એક સમયે કરોડો લોકોને ગરીબી (Poverty) રેખા નીચે પોષીને ચાલતું ભારત (India) હવે બધા જ ક્ષેત્રોમાં સતત સફળતાઓ હાંસલ કરી રહ્યું છે. હવે જાણવા મળી રહ્યું છે કે, છેલ્લા એક દાયકામાં ભારતમાં દારુણ ગરીબીમાં ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. 12 વર્ષમાં ભારતે લગભગ 27 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી લીધી છે. હવે ભારતમાં માત્ર 5.3 ટકા લોકો જ ગરીબીમાં જીવી રહ્યા છે અને તેના માટે કામ પણ ચાલી રહ્યા છે. આ તમામ માહિતી વર્લ્ડ બેન્કના (World Bank) એક રિપોર્ટમાં સામે આવી છે.
વર્લ્ડ બેન્કના રિપોર્ટ અનુસાર, ભારતમાં ગરીબી 27.1% ઘટીને 5.3% થઈ ગઈ છે. સાથે એવું પણ કહેવાયું છે કે, 2011-12માં 344.47 મિલિયન લોકો ગરીબીમાં જીવતા હતા, તે સંખ્યા હવે 2022-23 ઘટીને માત્ર 75.5 મિલિયન થઈ ગઈ છે. તેનો અર્થ એ થયો કે, માત્ર એક દાયકાના અભૂતપૂર્વ પરિવર્તનમાં ગરીબીમાં જીવતા લોકોની સંખ્યા લગભગ 269 મિલિયન ઘટી ગઈ છે. સરળ ભાષામાં સમજીએ તો 2011-12માં દારુણ ગરીબીમાં જીતવા લોકોની સંખ્યા 34.4 કરોડથી વધુ હતી, જે હવે ઘટીને 7.5 કરોડ થઈ છે.
કઠોર માપદંડો લાગુ થયા બાદ પણ નોંધાયો ઐતિહાસિક ઘટાડો
વિશ્વ બેન્કના રિપોર્ટથી જાણવા મળે છે કે, હાલમાં જ કઠોર માપદંડો લાગુ કરાયા બાદ પણ ભારતમાં ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઓડિશા અને બિહાર જેવા રાજ્યોમાં સૌથી વધુ કામ થયું છે અને મોટી સંખ્યામાં લોકો ગરીબીમાંથી બહાર નીકળી ગયા છે. ભારતે આ સિદ્ધિ તેવા સમયે હાંસલ કરી છે, જ્યારે વર્લ્ડ બેન્કે કોઈપણ વ્યક્તિને ગરીબ ગણવા માટેના માપદંડો બદલ્યા છે અને તેને કઠોર કરી દેવામાં આવ્યા છે.
વર્લ્ડ બેન્ક પહેલાં 2.15 ડોલર (લગભગ ₹180) પ્રતિદિન ખર્ચનારી વ્યક્તિને અત્યંત ગરીબ ગણતી નહોતી. આ માપદંડ લાંબા સમયથી ચાલ્યો આવતો હતો. જોકે, હવે વિશ્વ બેન્કે તેને બદલીને 3 ડોલર (₹258) કર્યો છે. આ માપદંડ વધારવા છતાં ભારતે લોકોને દારુણ ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. જો જૂના માપદંડો લાગુ કરવામાં આવ્યા હોત તો 2022-23માં ભારતમાં ગરીબીનું સ્તર ઘટીને માત્ર 2.3% થયું હોત.
PIBએ શનિવારે (7 જૂન) જારી કરેલી ફેક્ટશીટમાં જણાવ્યું હતું કે, “આ પરિવર્તનના કારણે વૈશ્વિક સ્તરે દારુણ ગરીબીની સંખ્યામાં 12.5 કરોડનો વધારો થયો છે, ત્યારે ભારત સકારાત્મક દિશામાં આંકડાકીય રીતે બહાર આવ્યું છે. વધુ અધિકૃત ડેટા અને અપડેટેડ સરવે પદ્ધતિઓનો ઉપયોગ કરીને ભારતે ન માત્ર વધેલી સીમાનો સામનો કર્યો, પરંતુ ગરીબીમાં નોંધપાત્ર ઘટાડો પણ દર્શાવ્યો છે.”