Sunday, June 15, 2025
More
    હોમપેજદુનિયાડોનાલ્ડ ટ્રમ્પ-ઈલોન મસ્ક વચ્ચે જાહેરમાં વિખવાદ: સરકારી કોન્ટ્રાક્ટ રદ કરવાની રાષ્ટ્રપતિની ચીમકી,...

    ડોનાલ્ડ ટ્રમ્પ-ઈલોન મસ્ક વચ્ચે જાહેરમાં વિખવાદ: સરકારી કોન્ટ્રાક્ટ રદ કરવાની રાષ્ટ્રપતિની ચીમકી, મસ્ક પહોંચી ગયા મહાભિયોગ સુધી, ટ્રમ્પ વિશે કર્યા સ્ફોટક દાવા 

    ઈલોન મસ્કની અન્ય એક પોસ્ટ પર ચર્ચા થઈ રહી છે એ વધુ સ્ફોટક છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે ટ્રમ્પનું નામ એપસ્ટીન ફાઇલ્સમાં છે. 

    - Advertisement -

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના સૌથી અમીર શખ્સ તરીકે ઓળખાતા ઈલોન મસ્ક વચ્ચેની મિત્રતા હવે ભંગાણના આરે છે. બંને જાહેરમાં એકબીજા વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે અને વાત મહાભિયોગ સુધી પણ પહોંચી છે. ઈલોન મસ્ક સતત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી રહ્યા છે, જ્યારે ટ્રમ્પે પણ મીડિયા સાથેની વાતચીતમાં પોતે મસ્કથી નારાજ હોવાનું જણાવ્યું હતું. 

    બંને વચ્ચેના વિવાદની શરૂઆત થોડા દિવસ પહેલાં થઈ, જ્યારે મસ્કે જાહેરમાં ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સ કટિંગ પરના એક બિલનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો. મસ્કે આ બિલ પાસ ન કરવા માટે અભિયાન શરૂ કરી દીધું અને દલીલ એવી આપી હતી કે તેનાથી અમેરિકાનું દેવું 36.2 ટ્રિલિયન ડોલર જેટલું વધી જશે અને અર્થવ્યવસ્થાને અસર પડશે. 

    શરૂઆતમાં ટ્રમ્પે આ વિશે કોઈ ટિપ્પણી કરી ન હતી પરંતુ ગુરુવારે (5 જૂન) તેમણે મૌન તોડ્યું અને કહ્યું કે પોતે ઈલોન મસ્કથી ખૂબ નારાજ છે. તેમણે કહ્યું, “જુઓ, ઈલોન અને મારી વચ્ચે સારી મિત્રતા હતી. હવે ટકશે કે નહીં એ મને ખબર નથી. હું તેનાથી ખૂબ નારાજ થયો છું.”

    - Advertisement -

    આ ટિપ્પણી સામે આવતાંની સાથે જ મસ્કે એક્સ પર એક પછી એક પોસ્ટનો મારો ચલાવ્યો અને ટ્રમ્પ વિરુદ્ધ જાહેરમાં ટિપ્પણીઓ કરવાની શરૂ કરી દીધી હતી. 

    મસ્કે લખ્યું કે, “મારા વગર ટ્રમ્પ ચૂંટણીમાં હારી ગયા હોત. ડેમોક્રેટિક્સે હાઉસ કબજે કરી લીધું હોત અને સીનેટમાં પણ રિપબ્લિકન્સ 51-49 હોત. આ પ્રકારની કૃતઘ્નતા?” ઉલ્લેખનીય છે કે 2024ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પ માટે કેમ્પેઈન કરવા મસ્કે લાખો ડોલર ખર્ચી નાખ્યા હતા. 

    એક પોસ્ટમાં મસ્કે લખ્યું કે ટ્રમ્પના ટેરિફના કારણે દેશમાં આ વર્ષના અંત ભાગ તરફ જતાં સુધીમાં મંદી આવવાની શક્યતા છે. 

    પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, “મસ્ક પણ જાણતા હતા કે આ બિલ પર કામ થઈ રહ્યું છે અને ત્યારે તેમને કોઈ સમસ્યા ન હતી. અચાનક તેમને વાંધો પડ્યો અને અમે EV મેન્ડેટ કટ કરવા જઈ રહ્યા છીએ તેવું જાણવા મળ્યું એટલે તેઓ વિરોધમાં ઉતરી પડ્યા.”

