જર્મનીના મેગડેબર્ગ (Magdeburg) શહેરના લોકોથી ખીચોખીચ ભરેલા એક ક્રિસમસ માર્કેટમાં હુમલો (Attack) થયો હોવાનું સામે આવ્યું છે. એક ઇસમે પૂરપાટ ઝડપે કાર લઈ જઈને બજારમાં ફરતા લોકો પર ચડાવી દીધી હતી, જેમાં બે વ્યક્તિઓનાં મોત થયાં હોવાનું કહેવાય છે. જ્યારે હુમલામાં 60થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી અમુકની સ્થિતિ ગંભીર છે. હુમલો કરનારની ઓળખ તાલેબ અલ-અબ્દુલ મોહસીન તરીકે થઈ છે. મૂળ તે સાઉદી અરબનો છે અને વ્યવસાયે ડોક્ટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 2006માં જર્મનીમાં શરણાર્થી બનીને આવ્યો હતો.
શહેરના સ્થાનિક અધિકારીઓ આ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવી રહ્યા છે. બીજી તરફ હુમલાખોર તાલેબની ધરપકડનાં જે દ્રશ્યો સામે આવ્યાં છે તેમાં તે પોલીસ સામે સરેન્ડર કરતો જોઈ શકાય છે. આ ઘટના મામલે સૈક્સનીએલ્ટન સ્ટેટના ચીફ રેનર હાસેલોફે જણાવ્યું કે, આરોપી તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો છે. હુમલામાં હાલ તે એક જ હોવાનું સામે આવ્યું છે. પહેલાં તેની ગાડીમાં વિસ્ફોટક ભર્યા હોવાની આશંકા હતી, પરંતુ તપાસમાં વિસ્ફોટક ન હોવાનું સામે આવ્યું હતું. હાલ શહેરને કોઈ જોખમ નથી.
Jihadist terror attack in Germany’s Christmas Market has killed at least 11 and injured over 60 in #Magdeburg. Heart goes out to all victims of the cowardly terror attack. Just last month I was at a Christmas Market in Germany. Prayers for safety of all. pic.twitter.com/KO1k7NByX7
— Aditya Raj Kaul (@AdityaRajKaul) December 20, 2024
આ આખી ઘટનાના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે. હુમલાના વિડીયોમાં જોઈ શકાય છે કે, આરોપી કાળા રંગની BMW કારને પૂરપાટ ઝડપે નાગરિકોથી ભરેલા રસ્તા પર હંકારી મૂકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે લોકોથી ભરેલા રસ્તા પર લગભગ 400 મીટર સુધી ગાડી હંકારીને લોકોને કચડ્યા. વિડીયોમાં પણ જોઈ શકાય છે કે તે ક્રિસમસ માર્કેટમાં બેફામ ગાડી ચલાવીને લોકોને કચડી રહ્યો છે.
તબીબી વ્યવસાય સાથે સંકળાયેલો છે તાલેબ, શરણાર્થી બનીને આવ્યો હતો જર્મની
નોંધવું જોઈએ કે જર્મનીના માર્કેટમાં કાર એટેક કરનાર 50 વર્ષીય આરોપીનું નામ તાલેબ એ. છે અને તે મૂળ સાઉદી અરબનો રહેવાસી છે. તે વર્ષ 2006માં જર્મનીમાં શરણાર્થી બનીને આવ્યો હતો. જર્મની સરકારે હ્યુમન રાઈટ્સના હવાલે તેને દેશમાં આશરો આપ્યો હતો. લગભગ બે દાયકા વીતાવ્યા બાદ તે અહીં વસી ગયો હતો.
હુમલા પાછળનું મુખ્ય કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલ પોલીસ આખી ઘટનાની તપાસ કરી રહી છે. તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે આ હુમલા પાછળ કોઈ સંગઠન સંકળાયેલું છે કે કેમ.
આ પહેલાં પણ સામે આવી ચૂકી છે આવી ઘટના
આ પહેલી વાર નથી કે જર્મનીમાં કોઈએ આ પ્રકારે વાહનથી હુમલો કરીને લોકોને કચડી માર્યા હોય. વર્ષ 2016માં પણ આવો જ એક જેહાદી હુમલો થયો હતો. તે સમયે ટ્યુનિશિયન વ્યક્તિ બર્લિનની ક્રિસમસ માર્કેટમાં ટ્રક લઈને લોકો પર ફરી વળી હતી. તે હુમલામાં 12 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે હુમલાને જર્મનીનો સહુથી મોટો વ્હિકલ હુમલો ગણવામાં આવે છે. વર્તમાન ઘટના બાદ પણ શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જોકે સુરક્ષા એજન્સીઓએ હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે.