Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘નેતાજી અખંડ ભારતના પહેલા પ્રધાન, આઝાદી બાદ આ મહાનાયકને ભુલાવી દેવાયા’: પીએમ...

    ‘નેતાજી અખંડ ભારતના પહેલા પ્રધાન, આઝાદી બાદ આ મહાનાયકને ભુલાવી દેવાયા’: પીએમ મોદીએ નેતાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું, ‘કર્તવ્યપથ’નું પણ ઉદ્ઘાટન

    વડાપ્રધાન મોદીએ રાજધાની દિલ્હીમાં નવું સ્વરૂપ અપાયેલા કર્તવ્યપથનું ઉદ્ઘાટન-લોકાર્પણ કર્યું હતું તેમજ તેમના હસ્તે ઇન્ડિયા ગેટ પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પણ અનાવરિત કરવામાં આવી હતી.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજધાની દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા એવન્યૂનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત, પીએમ મોદીના હસ્તે ઇન્ડિયા ગેટની સામે રાખવામાં આવેલ નેતાજીની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ વિસ્ટા એવન્યુના ઉદ્ઘાટન સાથે આજથી દિલ્હીના બહુ જાણીતા ‘રાજપથ’નું નામ પણ બદલાઈ ગયું છે અને હવે તે ‘કર્તવ્યપથ’ના નવા નામથી ઓળખાશે. 

    કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા વડાપ્રધાને કહ્યું કે, ગુલામીના પ્રતીક સમાન કિંગ્સવે એટલે કે રાજપથ હવે ઇતિહાસ બની ગયો છે અને સાફ થઇ ગયો છે. આજે કર્તવ્યપથના રૂપમાં એક નવા ઇતિહાસનું સર્જન થયું છે. હું તમામ દેશવાસીઓને આ અમૃતકાળમાં ગુલામીની વધુ એક ઓળખમાંથી મુક્તિ મેળવવા બદલ અભિનંદન પાઠવું છું. 

    વડાપ્રધાને ઉમેર્યું કે, આજે ઇન્ડિયા ગેટની સામે આપણા રાષ્ટ્રનાયક નેતાજી સુભાષચંદ્ર બોઝની વિશાળ પ્રતિમા પણ સ્થાપિત થઇ છે. ગુલામીના સમયે અહીં બ્રિટિશ રાજસત્તાના પ્રતિનિધિની પ્રતિમા લાગતી હતી. આજે દેશે એ જ સ્થાન પર નેતાજીની પ્રતિમાનું અનાવરણ કરીને આધુનિક, સશક્ત ભારતની પ્રાણ-પ્રતિષ્ઠા પણ કરી છે. 

    - Advertisement -

    તેમણે કહ્યું કે, આજે જો રાજપથનું અસ્તિત્વ સમાપ્ત થઈને કર્તવ્યપથ બન્યો છે. આજે જ્યોર્જ પંચમની મૂર્તિના નિશાનને હટાવીને નેતાજીની મૂર્તિ લાગી છે, તો આ ગુલામીની માનસિકતાના પરિત્યાગનું પહેલું ઉદાહરણ નથી. આ ન તો શરૂઆત છે, ન  અંત. આ મન અને માનસની આઝાદીનું લક્ષ્ય હાંસિલ કરવા સુધી નિરંતર ચાલતી સંકલ્પ યાત્રા છે. 

    સુભાષચંદ્ર બોઝ વિશે વડાપ્રધાને કહ્યું કે, તેઓ એવા મહામાનવ હતા જેઓ પદ અને સંસાધનોના પડકારોથી પર હતા. તેમની સ્વીકાર્યતા એવી હતી કે આખું વિશ્વ તેમને નેતા માનતું હતું. તેમનામાં સાહસ હતું, સ્વાભિમાન હતું, તેમની પાસે વિચારો હતા, વિઝન હતું. તેમના નેતૃત્વમાં ક્ષમતા હતી, તેમની પાસે નીતિઓ હતી. 

    આગળ વડાપ્રધાને કહ્યું કે, જો સ્વતંત્રતા બાદ આપણું ભારત સુભાષ બાબુની રાહ પર ચાલ્યું હોત તો આજે દેશ કેટલી ઉંચાઈઓ પર હોત. પરંતુ કમનસીબે આઝાદી બાદ આપણા આ મહાનાયકને ભુલાવી દેવામાં આવ્યા. તેમના વિચારોને, તેમની સાથે જોડાયેલાં પ્રતીકોને નજરઅંદાજ કરી દેવામાં આવ્યાં. 

    પીએમએ ઉમેર્યું કે, છેલ્લાં આઠ વર્ષમાં અમે એક પછી એક એવા કેટલાય નિર્ણયો લીધા છે, જેની ઉપર નેતાજીના આદર્શો અને સપનાંની છાપ છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, અખંડ ભારતના પહેલા પ્રધાન હતા, જેમણે 1947થી પણ પહેલાં અંદમાનને આઝાદ કરાવીને તિરંગો ફરકાવ્યો હતો. 

    પીએમ મોદીએ કહ્યું કે, આજે અંગ્રેજોના જમાનાથી ચાલતા આવેલા સેંકડો કાયદાઓ બદલાઈ ચૂક્યા છે. ભારતીય બજેટના સમય અને તારીખ પણ બદલી નાંખવામાં આવ્યાં અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ દવારા વિદેશી ભાષાની મજબુરીમાંથી પણ દેશના યુવાનોને આઝાદ કરવામાં આવી રહ્યા છે. 

    વડાપ્રધાને કહ્યું કે, આજે ભારતના આદર્શ પોતાના છે, આયામ પોતાના છે. સંકલ્પ પોતાના છે, લક્ષ્ય પોતાનાં છે. આજે પથ આપણા છે અને પ્રતીકો પણ આપણાં છે. 

    વડાપ્રધાને કર્તવ્યપથના નવનિર્માણ માટે શ્રમદાન આપ્યું હોય એવા શ્રમિકોનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તેમણે ન માત્ર કર્તવ્યપથ બનાવ્યો છે પરંતુ શ્રમની પરાકાષ્ઠાથી દેશને કર્તવ્યપથ પણ બતાવ્યો છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં