અજમેર શરીફ દરગાહના (Ajmer Sharif Dargah) સ્થાન પર સંકટ મોચક શિવ મંદિર (Sankat Mochak Shiv Mandir) હોવાનો દાવો કર્યા બાદ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાને (Vishnu Gupta) ‘સર તન સે જુદા’ની (Sar Tan Se Juda) ધમકી (Threat) મળી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, દુબઈ અને કેનેડાથી કોલ આવ્યા હતા અને કોલમાં જ ગુપ્તાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. ધમકી આપનાર શખ્સે તેમને કહ્યું છે કે, તેમનું માથું ધડથી અલગ કરી નાખવામાં આવશે. આ સાથે જ વધુમાં આરોપીએ કહ્યું છે કે, કોર્ટમાં અજમેર શરીફ દરગાહનો કેસ ફાઇલ કરવો તે ગુપ્તાની સૌથી મોટી ભૂલ છે.
ધમકી મળ્યા બાદ હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ દિલ્હીના બારાખંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું છે કે, તેઓ આવી એક પણ ધમકીથી ડરવાના નથી. તેમણે કહ્યું કે, “અમે માત્ર અમારો હક્ક માંગી રહ્યા છીએ, અમે કોઈની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડી અને ન તો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગીએ છીએ.” આ સાથે જ તેમણે ફરીથી દાવો કર્યો છે કે, “અજમેર દરગાહમાં શિવ મંદિર છે અને કાયદાકીય લડાઈ લડીને તેને પરત પણ લેવામાં આવશે.”
અજમેર દરગાહના સ્થાને શિવ મંદિર હોવાનો કર્યો છે દાવો
અહીં એ પણ નોંધવા જેવું છે કે, હિંદુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ અજમેરની ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહના સ્થાને પહેલાં શિવ મંદિર હોવાનો દાવો કરતી અરજી અજમેર કોર્ટમાં દાખલ કરી હતી. અજમેર સિવિલ કોર્ટે પણ તે અરજીને સાંભળવા યોગ્ય ગણી છે અને તેના પર સુનાવણી પણ થવા જઈ રહી છે. કોર્ટે લઘુમતી મંત્રાલય, દરગાહ કમિટી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI)ને નોટિસ મોકલીને પોતાનો પક્ષ રજૂ કરવા માટેના નિર્દેશો આપ્યા છે.
હિંદુ સેનાના અધ્યક્ષે રિટાયર્ડ જજ હરબિલાસ શારદાના પુસ્તક ‘અજમેર: હિસ્ટોરિકલ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ’માં આપવામાં આવેલાં તથ્યોના આધારે આ અરજી દાખલ કરી છે. જેમાં ઉલ્લેખ છે કે, અજમેર દરગાહના સ્થાને પહેલાં એક ભવ્ય શિવ મંદિર હતું અને એક બ્રાહ્મણ દંપતી ત્યાં ભગવાનની આરધાન પણ કરતું હતું. તે સિવાય પણ અરજીમાં દરગાહના બાંધકામની શૈલી, નક્શીકામ નજીકમાં રહેલ જળાશયના મુદ્દાને પણ આવરી લેવામાં આવ્યા હતા. ગુપ્તાના મતે, તેમણે 2 વર્ષના રિસર્ચ બાદ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અહીં નોંધવા જેવું છે કે, 20 ડિસેમ્બરના રોજ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે.