ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર અને યુવાનેતા જ્યોતિરાદિત્ય સિંહ ઉર્ફે ગણેશ જાડેજાએ (Ganesh Jadeja) યુ-ટ્યુબ ચેનલ ‘નિર્ભય ન્યૂઝ’ અને તેનાં સંચાલક ગોપી મણિયાર ઘાંઘર (Gopi Maniyar Ghanghar) વિરુદ્ધ ગોંડલ સિવિલ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ચેનલ અને ગોપી મણિયાર પર આધાર-પુરાવા વગર ગણેશ જાડેજા વિરુદ્ધ ટિપ્પણીઓ કરીને છબી ખરડવાનો આરોપ લાગ્યો છે.
આ મામલે 2 જાન્યુઆરી, 2025ના રોજ ગોંડલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે નિર્ભય ન્યૂઝ અને ગોપી ઘાંઘર સામે નોટિસ કાઢીને આગામી સુનાવણી 13 જાન્યુઆરીના રોજ મુકરર કરી છે. ગણેશ જાડેજાએ ₹100 કરોડનો માનહાનિનો દાવો માંડ્યો છે. તેમજ કેસ ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ દાખલ કરવામાં આવ્યો છે.
કોર્ટમાં ગણેશ જાડેજાના વકીલોએ જણાવ્યું હતું કે, એક ગુનામાં 3 ઑક્ટોબર, 2024ના રોજ તેમના અસીલના જામીન મંજૂર થયા બાદ તેઓ મુક્ત થઈને ગોંડલ પહોંચ્યા તે ઘટનાને કવર કરતો એક વિડીયો બનાવીને ગોપી ઘાંઘરે પોતાની યુ-ટ્યુબ ચેનલ ‘નિર્ભય ન્યૂઝ’ પર મૂક્યો હતો. આરોપ છે કે તેમાં તેમણે જ્યોતિરાદિત્યસિંહ વિરુદ્ધ અંગત ટિપ્પણીઓ કરી હતી.
પોતાને ‘પત્રકાર’ ગણાવતાં ગોપી ઘાંઘર વિડીયોમાં ગણેશ જાડેજાના મા-બાપ અને સંસ્કાર સુધી પહોંચી ગયાં હતાં અને ‘ગણેશ ગુંડાગીરી અને લુખ્ખાગીરી કરે છે’ અને ‘ભાજપના નેતાઓ અને તેમના દીકરાઓને ભ્રષ્ટાચાર આચરવાનો અધિકાર છે’ તેમજ તેઓ ‘કાયદો અને પોલીસ ખિસ્સામાં લઈને ફરે છે’ વગેરે વાક્યો ઉચ્ચાર્યાં હતાં.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારના આધાર-પુરાવા વગર આ પ્રકારે માનહાનિ થાય તેવી સામગ્રી બનાવીને અપલોડ કરવામાં આવી હતી અને લાઇવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. અરજીમાં નિર્ભય ન્યૂઝ પરથી આ વિડીયો હટાવવાનો આદેશ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
અરજી અનુસાર, નિર્ભય ન્યૂઝનું સરનામું માત્ર અમદાવાદ એસજી હાઇવે જણાવવામાં આવ્યું છે, પરંતુ ગૂગલ સર્ચ કરતા કે ઓનલાઇન જોતાં વધુ જાણકારી મળી નથી, જેથી નોટિસની બજવણી વોટ્સએપ કે ઇમેઇલના માધ્યમથી કરવામાં આવે. કોર્ટે આ માંગ માન્ય રાખી હતી.
આ અંગે ‘પત્રકાર’ ગોપી ઘાંઘર કે નિર્ભય ન્યૂઝ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી.