વડોદરામાં (Vadodara) કાસમઆલા ગેંગનો (Kasamaala Gang) ત્રાસ ખૂબ વધી ગયો છે. જેના પગલે ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) કાસમઆલા ગેંગ વિરુદ્ધ ગુજસીટોકનો (GUJCTOC) ગુનો નોંધ્યો હતો. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં કાસમઆલા ગેંગના ખોફના પગલે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત બાળ રિમાન્ડ હોમ એટલે કે બાળગોકુલમની કામગીરી 2019થી અટકી પડી છે. કાસમઆલા ગેંગના ગુંડાઓ આ બિલ્ડીંગમાં દારૂ-જુગાર જેવા ગેરકાયદે કામો કરતા હતા જેના પગલે બિલ્ડર પણ ભાગી ગયો હતો. ત્યારે આ મામલે હવે પોલીસે ગેંગના ગુંડાઓ વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો.
કાસમઆલા ગેંગના ખૌફથી કરોડોનું સરકારી બિલ્ડિંગ ખંડેર : હુસૈન સુન્નીના ઘરથી 100 મી. દૂર બનતા બાળગોકુલમની કામગીરી 2019થી અટકી; કામ પૂરું કરવા કોઈ બિલ્ડર તૈયાર નહિhttps://t.co/poWg7m9WOU#KamlaGanga #Building #HussainSunni #Gujarat #Vadodara pic.twitter.com/ti47GsxxXl
— Divya Bhaskar (@Divya_Bhaskar) January 10, 2025
ઉલ્લેખનીય છે કે કાસમઆલા ગેંગના 9 આરોપી શાહિદ ઉર્ફે ભૂરિયો જાકીર શેખ, વસીમખાન ઉર્ફે બબલુ ઉર્ફે માંજા યુસુફખાન પઠાણ, હસન ઉર્ફે ઝાંઝર કાદરમિયાં સુન્ની, સુફિયાન સિકન્દર પઠાણ, ગની ઉર્ફે એરટેલ ઉસ્માનમિયાં શેખ, હુસૈનમિયાં કાદરમિયાં સુન્ની, અકબર કાદરમિયાં સુન્ની, મોહંમદઅલી સલીમખાન પઠાણ અને સિકંદર કાદરમિયાં સુન્ની સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. હાલ તમામ આરોપીઓ 11 દિવસના રિમાન્ડ પર છે.
2018માં શરૂ થયેલ કામ હજી સુધી બાકી
નોંધનીય છે કે આ બિલ્ડીંગમાં કાસમઆલા ગેંગનો એટલો ત્રાસ હતો કે બિલ્ડીંગ બનાવતો બિલ્ડર કામ છોડીને ભાગી ગયો અને બીજો કોઈ બિલ્ડર આ બિલ્ડીંગનું કામ કરવા તૈયાર નથી. કારેલીબાગ વિસ્તારમાં આવેલા બાળ રિમાન્ડ હોમ જર્જરિત થઈ ગયું હોવાથી ₹8.35 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી હતી. આ બિલ્ડિંગનું કામ 17 નવેમ્બર, 2018ના રોજ શરૂ થયું હતું અને 16 ઓગસ્ટ, 2019માં પૂર્ણ કરવાનું હતું, જે હજી સુધી બાકી છે.
જોકે હુસૈન સુન્નીની કાસમઆલા ગેંગે બિલ્ડિંગનું કામ કરવા માટે આવતા મજૂરોની ભગાડી મૂક્યા હતા અને બિલ્ડિંગ પર ગેરકાયદે કબજો કરી લીધો હતો. ઉપરાંત બિલ્ડીંગની દિવાલ પણ તોડી નાખી હતી. આસપાસ રહેતા રહીશોએ પણ આ બિલ્ડીંગ બનાવવાના વિસ્તારમાં ગેરકાયદે અતિક્રમણ કરી દીધું છે. બાળ રિમાન્ડ હોમના પ્રમુખ ખુદ વડોદરા કલેક્ટર છે, તેમ છતાં 6 વર્ષથી કામગીરી અટકી પડી છે.
મુખ્યમંત્રીને કરી હતી ફરિયાદ
ઉલ્લેખનીય છે કે ‘વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રોબેશન એન્ડ આફ્ટર કેર એસોસિયેશન ચિલ્ડ્રન હોમ ફોર બોય્સ એન્ડ ઓપરેશન હોમ ફોર બોય્ઝ’ દ્વારા 5 ઓગસ્ટ, 2024ના રોજ આ મામલે ફરિયાદ કરવામાં આવી હતી. સંસ્થાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને હુસૈન સુન્ની અને કાસમઆલા ગેંગ દ્વારા બની રહેલ બાળ રિમાન્ડ હોમની બિલ્ડિંગના કામમાં અવરોધ ઉભા કરતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી.
જેમાં લખવામાં આવ્યું હતું કે, “આ ઈસમોને બિલ્ડિંગમાંથી બહાર કાઢીને તેના ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવે અને ઝડપથી બિલ્ડિંગનું કામ ફરીથી શરૂ કરવામાં આવે. આ ઉપરાંત બિલ્ડિંગની આસપાસ સ્થાનિક રહીશોએ દબાણ ઊભુ કરી દીધું છે, જેથી આ દબાણને પણ દૂર કરવામાં આવે. આ ઉપરાંત આ બિલ્ડિંગની આસપાસ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકો રહેતા હોવાથી કાયદાના સંઘર્ષમાં આવેલાં બાળકો ક્રિમિનલ લોકોના સંપર્કમાં આવે એવી શક્યતા છે, જેથી બિલ્ડિંગની દીવાલની ઊંચાઈ 10 ફૂટ રાખી એના ઉપર ચાર ફૂટનાં પતરાં લગાવવાં જરૂરી છે, જેથી કરીને આ બાળકો પર ભવિષ્યમાં ક્રિમિનલ લોકોની આડઅસર ઊભી ના થાય.”
કાસમઆલા ગેંગ વેપારીઓ પાસેથી ખંડણી પણ ઉઘરાવતી હતી, જેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવાના પગલે હવે આ ગેંગ સમગ્ર શહેરમાં ફેલાઈ ચૂકી છે. ત્યારે હવે વડોદરામાં આ આરોપીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તમામ આરોપીઓ 11 દિવસના રિમાન્ડ પર પોલીસ કસ્ટડીમાં છે. આ ગેંગ વડોદરા શહેરમાં દારૂ-જુગાર, ખંડણી, હત્યાનો પ્રયાસ, લૂંટ અને રાયોટિંગ જેવા ગંભીર ગુના આચરતી હતી.