Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષે ચુકાદો: કોર્ટે કહ્યું- કેસ સુનાવણી લાયક, 'હર હર...

    જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષે ચુકાદો: કોર્ટે કહ્યું- કેસ સુનાવણી લાયક, ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું વારાણસી

    જ્ઞાનવાપી-શૃંગાર ગૌરી કેસમાં વારાણસીની કોર્ટે હિંદુ પક્ષે ચુકાદો આપ્યો છે અને કહ્યું કે, આ કેસની સુનાવણી આગળ ચાલુ રાખવામાં આવશે.

    - Advertisement -

    વારાણસીના શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી કેસમાં જિલ્લા કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ પક્ષે ચુકાદો આપતાં કોર્ટે કહ્યું કે, આ મામલો સુનાવણી કરવા લાયક છે અને આગળ સુનાવણી ચાલુ રાખવામાં આવશે. કોર્ટે પ્લેસ ઑફ વર્શિપ એક્ટને ટાંકીને મુસ્લિમ પક્ષે કરેલી દલીલો ફગાવી દીધી હતી. જેથી હવે કોર્ટે પણ એ સ્પષ્ટ કર્યું છે કે 1991 નો પ્લેસ ઑફ વર્શિપ એક્ટ આ કેસમાં લાગુ થશે નહીં.

    આજનો ચુકાદો એટલા માટે અગત્યનો હતો કારણ કે એ નક્કી થવાનું હતું કે આ કેસ આગળ કોર્ટમાં ચાલશે કે નહીં. આ ચુકાદાને હિંદુ પક્ષનો મોટો વિજય માનવામાં આવી રહ્યો છે.

    કોર્ટે ચુકાદો આપ્યા બાદ કાશીમાં ઉત્સવનો માહોલ છે અને સમગ્ર કોર્ટ પરિસર ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. લોકોએ કહ્યું કે, આ ચુકાદો ઐતિહાસિક સાબિત થશે. હિંદુ પક્ષ હવે કાશી વિશ્વનાથ જઈને દર્શન કરશે તેમ જણાવ્યું હતું.

    - Advertisement -

    વારાણસી સ્થિત જ્ઞાનવાપી પરિસરમાં આવેલ મા શૃંગાર ગૌરીના નિયમિત દર્શન અને પૂજા-અર્ચના કરવાની માંગ સાથે પાંચ મહિલાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે મામલે કોર્ટ સુનાવણી કરી રહી છે. આ મામલો સુનાવણી યોગ્ય છે કે નહીં તે માટે હિંદુ અને મુસ્લિમ પક્ષની દલીલો પૂર્ણ થઇ ગઈ હતી અને કોર્ટે નિર્ણય 12 સપ્ટેમ્બર સુધી સુરક્ષિત રાખ્યો હતો. 

    વારાણસીની ચાર મહિલાઓ અને દિલ્હીની એક મહિલા એમ કુલ પાંચ મહિલાઓએ ગત વર્ષે વિવાદિત માળખા જ્ઞાનવાપીમાં આવેલ હિંદુ દેવી-દેવતાઓની નિયમિત પૂજા કરવાની માંગ સાથે સિવિલ જજની કોર્ટમાં અરજી કરી હતી. જેની ઉપર સુનાવણી કરતાં સિવિલ જજે ગત મે મહિનામાં જ્ઞાનવાપી પરિસરનો સરવે અને વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો હતો. 

    વીડિયોગ્રાફી અને સરવે દરમિયાન જ્ઞાનવાપી પરિસરમાંથી એક મોટું શિવલિંગ પણ મળી આવ્યું હતું. આ શિવલિંગ મસ્જિદના વઝૂખાનામાંથી મળી આવ્યું હતું, જ્યાં મુસ્લિમો નમાઝ અદા કરતાં પહેલાં હાથ-પગ ધૂએ છે અને કોગળા પણ કરે છે. શિવલિંગ મળી આવ્યા બાદ કોર્ટે તે જગ્યા સીલ કરવાનો આદેશ આપ્યો હતો. 

    આ અંગે હિંદુ પક્ષના વકીલ સુભાષ નંદન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલાં હિંદુ પક્ષે જ્ઞાનવાપી કેસમાં મા શૃંગાર ગૌરીની પૂજા કરવાની માંગ સાથે કેસ દાખલ કર્યો હતો. જે બાદ મુસ્લિમ પક્ષે 1991ના પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટનો સંદર્ભ ટાંકીને સુપ્રીમ કોર્ટમાં 7/11 ની એક અરજી કરી હતી અને કહ્યું હતું કે આ મામલો સુનાવણી યોગ્ય છે જ નહીં.

    આ મામલે સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવતાં કહ્યું હતું કે, મામલાની સુનાવણી કરવામાં આવે અને તે સુનાવણી માટે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવામાં આવે. જે બાદ મામલો વારાણસીની જિલ્લા કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. આ મામલે બંને પક્ષો વચ્ચે ચાલતી દલીલો સમાપ્ત થઇ હતી. જે બાદ આજે કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં