દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) એક મહત્વપૂર્ણ ચુકાદામાં ભારતીય સેનાના (Indian Army) એક કમાન્ડિંગ ઓફિસરની (Commanding Officer) બરતરફીને માન્ય રાખી (Dismissal upheld) છે. તે અધિકારીએ રેજિમેન્ટના સાપ્તાહિક પરંપરાગત પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો, તેમણે ખ્રિસ્તી મતમાં શ્રદ્ધા હોવાનો હવાલો આપીને પરેડમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. કમાન્ડિંગ ઓફિસર સેમ્યુઅલ કમલેસનને તેમના ઉપરી અધિકારીઓએ રેજિમેન્ટેશનના મહત્વ વિશે અનેક વખત જણાવ્યું હતું, પરંતુ તેમ છતાં તેમણે પોતાનું વલણ બદલ્યું નહોતું. જે બાદ આખરે તેમને સેનામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.
આર્મી ઓફિસરે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને બરતફરીને અટકાવવાની માંગણી કરી હતી. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ નવીન ચાવલા અને શૈલિંદર કૌરની બેન્ચે તેમની બરતરફીને યોગ્ય ગણાવી હતી અને કહ્યું હતું કે, “કર્મચારીઓમાં એકરૂપતા ફક્ત તેમના દેખાવમાં જ નહીં પરંતુ બધાના ધર્મ પ્રત્યે આદર દર્શાવવામાં પણ સશસ્ત્રદળના સુમેળભર્યા, શિસ્તબદ્ધ અને સંકલિત કાર્ય માટે આવશ્યક છે.”
અરજદારે તેમના નિવૃત્તિના આદેશ, પેન્શન અને ગ્રેચ્યુટી વિના ભારતીય સેનામાંથી બરતરફીના નિર્ણયને પડકાર્યો હતો. તેમણે સેવામાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. 2017માં આર્મીમાં કમિશન મેળવનારા કમલેસને કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમની ટુકડીએ ફક્ત એક મંદિર અને ગુરુદ્વારા બનાવ્યું છે, ‘સર્વ ધર્મ સ્થળ’ પણ બનાવ્યું નથી. જે તમામ ધર્મના લોકોની સેવા કરી શકે.
અધિકારીએ કોર્ટ સમક્ષ એવો દાવો પણ કર્યો હતો કે, પરિસરમાં કોઈ ચર્ચ નથી. તેમણે સ્વીકાર્યું હતું કે, તેઓ તેમના સૈનિકો સાથે સાપ્તાહિક ધાર્મિક પરેડ માટે મંદિર અથવા ગુરુદ્વારામાં જતા હતા, પરંતુ મંદિરના સૌથી અંદરના ભાગમાં (ગર્ભગૃહ) પ્રવેશવાની છૂટ માંગી હતી જ્યાં પૂજા, હવન અથવા આરતી થતી હતી.
‘આ ધાર્મિક સ્વતંત્રતાનો નહીં, પરંતુ આદેશની અવમાનનાનો મામલો’- હાઇકોર્ટ
હાઇકોર્ટે નોંધ્યું કે અધિકારી વિધિવત પૂજામાં હાજરી ન આપવા માટે મક્કમ હતા અને તેમની વ્યક્તિગત માન્યતાને કારણે પરિસરની બહાર ઉભા રહ્યા હતા, જે તેમણે પોતે પણ સ્વીકાર્યું છે. હાઇકોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, “કમાન્ડિંગ ઓફિસરોએ વિભાજનની જગ્યાએ ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરવું જોઈએ અને યુનિટની એકતાને વ્યક્તિગત ધાર્મિક પ્રાથમિકતાઓથી ઉપર રાખવી જોઈએ, ખાસ કરીને જ્યારે તેઓ સૈનિકોની કમાન સંભાળતા હોય.”
બંને પક્ષોની દલીલો પર વિચાર કર્યાં બાદ હાઇકોર્ટે જણાવ્યું કે, હાલના આ કેસમાં ધાર્મિક સ્વતંત્રતાનો પ્રશ્ન નથી, પરંતુ ઉપરી અધિકારીના કાયદેસર આદેશનું પાલન કરવાનો પ્રશ્ન છે. હાઇકોર્ટે કહ્યું, “અરજદાર દ્વારા એ વાત પર વિવાદ નથી કે તેમના ઉપરી અધિકારીઓ તેમને ધાર્મિક પરેડમાં સામેલ થવાનું કહી રહ્યા છે, ત્યાં સુધી કે ગર્ભગૃહમાં પ્રવેશ કરવા અને અનુષ્ઠાન કરવાનું પણ કહી રહ્યા છે. તેનાથી સૈનિકોનું મનોબળ વધતું રહે છે.”
‘ધાર્મિક સ્વતંત્રતા સેનાના અનુશાસનને આધીન’- હાઇકોર્ટ
કોર્ટે નોંધ્યું કે, ભારતીય સેના એક એવી સંસ્થા છે જ્યાં વિવિધ ધર્મો, જાતિઓ અને પૃષ્ઠભૂમિના લોકો એકસાથે કામ કરે છે અને તેમને એક યુનિફોર્મ દ્વારા એકજુટ કરવામાં આવે છે, નહીં કે ધર્મ દ્વારા વિભાજિત કરવામાં આવે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, સૈન્યની શિસ્ત અને એકરૂપતા સર્વોપરી છે અને ધાર્મિક પરેડમાં ભાગ લેવો એ રેજિમેન્ટની પરંપરાનો ભાગ છે, જે ધાર્મિક ભેદભાવને પ્રોત્સાહન આપતો નથી, પરંતુ સૈન્યની એકતાને મજબૂત કરે છે.
Delhi HC Upholds Termination Of Christian #IndianArmy Officer Who Refused To Participate In Weekly Religious Parades | @nupur_0111
— Live Law (@LiveLawIndia) May 31, 2025
"Armed Forces comprise of personnel of all religions, castes, etc.; they are united by uniform not divided by religion"https://t.co/A8gpIxOcC4
કોર્ટે આગળ જણાવ્યું કે, અધિકારીને બહુવિધ તકો અને કાઉન્સેલિંગ સેશન્સ આપવામાં આવ્યા હતા, જેથી તેઓ આદેશોનું પાલન કરે, પરંતુ તેમના વારંવારના ઇનકારને શિસ્તભંગ તરીકે ગણવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, સૈન્યમાં ધર્મની સ્વતંત્રતાનો અધિકાર સંપૂર્ણ નથી, તે સૈન્યની શિસ્ત અને નિયમોને આધીન છે. આ ચુકાદામાં કોર્ટે ભારતીય બંધારણના અનુચ્છેદ 25નો (ધર્મની સ્વતંત્રતા) પણ ઉલ્લેખ કર્યો, પરંતુ નોંધ્યું કે આ અધિકાર જાહેર વ્યવસ્થા, નૈતિકતા અને આરોગ્યના હિતમાં મર્યાદિત હોય શકે છે.
સશસ્ત્રદળોમાં જરૂરી શિસ્તનું ધોરણ સામાન્ય કરતાં વધુ- હાઇકોર્ટ
વધુમાં હાઇકોર્ટે તે પણ સ્પષ્ટ કર્યું કે, “એક નાગરિક માટે આ થોડું કઠોર લાગી શકે છે અને ઘણી વખત તો સજા જેવું પણ લાગી શકે છે, પરંતુ સશસ્ત્રદળો માટે જરૂરી અનુશાસનનું માનક અલગ છે. સૈનિકોમાં જે પ્રેરણા ઊભી કરવાની હોય છે તે માટે સામાન્ય નાગરિક ધોરણોથી આગળ વધીને પગલાં લેવાની જરૂર પડી શકે છે.” આ સાથે જ હાઇકોર્ટે ખ્રિસ્તી અધિકારીની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, તેમનું આચરણ અનુશાસનહીનતા છે, કારણ કે, તેમણે પોતાના ધર્મને વરિષ્ઠના કાયદેસરના આદેશથી ઉપર રાખ્યો છે.”