    મસ્કે જોકે આ વાતો નકારી કાઢી છે. તેમણે એક્સ પર લખ્યું, “ખોટી વાત છે. આ બિલ મને ક્યારેય બતાવવામાં આવ્યું નથી. એક પણ વખત નહીં અને પાસ પણ એટલી ઉતાવળમાં કરવામાં આવ્યું હતું કે કોંગ્રેસમાં પણ કોઈને વાંચવાનો સમય મળે નહીં.”

    ત્યારબાદ મસ્કે એક પોસ્ટ કરીને લખ્યું કે, “મારા સરકારી કરારો રદ કરવાના રાષ્ટ્રપતિના નિવેદન બાદ હવે સ્પેસએક્સ (મસ્કની કંપની) તેનું ડ્રેગન સ્પેસક્રાફ્ટ તાત્કાલિક અસરથી ડિકમિશન કરવાનું શરૂ કરી દેશે.” તેમણે ટ્રમ્પની એક પોસ્ટ ટાંકી હતી, જેમાં તેમણે બજેટના પૈસા બચાવવા માટે મસ્ક સાથે સરકારે કરેલા બિલિયન ડોલરના કોન્ટ્રાક્ટ રદ કરવાની વાત કહી હતી. 

    મસ્કે ત્યારબાર એક પોસ્ટના જવાબમાં ટ્રમ્પને મહાભિયોગથી હટાવી દેવાની વાતનું પણ સમર્થન કર્યું હતું. એક યુઝરે લખ્યું કે, ‘રાષ્ટ્રપતિ અને ઈલોનમાંથી કોણ જીતશે? હું ઈલોન પર દાવ લગાવીશ. ટ્રમ્પને મહાભિયોગથી હટાવી દેવા જોઈએ અને જેડી વેન્સે સત્તા સંભાળી લેવી જોઈએ.” મસ્કે તેની ઉપર સહમતિ દર્શાવી હતી. 

    ઈલોન મસ્કની અન્ય એક પોસ્ટ પર ચર્ચા થઈ રહી છે એ વધુ સ્ફોટક છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે ટ્રમ્પનું નામ એપસ્ટીન ફાઇલ્સમાં છે. 

    એપસ્ટીન ફાઈલ્સ એ જેફરી એપસ્ટીન નામના એક શખ્સ વિરુદ્ધ ચાલેલા કેસ અને તેની વિગતો દર્શાવતા રેકર્ડ્સ અને કોર્ટના આદેશોને કહેવાય છે. એપસ્ટીનને સેક્સ ટ્રાફિકિંગ અને ચાઈલ્ડ પ્રોસ્ટિટ્યૂશન માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો. તેના રાષ્ટ્રપતિઓથી માંડીને બ્રિટિશ રાજ પરિવાર અને હોલિવૂડમાં પણ ઘણા સાથે સંબંધો હતા. ધરપકડ બાદ જેલમાં નાખવામાં આવ્યો હતો, જ્યાં તેણે આત્મહત્યા કરી હતી. જોકે અનેક શક્તિશાળી વ્યક્તિઓને બચાવવા માટે તેને મારી નાખવામાં આવ્યો હોવાની પણ વાતો વહેતી થઈ હતી. એપસ્ટીન પર આરોપ છે કે તેણે અનેક સગીરોને મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય હસ્તીઓ પાસે પહોંચાડ્યા હતા, જેમનું યૌન શોષણ કરવામાં આવ્યું. અનેક મહિલાઓએ પણ તેની ઉપર આરોપ લગાવ્યા હતા. 

    મસ્કનો આરોપ છે કે આ ફાઈલોમાં ટ્રમ્પનું પણ નામ છે. ફાઈલો સંપૂર્ણપણે સાર્વજનિક કરવામાં આવી નથી. મસ્કનું કહેવું છે કે ટ્રમ્પનું નામ હોવાના કારણે જ તેમ કરવામાં આવી રહ્યું નથી. સાથે એવું પણ કહ્યું કે, ભવિષ્યમાં સંપૂર્ણ સત્ય બહાર આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં