Monday, May 13, 2024
More
    હોમપેજદેશનૂંહમાં શોભાયાત્રાને RDXથી ઉડાવવાની ધમકી: શ્રાવણના છેલ્લા સોમવારે જળાભિષેક યાત્રા યોજવાનું VHPનું...

    નૂંહમાં શોભાયાત્રાને RDXથી ઉડાવવાની ધમકી: શ્રાવણના છેલ્લા સોમવારે જળાભિષેક યાત્રા યોજવાનું VHPનું એલાન, 31 જુલાઈએ હુમલો થવાથી અધૂરી રહી હતી

    નલ્હડ ખાતે મહાદેવના જળાભિષેકની સાથે 'વ્રજમંડલ જળાભિષેક યાત્રા' ફરી શરૂ કરવા VHPએ એલાન કર્યું છે. જેને લઈને પ્રશાસનને પણ જાણ કરીને અનુમતિ માંગવામાં આવી છે.

    - Advertisement -

    હરિયાણાના નૂંહમાં હિંદુઓની ધાર્મિક યાત્રા પર અમુક કટ્ટરપંથી મુસ્લિમોએ કરેલા હુમલા બાદ તે અધૂરી રહી હતી. આ યાત્રાનું શ્રાવણ માસના છેલ્લા સોમવારે ફરી આયોજન થવાનું છે. નલ્હડ ખાતે મહાદેવના જળાભિષેકની સાથે ‘વ્રજમંડલ જળાભિષેક યાત્રા’ ફરી શરૂ કરવા VHPએ એલાન કર્યું છે.

    VHPએ જણાવ્યું કે, ફિરોઝપુરના ઝીરકામાં જળાભિષેકથી પુન્હાનાના સિંગાર મંદિરમાં જળાભિષેક સુધીની યાત્રા કાઢવામાં આવશે. VHPના એલાન બાદ તંત્રએ હરિયાણા સરકારને પત્ર લખી નૂંહમાં ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ લગાવવા જણાવ્યું છે. બીજી તરફ આ યાત્રાને RDX દ્વારા હુમલો કરવાની એક હિંદુ સંગઠનને ધમકી મળી છે.

    VHPએ ‘વ્રજમંડલ યાત્રા’ના સફળ આયોજનનું એલાન કર્યું

    VHPના મહાસચિવ સુરેન્દ્ર જૈને જણાવ્યું હતું કે, 28 ઓગસ્ટે નૂંહમાં જોર-શોરથી ‘વ્રજમંડલ યાત્રા’નું આયોજન કરવામાં આવશે. આ અંગે વહીવટી તંત્રને જાણ કરવામાં આવી છે. આ માટે કોઈ પરવાનગીની જરૂરી રહેતી નથી. તેમણે ઉમેર્યું કે, આ યાત્રા અંગે પ્રશાસન સાથે શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી કરવા બાબતે ચોક્કસ ચર્ચા થઇ શકે છે. પરંતુ કોઈપણ પરિસ્થિતિમાં આ વખતે સફળ આયોજન સાથે યાત્રા પૂર્ણ કરવામાં આવશે. નોંધનીય છે કે પલવલમાં ફેલાયેલ હિંસા બાદ સર્વ સમાજની મહાપંચાયતમાં આ યાત્રાને સફળતાપૂર્વક યોજવાનું એલાન કરાયું હતું.

    - Advertisement -

    હિંદુ યુવા વાહિની આ યાત્રામાં 5000 શ્રદ્ધાળુઓને જોડશે

    પશ્ચિમ ઉત્તરપ્રદેશથી હિંદુ યુવા વાહિની 28 ઓગસ્ટે યોજાનાર ‘વ્રજમંડલ યાત્રા’માં 5000 શ્રદ્ધાળુઓ સાથે પહોંચશે. જળાભિષેક માટે હરિદ્વાર અને વારાણસીથી ગંગાજળ મંગાવવામાં આવ્યું છે. જેને લઈને પોલીસ પ્રશાસન અને ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આને ધ્યાનમાં રાખીને 25 ઓગસ્ટથી 29મી સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.

    ઇન્ટરનેટ સેવા બંધ કરવાની તૈયારી

    મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર VHPએ આ યાત્રા માટે પ્રશાસન પાસે મંજૂરી માંગી છે પરંતુ તંત્રએ આગામી G-20ના કાર્યક્રમો અને તણાવને ધ્યાને રાખી યાત્રાને હજુ સુધી મંજૂરી આપી નથી. બીજી બાજુ VHPના જળાભિષેક યોજવાના એલાન બાદ તંત્રએ હરિયાણાના ગૃહમંત્રાલયને ઇન્ટરનેટ સેવા પર 4 દિવસ સુધી રોક લગાવવા પત્ર લખ્યો હતો. જેથી જળાભિષેક યાત્રા અંગેની અફવાઓને અટકાવી શકાય. ડેપ્યુટી કમિશ્નર ધીરેન્દ્ર ખડગટાએ પત્રમાં 25થી 29 ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરવા જણાવ્યું હતું.

    યાત્રા પર RDX વડે હુમલાની ધમકી મળી

    આ દરમિયાન વિશ્વ હિંદુ તખ્તના આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને એન્ટી ટેરરિસ્ટ ફ્રંટ ઓફ ઈંડિયાના અધ્યક્ષ વિરેશ સાંડિલ્યને ધમકી મળી હતી કે, જો નલ્હડ મહાદેવ મંદિર પાસેથી ફરી કોઈ યાત્રાનું આયોજન કરવનો પ્રયાસ કરવામાં આવશે તો ત્યાં RDXથી હુમલો કરવામાં આવશે. આ મામલે તેમણે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. તેમણે કહ્યું કે, કોઈપણ ધમકીના કારણે અમે પીછેહઠ નહીં કરીએ.

    નૂંહમાં 31 જુલાઈએ હુમલો થયો હતો

    નોંધનીય છે કે, 31 જુલાઈએ ધામધૂમથી યોજવામાં આવેલ ‘વ્રજમંડલ જળાભિષેક યાત્રા’ પર મુસ્લિમ તોફાનીઓએ હુમલો કર્યો હતો. જેમાં 6 લોકોનું મૃત્યુ અને 100થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. તોફાનીઓએ અનેક ગાડીઓને પણ આગ લગાવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા આ વિસ્તારમાં અતિક્રમણ હટાવવાની ઝુંબેશ પણ હાથ ધરાઈ હતી. જેમાં 750થી વધુ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં