Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશ'હિંદુ લગ્નને કરારની જેમ ભંગ કે સમાપ્ત શકાય નહીં': અલ્હાબાદ હાઈકોર્ટે ફેમિલી...

    ‘હિંદુ લગ્નને કરારની જેમ ભંગ કે સમાપ્ત શકાય નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો નિર્ણય ફગાવ્યો, કહ્યું- ‘કાયદાકીય રીતે અને પુરાવાઓના આધારે જ થઇ શકે છૂટાછેડા’

    આ ચુકાદામાં હિંદુ લગ્નની પવિત્રતા અને તેને કરાર તરીકે ભંગ કે સમાપ્તના કરી શકવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સુનિશ્ચિત કર્યું કે છૂટાછેડાનો કોઈપણ નિર્ણય યોગ્ય પુરાવા અને સમગ્ર દ્રષ્ટિકોણના આધારે લેવાવો જોઈએ

    - Advertisement -

    અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરવામાં આવી હતી કે હિંદુ લગ્નને (Hindu Marriage) કરારની (Contract) જેમ ભંગ અથવા સમાપ્ત કરી શકાતા નથી. આ ટિપ્પણી જસ્ટિસ સૌમિત્ર દયાલ સિંહ અને ડોનાડી રમેશની ખંડપીઠે દ્વારા કરવામાં આવી હતી, જેમણે એક મહિલા દ્વારા દાખલ કરેલી અપીલને સ્વીકારીને, તેના પતિની અરજી પર તેના લગ્નને ભંગ કરતા ફેમિલી કોર્ટના નિર્ણયને નામંજૂર કરી દીધો હતો.

    બાર અને બેંચના અહેવાલ મુજબ, હાઈકોર્ટ દ્વારા જણાવાયું કે, “હિંદુ લગ્નને કરારની જેમ સમાપ્ત અથવા ભંગ કરી શકતા નથી. હિંદુ લગ્ન એક ધાર્મિક સંસ્કાર પર આધારિત છે અને તે અમુક ચોક્કસ સંજોગોમાં જ કાયદેસર રીતે જ ભંગ થઈ શકે છે. જો કોઈ પતિ કે પત્ની પર નિઃસંતાન હોવાનો આરોપ લાગે છે, તો તે આરોપ પુરાવાના આધારે જ સાબિત થઈ શકે છે.”

    આ મામલો એવા એક દંપતીનો છે જેમના લગ્ન વર્ષ 2006માં થયા હતા. પતિ, જે ભારતીય સેનામાં કર્મચારી છે તેમણે વર્ષ 2007માં તેમની પત્ની પર તેમને છોડવાનો આરોપ લગાવ્યો હતો, અને વર્ષ 2008માં છૂટાછેડા માટે અરજી કરી હતી. પતિએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પત્ની નિઃસંતાન (વંધ્ય) છે, જેના આધારે તેમણે છૂટાછેડાની માંગ કરી હતી.

    - Advertisement -

    આ કેસમાં, શરૂઆતમાં 2008માં, પત્નીએ તેના પ્રથમ લેખિત નિવેદનમાં છૂટાછેડા માટે સંમતિ આપી હતી. જો કે, પાછળથી 2010માં, પત્નીએ છૂટાછેડાનો વિરોધ કરતું બીજું લેખિત નિવેદન નોંધાવ્યું હતું. જેમાં પતિ દ્વારા મુકેલા વંધ્યત્વના આરોપને નકારી કાઢતા દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેમણે એવો પણ ખુલાસો કર્યો હતો કે 2008માં, જ્યારે તેમના પતિએ છૂટાછેડાની અરજી દાખલ કરી હતી, ત્યારે એક બાળકને જન્મ આપી ચુકી હતી અને 2010માં બીજા બાળકને જન્મ આપ્યો હતો.

    2011માં, પતિએ પત્ની દ્વારા બીજું લેખિત નિવેદન દાખલ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ફેમિલી કોર્ટે પતિના વાંધાને સ્વીકારી લીધો હતો અને પત્નીના બીજા લેખિત નિવેદનને અવગણ્યું હતું. તથા તે જ દિવસે, કોર્ટે કેસની સુનાવણી કરી અને પતિની છૂટાછેડાની અરજી મંજૂર કરી દીધી હતી. જો કે પત્નીએ ફેમિલી કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

    હાઈકોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

    અલ્હાબાદ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને નામંજૂર કર્યો હતો, કારણ કે ફેમિલી કોર્ટે કેસની સંપૂર્ણ સમીક્ષા કરી નહોતી. હાઈકોર્ટે જણાવ્યું હતું કે બીજું લેખિત નિવેદન દાખલ કરવા પર અમુક મર્યાદાઓ હોવા છતાં, નીચલી કોર્ટને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખીને વધારાના નિવેદન મંગાવવા માટે કોઈ રોકતું નથી.

