Saturday, February 1, 2025
More
    હોમપેજરાજકારણજે સગીરે દિલ્હીની શાળાઓને મોકલ્યા હતા ધમકીભર્યા મેઇલ, તેનાં મા-બાપનું કનેક્શન એ...

    જે સગીરે દિલ્હીની શાળાઓને મોકલ્યા હતા ધમકીભર્યા મેઇલ, તેનાં મા-બાપનું કનેક્શન એ NGO સાથે નીકળ્યું, જેણે અફઝલ ગુરુનું કર્યું હતું સમર્થન: AAP સાથે પણ સાંઠગાંઠ હોવાનો આરોપ

    પોલીસે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ઇમેલ મોકલનાર આરોપી સગીર છે, જેણે 400થી વધુ નકલી ઇમેલ મોકલ્યા હતા. પોલીસે તેના લેપટોપ અને મોબાઈલની ફોરેન્સિક તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, તે એકલો આ કામ કરી શકવા માટે સક્ષમ નહોતો.

    - Advertisement -

    દિલ્હી પોલીસે (Delhi Police) મંગળવારે (14 જાન્યુઆરી 2025) એ ઘટસ્ફોટ કર્યો છે કે, તેમણે છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીની શાળાઓને બૉમ્બની ધમકીવાળા (Bomb threat) ઇમેલ મોકલનારા આરોપી સગીરની ઓળખ કરી લીધી છે. સ્પેશિયલ સીપી (કાયદો અને વ્યવસ્થા) મધુપ તિવારીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું છે કે, આ ધમકી પાછળ એક સગીરનો હાથ છે, તેણે કુલ 400 નકલી ઇમેલ મોકલ્યા છે. આ ઇમેલના કારણે દિલ્હીની અનેક શાળાઓમાં અરાજકતા સર્જાઈ હતી અને અભ્યાસ ખોરવાઈ ગયો હતો. દિલ્હી પોલીસના આ ઘટસ્ફોટ બાદ ભાજપે આમ આદમી પાર્ટી (AAP) પર પ્રહાર કરતા કહ્યું છે કે, ચૂંટણી પહેલાં દિલ્હીમાં રમખાણો કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપે આ મામલે અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) સવાલો પણ પૂછ્યા છે.

    મધુપ તિવારીએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, “અમારી ટીમે 12 ફેબ્રુઆરી, 2024થી આ ઇમેલ્સની તપાસ શરૂ કરી હતી. આ ઇમેલના કારણે શાળામાં રજાઓ અને પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. અમે શરૂઆતમાં ઇમેલ સર્વિસ પ્રોવાઈડર્સ પાસેથી ડેટા માંગ્યો હતો, પરંતુ આરોપીએ VPNનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે તપાસમાં સમસ્યા ઉભી થઈ હતી. અમને 8 જાન્યુઆરી, 2025ના રોજ મોકલવામાં આવેલા ઇમેલમાંથી ટેક્નિકલ વિન્ડો મળી અને અમે ઇમેલ મોકલનાર વ્યક્તિને ટ્રેસ કરી શક્યા.”

    દિલ્હી પોલીસે જણાવ્યું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, ઇમેલ મોકલનાર આરોપી સગીર છે, જેણે 400થી વધુ નકલી ઇમેલ મોકલ્યા હતા. પોલીસે તેના લેપટોપ અને મોબાઈલની ફોરેન્સિક તપાસ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે, તે એકલો આ કામ કરી શકવા માટે સક્ષમ નહોતો. તેના પરિવારની તપાસમાં જાણવા મળ્યું કે, તેના માતા-પિતા એક NGO ચલાવે છે, જે એક ‘વિશેષ રાજકીય સંગઠન’ સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આ NGO અફઝલ ગુરુની ફાંસીનો વિરોધ કરી રહેલા સિવિલ સોસાયટીના જૂથનો પણ ભાગ છે.

    - Advertisement -

    સ્પેશિયલ સીપી (કાયદો અને વ્યવસ્થા) મધુપ તિવારીએ કહ્યું કે, “તપાસમાં અમને જાણવા મળ્યું છે કે, સગીરે આ ઇમેલ પોતાની જાતે મોકલ્યા છે, પરંતુ અમને શંકા છે કે, તેની પાછળ કોઈ વ્યાપક ષડયંત્ર હોય શકે છે. આ NGO ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર એક ખાસ રાજકીય પક્ષને સમર્થન આપે છે અને અફઝલ ગુરુની ફાંસી પર સવાલો ઉઠાવતું રહે છે. અમે ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ અને રાજકીય જોડાણના એન્ગલને પણ તપાસી રહ્યા છીએ.”

    ભાજપે AAP પાસેથી માંગ્યા જવાબ

    આ મામલાના ઘટસ્ફોટ બાદ ભાજપે આમ આદમી પાર્ટી પર અનેક આરોપો લગાવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું છે કે, આ ઘટના દર્શાવે છે કે, કેવી રીતે આમ આદમી પાર્ટી અને તેની સાથે સંકળાયેલ NGO દેશના બાળકોના મનમાં ઝેર ભેળવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, “આતિશીના માતા-પિતાએ અફઝલ ગુરુની દયા અરજી પર હસ્તાક્ષર કર્યા હતા. આ NGO એ જ માનસિકતાનો એક ભાગ છે. અમારે આમ આદમી પાર્ટી પાસેથી જવાબ જોઈએ છે કે, શું તેમનો આ પ્રવૃત્તિઓ સાથે કોઈ સંબંધ છે. જો નહીં, તો તેમણે સ્પષ્ટ નિવેદન આપવું જોઈએ.”

    સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, “હું અરવિંદ કેજરીવાલને અપીલ કરું છું કે, તેઓ સામે આવે અને તે સ્પષ્ટ કરે કે, આ લોકો સાથે તેમનો શું સંબંધ છે. જો સગીરો આ બધું કરી રહ્યા છે, તો પછી આવા NGO દેશના બાળકોના મનમાં કેવું ઝેર ભરી રહ્યા છે?”

    ત્રિવેદીએ એમ પણ કહ્યું કે, AAP ધારાસભ્યો પર પહેલાંથી જ રોહિંગ્યા અને બાંગ્લાદેશી ઘૂસણખોરોને સ્થાયી કરવામાં મદદ કરવાનો આરોપ છે. તેમણે કહ્યું કે, “દિલ્હી સરકાર સામે પુરાવાઓની સાંકળ જોડાતી રહી છે. શું આ NGO પણ AAP પાર્ટીની યોજનાઓનો એક ભાગ છે? જો નહીં, તો અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગીઓ આ અંગે સ્પષ્ટતા કરે.”

    દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું છે કે, “આ માત્ર સંયોગ નથી કે, જ્યારે પણ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે, ત્યારે રમખાણો કરીને વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. અમે નોર્થ ઈસ્ટ દિલ્હી અને શાહીન બાગમાં થયેલાં રમખાણોને ભૂલ્યા નથી. હવે એક સગીર દ્વારા એક NGOનું નામ બહાર આવી રહ્યું છે અને તેમાં અફઝલ ગુરુ, AAP અને અરવિંદ કેજરીવાલનું કનેક્શન સામેલ છે.” નોંધનીય છે કે, 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંદુવિરોધી રમખાણો થયા હતા, જેમાં આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો તાહિર હુસૈન માસ્ટરમાઇન્ડ હતો. તે સમયે તે AAPની ટિકિટ પર કાઉન્સિલરની ચૂંટણી પણ જીત્યો હતો.

    રાજકીય સંબંધોની થઈ રહી છે તપાસ

    પોલીસનું કહેવું છે કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે, આરોપીએ 7 અલગ-અલગ સંજોગોમાં ધમકીભર્યા ઇમેલ મોકલ્યા હતા, જેમાં 250 શાળાઓને એક સાથે બૉમ્બની ધમકી આપવાનો પણ સમાવેશ થાય છે. સગીરને પોતે યાદ નથી કે, તેણે કેટલી વાર આવા ઇમેલ મોકલ્યા છે. દિલ્હી પોલીસે એ માહિતી પણ આપી છે કે, ગયા વર્ષે મેથી ડિસેમ્બર સુધીમાં દિલ્હીની શાળાઓ, હોસ્પિટલો, એરપોર્ટ અને એરલાઈન્સને કુલ 50 બૉમ્બની ધમકીઓ આપવામાં આવી હતી. દર વખતે આ ધમકીઓ નકલી નીકળતી હતી, પરંતુ તેણે વહીવટીતંત્ર અને સામાન્ય લોકો માટે ખૂબ મોટી મુશ્કેલી ઉભી કરી હતી.

    દિલ્હી પોલીસના આ ઘટસ્ફોટ પછી સવાલ એ છે કે, શું આ નકલી ધમકીઓ પાછળ કોઈ મોટું ષડયંત્ર છે અને શું તેમાં રાજકીય પક્ષો અને NGOની મિલીભગતની કોઈ ભૂમિકા છે. પોલીસ હવે NGO અને તેના રાજકીય સંબંધોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં