૂ કરવાનો સમય અને તારીખથી લઈને અન્ય પણ અનેક બાબતોમાં કોંગ્રેસ સરકારે અંગ્રેજોની નીતિને જ આવકાર્ય ગણી હતી. દેશ સ્વતંત્ર થયા બાદ પણ કોંગ્રેસે તે દિશામાં ક્યારેય વિચાર્યું નહોતું કે, હવે શા માટે અંગ્રેજોની પરંપરા અને નીતિઓને જ અપનાવવામાં આવે.

    - Advertisement -

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Government) દેશનું વાર્ષિક બજેટ (Annual budget) રજૂ રહી છે. મોદી સરકારમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમી વખત 1 ફેબ્રુઆરીએ સંસદમાં પોતાનું બજેટ ભાષણ આપી રહ્યાં છે. 11 કલાકે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવ્યું. તે પહેલાં બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી અને કેન્દ્રની કેબિનેટ બેઠકમાં પણ તેને મંજૂરી આપી દેવામાં આવી હતી. બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે દેશની આર્થિક વૃદ્ધિ, વિકાસ અને નાણાકીય નીતિઓ માટેનો સરકારનો દ્રષ્ટિકોણ પણ રેખાંકિત કરવામાં આવશે.

    લોકસભામાં 11 કલાકે બજેટ રજૂ થઈ રહ્યું છે અને અલગ-અલગ પ્લેટફોર્મ પર તેનું જીવંત પ્રસારણ પણ રજૂ કરવામાં આવી રહ્યું છે. જોકે, હવે બજેટ સવારે 11 કલાકે રજૂ કરવું એક નિયમ બની ગયો છે, પરંતુ પહેલાંથી જ આવું નહોતું. અંગ્રેજ શાસનમાં અને તે પછી કોંગ્રેસ શાસનમાં પણ બજેટ રજૂ કરવાનો સમય હાલના સમય કરતાં અલગ હતો અને તારીખ પણ અલગ હતી. આજે આ લેખમાં આપણે બજેટ રજૂ કરવાના સમય અને તારીખનો ઇતિહાસ જોઈશું અને શા કારણે કોંગ્રેસની આ પરંપરાને તોડવામાં આવી તે વિશે પણ ચર્ચા કરીશું.

    બજેટ રજૂ કરવાના સમયનો શું છે ઇતિહાસ?

    અહીં એ નોંધવા જેવું છે કે, હવે 11 કલાકે નાણામંત્રી બજેટ રજૂ કરે તે સામાન્ય બાબત બની ગઈ છે. પરંતુ 1999 સુધી તેનાથી એકદમ વિપરીત સ્થિતિ હતી. 1999 સુધી દેશના બજેટને કોંગ્રેસ સરકારો સાંજે 5 કલાકે રજૂ કરતી હતી. આ પરંપરા બ્રિટિશ સંસ્થાનવાદના સમયથી ચાલી આવે છે. આ સમય બ્રિટિશ સરકાર માટે ખૂબ સરળ અને સુવિધાજનક હતો. કારણ કે, આવું કરવાથી લંડન અને ભારત બંનેમાં એક સાથે અને એક સમયે જાહેરાત કરવામાં આવી શકે તેમ હતી. ભારતનો સમય બ્રિટન કરતાં 5:30 કલાક આગળ છે, તેથી ભારતમાં સાંજે 5 કલાકનો સમય બ્રિટનમાં 11:30 કલાકનો સમય થતો હતો. આ કારણે બ્રિટિશ સરકાર માટે બજેટ ઘોષણાનું સંકલન કરવું ખૂબ સરળ બની જતું હતું.

    - Advertisement -

    જોકે, આ બાબત સમજમાં પણ આવે કે, અંગ્રેજોએ પોતાની સરળતા માટે બજેટનો સમય અને તેની તારીખ નક્કી કરી હતી. પરંતુ દેશને સ્વતંત્રતા મળ્યા બાદ પણ કોંગ્રેસની સરકારોએ આ જ ગુમામીની નિશાની છેક સુધી પડકી રાખી હતી. દેશને સ્વતંત્રતા મળી ગઈ હતી, પરંતુ બજેટ રજૂ કરવાનો સમય હજુ સુધી અપરિવર્તીત રહ્યો હતો. છેક 1999 સુધી કોંગ્રેસની તમામ સરકારો સાંજે 5 કલાકે જ બજેટ રજૂ કરી રહી હતી. ભારત પર હવે બ્રિટનનું કોઈ પ્રભુત્વ નહોતું, તેમ છતાં કોંગ્રેસ સરકારો લંડનના સમય સાથે દેશનો સમય સેટ કરીને સાંજે 5 કલાકે જ બજેટ રજૂ કરતી રહી હતી.

    ત્યારબાદ વર્ષ 1999માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારે આ સમયને બદલી કાઢ્યો હતો. અટલ સરકારના તત્કાલીન નાણામંત્રી યશવંત સિન્હાએ બજેટ રજૂ કરવાના સમયને બદલીને 11 કલાક કરી નાખ્યો હતો. આ બદલાવ લાગુ કરવા પાછળ પણ અનેક કારણો હતા. સૌથી પહેલું કારણ તે હતું કે, ભારત હવે સ્વતંત્ર દેશ છે, હવે ભારત બ્રિટિશ સંસ્થાનવાદનો ભાગ નથી. તેથી તેને હવે લંડનના સમય ક્ષેત્રનું પાલન કરવાની કોઈ જરૂર નથી. બીજું કારણ એ હતું કે, સંસદમાં બજેટ રજૂ થયા બાદ સાંસદો અને અધિકારીઓને તેના પર ચર્ચા કરવાનો વધુ સમય મળી શકે. સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવે તો સમયના અભાવે તેના પર પૂરતી ચર્ચા થઈ શકે નહીં.

    27 ફેબ્રુઆરી, 1999ના ઐતિહાસિક દિવસે યશવંત સિન્હાએ પ્રથમ વખત કેન્દ્રીય બજેટ સવારે 11 કલાકે રજૂ કર્યું હતું. આ નવો સમય એક સ્થાયી પરિવર્તન બની ગયો અને ત્યારથી લઈને આજ સુધી બજેટ રજૂ કરવામાં તે સમયનો ઉપયોગ કરવામાં આવ્યો.

    મોદી સરકારે બદલી હતી બજેટની તારીખ

    બજેટના સમયમાં પરિવર્તન આવ્યા બાદ પણ બજેટ રજૂ કરવાની તારીખમાં કોઈ પરિવર્તન આવ્યું નહોતું. અંગ્રેજોની પરંપરા અનુસાર, બજેટ ફેબ્રુઆરીના છેલ્લા કાર્યદિવસે રજૂ કરવામાં આવતું હતું. પરંતુ, કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ તેણે ગુલામીની આ નિશાનીને પણ નાબૂદ કરી નાખી હતી. મોદી સરકારના નાણામંત્રી અરુણ જેટલીએ આ પરંપરાને તોડીને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવાનું શરૂ કર્યું હતું. નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ 1 એપ્રિલથી નવી બજેટ નીતિઓના સરળ અમલીકરણને મંજૂરી આપવા માટે આ ઐતિહાસિક બદલાવ કરવામાં આવ્યો હતો. આવું કરવાથી હવે સરકારને એક આખા મહિનાનો સમય પણ મળી શક્યો હતો. જેના કારણએ બજેટ યોજનાઓને અમલમાં લાવવા અને વધુ વ્યાવહારિક બનાવવા માટેનો સમય પણ મળી ગયો હતો.

    આ સાથે જ વધુ એક ઐતિહાસિક નિર્ણય પણ મોદી સરકાર હેઠળ લેવામાં આવ્યો હતો. અંગ્રેજ શાસનથી લઈને કોંગ્રેસ સરકારોમાં પણ એવું થતું હતું કે, રેલ બજેટને કેન્દ્રીય બજેટથી અલગ કરીને રજૂ કરવામાં આવતું હતું. પરંતુ, 2017માં મોદી સરકારે ઐતિહાસિક રીતે બદલાવ કરીને રેલ બજેટને પણ કેન્દ્રીય બજેટનો એક ભાગ બનાવી દીધું હતું. આ બદલાવના કારણે 92 વર્ષ જૂની પરંપરાને તોડવામાં આવી હતી. આ નિર્ણયનું કારણ સમયની બચત અને સરળતા હતું.

    કોંગ્રેસ સરકારે અંગ્રેજોની નીતિઓને જ આપ્યું હતું પ્રોત્સાહન

    બજેટ રજૂ કરવાનો સમય અને તારીખથી લઈને અન્ય પણ અનેક બાબતોમાં કોંગ્રેસ સરકારે અંગ્રેજોની નીતિને જ આવકાર્ય ગણી હતી. દેશ સ્વતંત્ર થયા બાદ પણ કોંગ્રેસે તે દિશામાં ક્યારેય વિચાર્યું નહોતું કે, હવે શા માટે અંગ્રેજોની પરંપરા અને નીતિઓને જ અપનાવવામાં આવે. કોંગ્રેસે એવું પણ નહોતું વિચાર્યું કે, સ્વતંત્રતા બાદ દેશની વ્યવસ્થા અને સરળતાને અનુરૂપ નિર્ણયો અને નીતિઓ અપનાવવી જોઈએ. દેશ સ્વતંત્ર થયો એટલું પૂરતું નહોતું, પરંતુ દેશમાં રહેલી અંગ્રેજોની નીતિને પણ ખતમ કરવી જોઈએ. જેથી કરીને સમાજમાં સ્થાપિત થઈ ગયેલી ગુલામીની માનસિકતાને પણ બદલી શકાય. આમ તો વચ્ચે એકાદ-બે બિનકોંગ્રેસી સરકારો પણ આવી, પણ એ કહેવાની બિનકોંગ્રેસી હતી. સિસ્ટમ ઉપર કબજો તો હજુ પણ કોંગ્રેસી માનસિકતાનો જ હતો, જે છેક 2014માં દૂર થયો.

    અંગ્રેજોની સ્થાપિત નીતિઓને બદલાવનું કાર્ય અમુક અંશે અટલ સરકાર અને ત્યારબાદ મોટાપાયે મોદી સરકારે હાથ ધર્યું હતું. અંગ્રેજ શાસનથી ચાલતું આવેલું રાજપથનું નામ પણ કર્તવ્ય પથ કરી દેવામાં આવ્યું હતું. તે સિવાય ઇન્ડિયા ગેટ પર અંગ્રેજની જગ્યાએ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી અને ઇન્ડિયન નેવીના આધિકારક ધ્વજ પર પણ છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યની રાજમુદ્રા અંકિત કરવામાં આવી હતી. આવા અનેક બદલાવોના કારણે જ આજે દેશ ગુલામીની માનસિકતામાંથી બહાર નીકળી શકવા સક્ષમ બન્યો છે. આત્મનિર્ભર ભારતનો અર્થ માત્ર વસ્તુઓ જ દેશમાં પેદા કરવી એ નથી, પરંતુ નીતિઓ અને નિર્ણયોમાં પણ દેશની અનુકૂળતાને ધ્યાને રાખવી જરૂરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં