Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટધોરણ 10ના ગુજરાતીના પેપરમાં બોર્ડની ભૂલથી પરીક્ષાર્થીઓ મુંજવણમાં મુકાયા: કવિ બરકત વિરાણીના...

    ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં બોર્ડની ભૂલથી પરીક્ષાર્થીઓ મુંજવણમાં મુકાયા: કવિ બરકત વિરાણીના મુક્તકને રઈશ મણીયારના નામે ઠોકી બેસાડ્યું

    નોંધનીય છે કે ગુજરાતીના ધોરણ 10 ના પાઠ્ય પુસ્તકમાં પાના. નંબર 146 પર રઈશ મણીયારનું મુક્તક અને બરકત વિરાણીનો શેર ઉપર નીચે છે. બની શકે કદાચ તેના કારણે આ ભૂલ થઈ હોય. પણ ગતે છતાં ભૂલ એ ભૂલ જ કહેવાય.

    - Advertisement -

    ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલુ થઈ ગઈ છે. ત્યારે ગઈ કાલે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી. જેમાં પેપરસેટરની કેટલીક ખામીઓને કારણે વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાયા હતા. ધોરણ 10ની પરીક્ષામાં બોર્ડે કવિ બરકત વિરાણી દ્વારા લખાયેલા મુક્તકને રઈશ મણીયારના નામે ઠોકી બેસાડતા વિદ્યાર્થીઓને આખા 4 માર્ક્સનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

    ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં પેપર સેટર દ્વારા વિભાગ-Bના ડ સેક્શનમાં 22 નંબરના પ્રશ્નમાં ગંભીર ભૂલ કરવામાં આવી હતી. 22 નંબરના પ્રશ્નના અથવામાં પૂછાયેલો પ્રશ્ન સાવ ખોટો હોવાથી વિદ્યાર્થીઓ ચકરાવે ચડ્યાં હતા. પ્રશ્ન હતો કે, ‘મુક્તક એટલે શું? સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…માં રઈશ મણિયાર શું કહેવા માગે છે?’ આ પ્રશ્નમાં બરકત વિરાણી દ્વારા લખાયેલા મુક્તકને રઈશ મણીયારના નામે ચડાવી દેવામાં આવતા વિદ્યાર્થીઓએ મૂંઝવણ અનુભવી હતી.

    હકીકતમાં ઉપરોક્ત પ્રશ્નમાં પૂછાયેલું મુક્તક ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ તે ગુજરાતી ભાષાના પ્રખ્યાત કવિ બરકત વીરાણી ‘બેફામ’નું છે. જ્યારે બોર્ડની પરીક્ષાના પેપરમાં આ પ્રશ્નમાં મુક્તક કવિ રઇશ મણિયારનું છે કહીને તેના પર પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આખા 4 ગુણનો આ પ્રશ્ન જ ખોટો હોવાથી સાચો જવાબ જાણતા વિદ્યાર્થીઓ પણ ગૂંચવાયા હતા.

    - Advertisement -

    વાસ્તવમાં પરીક્ષામાં પુછાયેલા આ સવાલમાં ખરેખરમાં ‘સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી…’ તે જાણીતા કવિ બરકત વિરાણીનું છે. જેમાં કવિ રઈશ મણિયારનું નામ મુકવામાં આવ્યું હતું. આ આખી ઘટનાને લઈને કવિ રઈશ મણિયારે સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપી હતી.

    ફેસબુક પોસ્ટ દ્વારા તેમણે કહ્યું કે, “આજે પ્રશ્નપત્રમાં બેફામ સાહેબનો શેર મારા નામે ચડ્યો, એનું કારણ પાઠ્યપુસ્તકનું પાનું જોવાથી સમજી શકાય છે. બેફામ સાહેબ આપણા દિગ્ગજ શાયર છે. એમનો યાદગાર શેર મારા જેવા કવિને નામે ચડે એ ખોટું છે. પ્રશ્નકર્તાની ક્ષતિથી આમ બન્યું છે. મારું મુક્તક ઉપર છે. બેફામ સાહેબનો શેર નીચે છે. અજ્ઞાન, બેદરકારી જે કંઈ હોય, આમાં મારો તો કોઈ દોષ નથી છતાં મારા તરફથી વિનમ્રતાપૂર્વક બેફામ સાહેબની અને સાહિત્યરસિકોની ક્ષમાયાચના. પ્રશ્નકર્તા અને અળવીતરી કૉમેન્ટ કરનાર સહુને શુભેચ્છાઓ. માતૃભાષા અમર રહો.”

    આ બાબતે એક શિક્ષક સાથે વાત કરતા તેમણે આ ઘટનાને ખુબ જ ગંભીર ભૂલ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે “બોર્ડના પેપરમાં આ પ્રકારની ભૂલ ખરેખર વ્યાજબી નથી. આ પ્રશ્ન 4 ગુણનો હતો, ખોટા પ્રશ્નનો જવાબ સાચો કેવી રીતે લખી શકાય? માની લો કે કોઈ બાળકને સાચો જવાબ ખબર છે, પણ આ પ્રશ્ન જોઈ ને તે પણ મુંજાશે કે તેના મનમાં જે સાચો જવાબ છે તે ખોટો છે? અને નુકશાન તો પરીક્ષાર્થીને જ છે ને? 4 ગુણ પરીક્ષાનું પરિણામ બદલી શકે છે.”

    જોકે નોંધનીય છે કે ગુજરાતીના ધોરણ 10 ના પાઠ્ય પુસ્તકમાં પાના. નંબર 146 પર રઈશ મણીયારનું મુક્તક અને બરકત વિરાણીનો શેર ઉપર નીચે છે. બની શકે કદાચ તેના કારણે આ ભૂલ થઈ હોય. પણ ગતે છતાં ભૂલ એ ભૂલ જ કહેવાય. આખરે 4 ગુણ નો સવાલ છે. અને બોર્ડ જેવી મહત્વ પૂર્ણ પરીક્ષામાં આ પ્રકારની ભૂલ યોગ્ય નથી. હવે ગુજરાત બોર્ડ આ બાબતે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં