હરિયાણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Haryana Municipal Elections Result) પરિણામો આવી ગયા છે. 12 માર્ચે (બુધવારે) 10 નગરપાલિકાઓની મતગણતરી થઈ હતી, જેમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ભાજપે કોંગ્રેસને 9-0 મ્યુનિસિપલ કોર્પોરેશન જીતીને માત આપી છે. માનેસરની ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવારે જીત્યા છે, જ્યારે બાકીની તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપની જીત થઈ છે. કાર્યકરોથી લઈને CM નાયબ સિંઘ સૈની (CM Nayab Singh Saini) સુધીના બધા નેતા ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. CM નાયબ સિંઘ સૈનીએ ચંદીગઢમાં જીતની ઉજવણી કરી હતી.
પહેલી વાર પોતાના ચૂંટણી ચિહ્ન પર ચૂંટણી લડી રહેલી કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલી શકી નહીં. અંબાલા, ગુરુગ્રામ, સોનીપત, રોહતક, કરનાલ, ફરીદાબાદ, પાણીપત, હિસાર અને યમુનાનગરમાં ભાજપના મેયર ઉમેદવારો જીત્યા છે. માનેસરમાં અપક્ષ ઉમેદવાર ઇન્દ્રજીત યાદવે જીત મેળવી છે. નોંધનીય છે કે, ભાજપે જે 9 સીટો પર જીત મેળવી છે, તેમાંથી એક રોહતક પણ છે. રોહતકને ભૂપેન્દ્ર સિંઘ હુડ્ડાનો ગઢ માનવામાં આવે છે.
જોકે, હુડ્ડાએ કહ્યું છે કે, આ સ્થાનિક ચૂંટણીના પરિણામોની કોંગ્રેસ પર બહુ અસર નહીં પડે. હુડ્ડાએ કહ્યું કે, “પહેલાં પણ ભાજપનો મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં દબદબો હતો. જો અમે બેઠક હારી ગયા હોત તો તે મોટો ફટકો હોત, પરંતુ અમારી પાસે એ બેઠક છે જ નહીં. કોંગ્રેસને કેટલાક વિસ્તારોમાં લીડ મળી હશે, પરંતુ હું ચૂંટણી દરમિયાન ક્યાંય ગયો નહોતો. મને નથી લાગતું કે આ પરિણામોની કોઈ અસર થશે.”
બીજી તરફ હરિયાણાના મુખ્યમંત્રી અને ભાજપ નેતા નાયબ સિંઘ સૈનીએ જણાવ્યું છે કે, ‘ટ્રિપલ એન્જિન’ સરકાર લોકોના સર્વાંગી ઉત્થાન માટે કામ કરશે અને તેના તમામ વચનો પૂરા કરશે. તેમણે કહ્યું કે, “પરિણામો સ્પષ્ટપણે દર્શાવે છે કે, હરિયાણાના લોકોએ ભાજપમાં કેટલો વિશ્વાસ મૂક્યો છે. સરકારે કરેલા વિકાસ કાર્યોને કારણે લોકોએ મતદાન કર્યું છે. કોંગ્રેસે લોકશાહી પ્રક્રિયાને હળવાશથી લેવાનું બંધ કરી દીધું છે અને તેથી લોકોએ તેમને બહારનો રસ્તો બતાવ્યો છે.”
#WATCH | Chandigarh | On BJP's victory in Haryana Municipal Corporation elections, Haryana Chief Minister Nayab Singh Saini says, "In the results of local body elections that came today, the people of Haryana have put their stamp of approval on the triple engine government… I… pic.twitter.com/FQ15XIy2kD
— ANI (@ANI) March 12, 2025
વાસ્તવમાં, હરિયાણામાં 2 માર્ચે યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું, જેમાં 51 લાખ મતદારો હતા. જોકે, 46% મતદાન પૂર્ણ થયું હતું. આ વખતે, 7 મ્યુનિસિપલ કોર્પોરેશનો – ગુરુગ્રામ, માનેસર, ફરીદાબાદ, હિસાર, રોહતક, કરનાલ અને યમુનાનગરના મેયર અને વોર્ડ સભ્યો માટે મતદાન યોજાયું હતું. બીજી તરફ, અંબાલા અને સોનીપત મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પદ માટે પણ પેટાચૂંટણીઓ યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે, આ વખતે કોંગ્રેસ અને ભાજપે પાર્ટીના પ્રતીકો પર ચૂંટણી લડી હતી અને ચૂંટણી EVM દ્વારા યોજાઈ હતી. ભાજપે 10 માંથી 9 મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ દિલ્હીની જેમ શૂન્યમાં સમેટાઈ ગઈ છે.