નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસ મામલે હવે EDએ કાર્યવાહી તેજ કરી દીધી છે. જાણવા મળી રહ્યું છે કે, એજન્સીએ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે સંબંધિત સંપત્તિઓને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી છે. 11 એપ્રિલના રોજ એજન્સીએ દિલ્હી, મુંબઈ અને લખનૌના સંપત્તિ રજિસ્ટ્રારોને નોટિસ જારી કરી છે. આ સ્થળોએ સોનિયા અને રાહુલ ગાંધીની માલિકીની કંપની યંગ ઇન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા હસ્તગત કરાયેલ એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડની (AJL) સંપત્તિઓ આવેલી છે.
આ કેસ AJLના અધિગ્રહણ સાથે જોડાયેલ નાણાકીય અનિયમિતતા અને નાણાંના દુરુપયોગના આરોપો સાથે જોડાયેલો છે. AJL એક સમયે નેશનલ હેરાલ્ડ અખબાર ચલાવતી હતી. પ્રાથમિક ફરિયાદ દાખલ કરનારા ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, યંગ ઇન્ડિયન લિમિટેડે ₹2000 કરોડથી વધુની મિલકતો પર નિયંત્રણ મેળવવા માટે ગોટાળો કરીને AJIની સંપત્તિઓ પર કબજો કર્યો હતો. નોંધવા જેવું છે કે, YJLના સૌથી વધુ શેર રાહુલ અને સોનિયા ગાંધી પાસે છે.
એજન્સી અનુસાર, સંપત્તિઓ જપ્ત કરવાની આ કાર્યવાહી પૂરતી તપાસ બાદ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં AJLની સંપત્તિઓ સાથે જોડાયેલા ₹988 કરોડનાના ગુનાના કથિત મની લોન્ડરિંગનો ખુલાસો કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ ન્યાયાલય દ્વારા મિલકતોને જપ્ત કરવાની પુષ્ટિ કરવામાં આવ્યા બાદ તે દિશામાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
₹661 કરોડની સંપત્તિઓ કરાશે જપ્ત
હવે એજન્સી ₹661 કરોડની સંપત્તિઓ જપ્ત કરવા જઈ રહી છે. આ સંપત્તિઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા સાથે સંકળાયેલી છે. તેમાં દિલ્હી સ્થિત નેશનલ હેરાલ્ડનું મુખ્યમથક પણ સામેલ છે. દિલ્હી, મુંબઈ અને લખનૌમાં આ સંપત્તિઓ આવેલી છે. આ સંબંધે EDએ 11 એપ્રિલ, 2025ના રોજ નોટિસ જારી કરી હતી. આ તમામ સંપત્તિઓ AJLની છે. AJL કંપની યંગ ઇન્ડિયા લિમિટેડનો (YIL) હિસ્સો છે, જેમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની 76% ભાગીદારી છે.
PMLAની કલમ 8 અને નિયમ 5(1) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ED તરફથી કુર્ક કરવામાં આવેલી અને ઓથોરિટીની પુષ્ટિ સાથેની સંપત્તિઓને જપ્ત કરવાની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ અચલ સંપત્તિઓને એજન્સીએ 2023માં કુર્ક કરી હતી. નેશનલ હેરાલ્ડ અખબાર AJL તરફથી પ્રકાશિત કરવામાં આવતું હતું અને AJLની માલિકી યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની છે. આ કંપની રાહુલ અને સોનિયાના પ્રભુત્વની છે.
એજન્સીનો આરોપ છે કે, ગાંધી પરિવારના લોકોએ નેશનલ હેરાલ્ડ અખબારની હજારો કરોડની સંપત્તિઓ નાણાકીય ગડબડી દ્વારા કેટલાક લાખમાં મેળવી લીધી હતી. વધુમાં આરોપ છે કે, YIL અને AJL સંપત્તિઓનો ઉપયોગ ₹18 કરોડના બોગસ દાન, ₹38 કરોડના બોગસ એડવાન્સ ભાડા અને ₹29 કરોડની બોગસ જાહેરાતોના રૂમમાં ગુનાની વધુ આવક માટે કરવામાં આવ્યો હતો. આ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જામીન પર બહાર છે.