આમ આદમી પાર્ટી (AAP) નેતા અને અરવિંદ કેજરીવાલ સરકારમાં પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની (Satyendra Jain) મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. સમાચાર એવા છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે (MHA) સત્યેન્દ્ર કુમાર જૈન વિરુદ્ધ કેસ ચલાવવા માટે રાષ્ટ્રપતિ પાસે મંજૂરીની માંગ કરી છે.
ગૃહ મંત્રાલયે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની (BNSS) કલમ 218 હેઠળ સત્યેન્દ્ર જૈન સામે કેસ ચલાવવા માટે EDને મંજૂરી આપવા માટે રાષ્ટ્રપતિને વિનંતી કરી હતી. એજન્સીનું કહેવું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી મળેલ પુરાવાના આધારે સત્યેન્દ્ર કુમાર જૈન સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવામાં આવે. નોંધનીય છે કે જૈન પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત હવાલા સોદાઓ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલે કેસ દાખલ કર્યો હતો.
ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 218 ન્યાયાધીશો અને પબ્લિક સર્વન્ટ સામે કેસ ચલાવવા મામલેની જોગવાઈઓ દર્શાવે છે. ગૃહ મંત્રાલયે આ કલમ હેઠળ જ કાર્યવાહી આગળ ચલાવવા માટે પરવાનગીની માંગ કરી છે.
નોંધવું જોઈએ કે વર્ષ 2022માં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તેઓ જામીન પર બહાર છે. મની લોન્ડરિંગ મામલે 2017માં CBIએ જૈન અને અન્ય લોકો સામે FIR દાખલ કરી હતી. ત્યારબાદ કેસમાં EDની એન્ટ્રી થઈ. આ FIRમાં સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ સંપત્તિ કરતાં આવક વધુ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
BREAKING | गृह मंत्रालय ने राष्ट्रपति से सत्येंद्र जैन की गिरफ्तारी की मांग की- सूत्र @romanaisarkhan | @NirajPandeyLive | https://t.co/smwhXUROiK
— ABP News (@ABPNews) February 14, 2025
#SatyendraJain #HomeMinistry #President #ABPNews pic.twitter.com/za8q9h7YXU
ડિસેમ્બર 2018માં આ કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરી હતી, જે અનુસાર આવકથી વધુ સંપત્તિ ₹1.47 કરોડની હતી, જે 2015-17 વચ્ચે જૈનના જાણીતા આવકના સ્ત્રોતો કરતાં લગભગ 217% વધુ હતી. સત્યેન્દ્ર જૈન 18 ઓક્ટોબરના રોજ તિહાડ જેલમાંથી બહાર આવ્યા હતા. જે મામલે ED તપાસ કરી હતી તે મની લોન્ડરિંગ કેસમાં શહેરની એક કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
સ્પેશિયલ જજ વિશાલ ગોગાણેની કોર્ટે જૈનને ₹50,000ના વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જામીન મંજૂર કરતી વખતે એ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી સત્યેન્દ્ર જૈન લાંબા સમયથી જેલમાં હતા. જૈનની મે 2022માં ધરપકડ કરવામાં આવી હતી અને 26 મે, 2023થી 18 માર્ચ, 2024 સુધીના 10 મહિનાના સમયગાળા (જ્યારે મેડિકલ બેલ પર બહાર આવ્યા હતા) સિવાયના સમયમાં તેઓ જેલમાં જ હતા.
આ 10 મહિનાના સમયગાળા દરમિયાન તેઓ મેડિકલ જામીન પર બહાર હતા. 23 મે, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા. જેને પછીથી લંબાવવામાં પણ આવ્યા હતા. નોંધનીય છે કે તાજેતરમાં યોજાયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સત્યેન્દ્ર જૈન શકુર બસ્તી બેઠક પરથી ભાજપના ઉમેદવાર કરનૈલ સિંઘ સામે લગભગ 21,000 મતોથી હારી ગયા હતા.