દેશના અલગ-અલગ રાજ્યોની આર્થિક સ્થિતિને લઈને એક રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. નીતિ આયોગે (NITI Aayog) જારી કરેલા રિપોર્ટના (Report) વિવિધ રાજ્યોની આર્થિક સ્થિતિ (Economic condition of states) વિશે વાત કરવામાં આવી છે. નીતિ આયોગે 18 મોટા રાજ્યોનો રાજકોષીય આરોગ્ય ઇન્ડેક્સ ((Fiscal Health Index)) જારી કર્યો છે. શુક્રવારના (24 જાન્યુઆરી, 2025) રોજ પ્રકાશિત થયેલ સૂચકાંક GDP, વસ્તી વિષયક બાબતો, જાહેર ખર્ચ, આવક અને નાણાકીય સ્થિરતામાં તેમની ભાગીદારીના આધારે રાજ્યોને રેન્ક આપે છે. નાણાકીય વર્ષ 2022-23ના વિશ્લેષણના આધારે પંજાબ (Punjab) આ ઇન્ડેક્સમાં સૌથી નીચે છે. એટલે પંજાબની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. અન્ય નીચેના પાંચ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ અને હરિયાણાનો સમાવેશ થાય છે.
રિપોર્ટ અનુસાર, પંજાબ ખર્ચની ગુણવત્તા, રાજકોષીય શિસ્ત અને ઋણ સૂચકાંકની દ્રષ્ટિએ સૌથી ખરાબ પ્રદર્શન કરે છે, જ્યારે આવક સંગ્રહ અને ઋણ સ્થિરતામાં થોડું સારું છે. બીજી તરફ ઓડિશાએ (Odisha) ડેટ ઇન્ડેક્સ અને ડેટ સસ્ટેનેબિલિટીમાં સૌથી વધુ રેન્કિંગ મેળવ્યું છે.
આ ઇન્ડેક્સ પાંચ મુખ્ય સૂચકાંકો પર આધારિત છે: ખર્ચની ગુણવત્તા, આવકનો સંગ્રહ, રાજકોષીય શિસ્ત, ઋણ સૂચકાંક અને ઋણ સ્થિરતા. ડેટા મુખ્યત્વે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) પાસેથી લેવામાં આવ્યા છે. ઓડિશા 67.8 પોઈન્ટ સાથે યાદીમાં ટોચ પર છે, જ્યારે પંજાબ માત્ર 10.7 પોઈન્ટ સાથે તળિયે રહ્યું છે. ટોચના પાંચ રાજ્યોમાં ઓડિશા પછી છત્તીસગઢ, ગોવા, ઝારખંડ અને ગુજરાત આવે છે. ઉપરાંત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ પણ ટોપ પરફોર્મન્સમાં છે.
નીતિ આયોગે જણાવ્યું હતું કે, ઓડિશાએ નીચી રાજકોષીય ખાધ, સારી ઋણ પ્રોફાઇલ અને મજબૂત મૂડી ખર્ચ ગુણોત્તર જાળવી રાખ્યો છે. બીજી તરફ, પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો નબળા મહેસૂલ સંગ્રહ, ઊંચા ઋણ અને મોટા વ્યાજની ચૂકવણી જેવા પડકારોનો સામનો કરી રહ્યા છે.
અહેવાલ એ પણ દર્શાવે છે કે, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાત જેવા રાજ્યો સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, જ્યારે પંજાબ, કેરળ અને પશ્ચિમ બંગાળ છેલ્લા નવ વર્ષથી નબળી નાણાકીય સ્થિતિમાં છે. આ રાજ્યોને ઉચ્ચ ઋણ, મોટા વ્યાજની ચૂકવણી, નબળું આવક સૃજન અને મૂડીગત વ્યયમાં અક્ષમતાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સાથે જ કર સિવાયની આવક પરની તેમની નિર્ભરતા તેમના નાણાકીય સ્વાસ્થ્ય અને રેન્કિંગને પણ ખૂબ અસર પહોંચાડી રહી છે.