વિસાવદર વિધાનસભા બેઠક પરથી ચૂંટાઈને ધારાસભ્ય બનેલા આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાને તાજેતરમાં રાજકોટની એક સભામાં એક યુવાને અઘરો પ્રશ્ન પૂછી નાખ્યો હતો. કાયમ સ્ટેજ પર ચડીને નકરી ફાંકા ફોજદારી કર્યા કરતા ગોપાલને જ્યારે પ્રશ્નનો જવાબ ન આવડ્યો તો વાતને અવળે પાટે ચડાવી દીધી હતી અને ભાજપ પર પૈસા આપીને લોકોને પ્રશ્ન પૂછવા માટે મોકલવાનો આરોપ લગાવી દીધો હતો.
વાસ્તવમાં રાજકોટમાં ગોપાલ ઈટાલિયાની એક સભા યોજવામાં આવી હતી. સભા દરમિયાન એક યુવાને વચ્ચેથી ઊભા થઈને ગોપાલને મોરબીમાં ઈસુદાન ગઢવીની સભામાં પ્રશ્ન પૂછનારા એક યુવાનને જાહેરમાં લાફો ઝીંકવામાં આવ્યો હોવાની ઘટનાનો ઉલ્લેખ કરીને પ્રશ્ન કર્યો હતો કે આ કેટલું વ્યાજબી છે? ત્યારબાદ એમ પણ પૂછ્યું કે અહીં આમ આદમી પાર્ટી અને તેના નેતાઓ ખાડાઓની વાતો કરે છે પણ પંજાબમાં તેમની જ સરકાર છે, શું ત્યાં ખાડા નથી?
આ પ્રશ્નના કારણે આમ આદમી પાર્ટીની ટેવ મુજબ હોબાળો મચી ગયો હતો. પછીથી પાર્ટીના અન્ય એક માણસે વચ્ચે કૂદી પડીને મામલાને અવળે પાટે ચડાવી દીધો અને ત્યારબાદ ગોપાલે માઇક હાથમાં લઈને ભાજપ પર આરોપ લગાવવાના શરૂ કરી દીધા હતા, કારણ કે મૂળ પ્રશ્નનો જવાબ સંભવતઃ તેની પાસે હતો નહીં.
ગોપાલે કહ્યું કે, અમારી આંખો એટલી સારી નથી કે રાજકોટના કે ગુજરાતના ખાડાને બદલે 5 હજાર કિલોમીટર દૂર પંજાબના ખાડા દેખાય. જ્યાં આપણે છીએ ત્યાંની ચિંતા કરવી જોઈએ.
જવાબ ન આવડ્યો તો ભાજપ પર લગાવ્યા આરોપ
આગળ ભાજપ પર આરોપ લગાવતાં કહ્યું કે, “ભાજપવાળા નવું શીખી ગયા છે. 5,000 રૂપિયા ખિસ્સામાં આપીને અમારી સભમ પ્રશ્ન પૂછવા મોકલી દે છે. હું કહું કે હું 10,00૦ રૂપિયા આપીશ, હિંમત હોય તો સી. આર પાટીલને પ્રશ્ન પૂછો. ભાજપવાળા પાંચ હજારની પટ્ટી ખિસ્સામાં મૂકે એટલે ગમે એવો પ્રશ્ન પૂછવાનો?” ત્યારબાદ તેમણે હું આમ કરી નાખીશ ને તેમ કરી નાખીશની વાતો ચાલુ કરી હતી અને કોઈએ ન પૂછ્યું હોવા છતાં હું કોઈનાથી ડરતો નથી એવી વાતો ચાલુ કરી હતી.
વિપક્ષી નેતાઓની આ જ રીત રહી છે. સત્તાપક્ષને સવાલો કેમ નથી થતા તેવા રાગ આલાપ્યા કરતા નેતાઓને જ્યારે કોઈ પ્રશ્ન કરે ત્યારે ગેંગેંફેંફે થઈ જાય છે અને આ રીતે ભાજપ પર કાયમ આરોપો લગાવી દેવામાં આવે છે. આવા એક નેતા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી છે. રાહુલને પ્રેસ કૉન્ફરન્સમાં તેમના એજન્ડાને અનુરૂપ પ્રશ્નો થતા રહે ત્યાં સુધી ઠીક છે, પણ જેવો કોઈ અઘરો પ્રશ્ન પૂછી નાખે કે તેને ભાજપનો માણસ કહીને બેસાડી દે છે. ગોપાલે હવે આવું જ ચાલુ કર્યું છે.


