ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) મુરાદાબાદ (Moradabad) ખાતે આવેલ એક પોશ સોસાયટીમાં (Hindu Society) ડેમોગ્રાફિક ચેન્જને (Demographic Change) લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. વાસ્તવમાં એ જ કોલોનીમાં રહેતા એક ડોકટરે મુસ્લિમ વ્યક્તિને તેમનું મકાન વેચતા કોલોનીમાં રહેતા બાકીના હિંદુ પરિવારોએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે ડેમોગ્રાફી ચેન્જને લઈને તેઓ ઈચ્છતા નથી કે તેમની કોલોનીમાં કોઈ પણ મકાન કોઈ અન્ય સમુદાયના વ્યક્તિને આપવામાં આવે. સોસાયટીના લોકોએ ડોક્ટરને તેમનું મકાન પરત લેવા માંગ કરી હતી અને સૂત્રોચ્ચાર કર્યો હતો.
સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં કાંઠ રોડ પર આવેલ TDI સોસાયટીની છે. આ જ સોસાયટીમાં રહેતા ડોક્ટર અશોક બજાજે તેમનું મકાન મુસ્લિમ સમુદાયના ડોક્ટર ઇકરા ચૌધરીને વેચ્યું હતું. ત્યારે આ મામલે સોસાયટીના અન્ય લોકોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સોસાયટીમાં લગભગ 450 મકાનો છે જેમાં હિંદુઓ રહે છે જેમને ડેમોગ્રાફી બદલાય એવો ભય છે. ત્યારે હિંદુઓએ આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને બેનર લગાવ્યા હતા, જેમાં લખ્યું હતું કે, ‘ડૉ. અશોક બજાજ અપના મકાન વાપસ લો’
અહેવાલો મુજબ મુસ્લિમ સમુદાયને વેચવામાં આવેલ મકાનની નજીક જ મંદિર આવેલું છે. ત્યારે સોસાયટીના લોકોએ દાવો કર્યો હતો કે તેઓ તેમની સોસાયટીમાં ડેમોગ્રાફિક ચેન્જ ન આવે તેના માટે ભયભીત છે. તેથી તેઓ નથી ઈચ્છતા કે સોસાયટીનું કોઈ પણ મકાન હિંદુ સમુદાય સિવાયના વ્યક્તિને આપવામાં આવે. સોસાયટીના ચેરમેન અમિત વર્મા પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.
Protests erupted in #Moradabad after a house in a Hindu-majority colony was reportedly sold to a doctor from the minority community.
— TIMES NOW (@TimesNow) December 5, 2024
Why are residents up in arms? Residents say:
– 'This sale could lead to demographic change'
– 'Could spark a trend of Hindus leaving their… pic.twitter.com/2FS3tMge5Z
સોસાયટીના રહેવાસીઓએ આરોપ લગાવ્યો હતો કે ડોક્ટર બજાજે મકાનના વેચાણ વિશે કોઈને જાણ કરી ન હતી. સોસાયટીની જાણ બહાર અન્ય સમુદાયના વ્યક્તિને મકાન વેચવું એ “સામાજિક સંવાદિતાનું ઉલ્લંઘન છે.” સોસાયટીના રહેવાસીઓએ દલીલ કરી છે કે સોસાયટીમાં પહેલાં કોઈ મુસ્લિમ પરિવારો નહોતા. તેમનું કહેવું છે કે અત્યાર સુધી સોસાયટીમાં કોઈ સમસ્યા આવી નથી બધા શાંતિ પૂર્વક રહે છે તેથી અમે ઈચ્છીએ છીએ કે ડૉ. બજાજે મકાન માટે કરાવેલું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ સોસાયટીના લોકોએ જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યાંના રહેવાસી પલ્લવીએ કહ્યું હતું કે, “અમારી કોઈ સમુદાય સાથે કોઈ દુશ્મનાવટ નથી. અમે ફક્ત ડેમોગ્રાફી બદલાય તેવું નથી ઈચ્છતા. અમે 15 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ અને અમને લાગે છે કે આ ઘર ફરીથી કોઈ હિંદુ નામ નોંધાય એ જરૂરી છે. અન્યથા, હિંદુઓ અહીંથી જવાનું શરૂ કરશે અને બધું બદલાઈ જશે.”
નોંધનીય છે કે આ મામલે જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરવામાં આવી છે. જે મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ અનુજ કુમાર સિંઘે પુષ્ટિ કરી હતી ઉપરાંત તેમણે કહ્યું હતું કે, “અમે સંબંધિત પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ અને તેના માટે સર્વસંમત, સૌહાર્દપૂર્ણ ઉકેલ આવે એવો પ્રયાસ કરી રહ્યા છીએ.”