    હાઈકોર્ટે એ પણ અવલોકન કર્યું હતું કે ફેમિલી કોર્ટે છૂટાછેડાની અરજી મંજૂર કરી ત્યાં સુધીમાં પતિ-પત્ની વચ્ચે પરસ્પર સંમતિથી છૂટાછેડા માટેના આધારો સામાપ્ત થઇ ગયા હતા. જોકે પત્ની 2008માં છૂટાછેડા માટે સંમત થઈ ગઈ હતી, પરંતુ બાદમાં તેણે 2010માં પોતાનું નિવેદન બદલી નાખ્યું હતું અને છૂટાછેડાનો વિરોધ કર્યો હતો. 2011માં પત્નીએ આપેલી મૌખિક જુબાની પરથી પણ આ સ્પષ્ટ થયું હતું. હાઈકોર્ટના મતે ટ્રાયલ કોર્ટે તપાસ કરવી જોઈતી હતી કે પત્નીએ પોતાનો અભિપ્રાય બદલ્યો છે કે કેમ.

    હાઈકોર્ટની ટિપ્પણી

    હાઈકોર્ટે 6 સપ્ટેમ્બર 2024ના તેના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે હિંદુ લગ્નને કરારની જેમ સમાપ્ત કરી શકાય નહીં. કોર્ટે કહ્યું, “એને વિસ્તૃત કરવાની જરૂર નથી કે હિંદુ લગ્નને કરારની જેમ સમાપ્ત અથવા ભંગ કરી શકાય નહીં. હિંદુ લગ્ન માત્ર મર્યાદિત સંજોગોમાં કાયદા દ્વારા અને ચોક્કસ પુરાવાના આધારે જ તોડી શકાય છે.”

    કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈ પતિ કે પત્ની આરોપ લગાવે છે કે તે નિઃસંતાન છે, તો આ આરોપ માત્ર પુરાવાના આધારે જ સાબિત થઈ શકે છે. કોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને એ આધાર પર નકારી કાઢ્યો કે નીચલી કોર્ટે કેસની સંપૂર્ણ સમીક્ષા કરી ન હતી અને માત્ર અગાઉના લેખિત નિવેદન અને 2008ના સંમતિ હુકમનામા પર જ આધાર રાખ્યો હતો.

    પતિ હાઈકોર્ટમાં હાજર રહ્યો ન હતો

    હાઈકોર્ટે કહ્યું કે તે પતિ-પત્ની વચ્ચે સમાધાન કરવા ઈચ્છુક હતી, પરંતુ પતિ કોર્ટમાં હાજર ન હોવાથી આ શક્ય બન્યું નહોતું. તેમ છતાં કોર્ટે પત્નીની અપીલને મંજૂરી આપી અને છૂટાછેડાના હુકમને નકારી કાઢ્યો હતો. કોર્ટે કેસને પુનર્વિચાર માટે નીચલી અદાલતમાં મોકલ્યો હતો. તથા નિર્દેશ આપ્યો કે જો કોઈ સમાધાન ન થઈ શકે, તો પત્નીને બીજું લેખિત નિવેદન દાખલ કરવાની મંજૂરી આપવામાં આવે. તથા પતિને તે નિવેદનનો જવાબ આપવાનો અધિકાર આપવામાં આવે.

    આ કેસમાં પત્ની વતી વકીલ ઉમાનાથ પાંડે અને વિનોદ સિંહાએ દલીલો કરી હતી. જ્યારે પતિ વતી એએન પાંડે, ડીઆર કુશવાહા, મનીષ સી તિવારી અને રાજેશ કુમાર દુબે કોર્ટમાં હાજર થયા હતા.

    આ ચુકાદામાં હિંદુ લગ્નની પવિત્રતા અને તેને કરાર તરીકે ભંગ કે સમાપ્તના કરી શકવાની બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. હાઈકોર્ટે સુનિશ્ચિત કર્યું કે છૂટાછેડાનો કોઈપણ નિર્ણય યોગ્ય પુરાવા અને સમગ્ર દ્રષ્ટિકોણના આધારે લેવાવો જોઈએ. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે છૂટાછેડા માત્ર એકવાર આપવામાં આવેલી સંમતિના આધારે આપી શકાય નહીં, ખાસ કરીને જ્યારે તે સંમતિ પાછળથી પરત ખેંચી લેવામાં આવી હોય.

    કોર્ટનો આ નિર્ણય માત્ર આ કેસ માટે જ નહીં પરંતુ આવા ઘણા કિસ્સાઓ માટે મહત્વપૂર્ણ ઉદાહરણ તરીકે કામ કરશે જ્યાં લગ્નને કરાર સમજીને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં