Saturday, September 14, 2024
More
    હોમપેજરાજકારણજે દિલ્હીમાં કેજરીવાલે કહ્યું- ‘મને જેલ જતા બચાવવા AAPને જીતાડો’, ત્યાં I.N.D.I.નું...

    જે દિલ્હીમાં કેજરીવાલે કહ્યું- ‘મને જેલ જતા બચાવવા AAPને જીતાડો’, ત્યાં I.N.D.I.નું વળ્યું પિલ્લું: જાણો ભાજપ/NDAએ કયાં કયાં કર્યું ક્લીન સ્વીપ

    આ વખતે INDI ગઠબંધનને દિલ્હી જીતવાની ખૂબ આશા હતી. કારણ કે, કેજરીવાલ જેલમાં હોવાથી લોકોને ઈમોશનલી ગઠબંધન તરફ વાળી શકવાની યોજના પણ થઈ ચૂકી હતી. અરવિંદ કેજરીવાલ પોતે પણ નિવેદનો આપીને સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે શક્ય બન્યું નહીં.

    - Advertisement -

    દેશમાં લોકસભા ચૂંટણીનું પરિણામ પૂર્ણ થઈ ચૂક્યું છે. INDI ગઠબંધન 234 બેઠકો મેળવવામાં સફળ રહ્યું છે, જ્યારે ભાજપે એકલા હાથે જ 340 બેઠકો મેળવી લીધી છે. NDA ગઠબંધનની વાત કરવામાં આવે તો 292 બેઠકો સાથે બહુમતીના આંકડાને પાર કરી લીધો છે. તેથી ત્રીજી વખત કેન્દ્રમાં NDAની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ I.N.D.I. ગઠબંધન માટે આશાની કિરણ ગણાતા કેટલાક વિસ્તારોમાં NDAએ ક્લીન સ્વીપ કર્યું છે. જેમ કે, દિલ્હીની 7 લોકસભા બેઠકો પરથી સાતેય ભાજપના ખાતામાં ગઈ છે. ભાજપે દિલ્હીમાં ક્લીન સ્વીપ કર્યું છે. અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ આ બેઠકોને લઈને અનેક દાવાઓ કર્યા હતા.

    મંગળવારે (4 જૂન, 2024) લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. દિલ્હીમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. દિલ્હી 7 લોકસભા બેઠકો પર ભગવો લહેરાવી દીધો છે. દિલ્હીની ચાંદની ચોક બેઠક, નવી દિલ્હી બેઠક, પૂર્વ દિલ્હી બેઠક, પશ્ચિમ દિલ્હી બેઠક, દક્ષિણ દિલ્હી બેઠક, ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠક અને ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠક પર ફરી એકવાર ભગવો લહેરાઈ ચૂક્યો છે. આ પહેલાં 2014 અને 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ ભાજપે દિલ્હીમાં ક્લીન સ્વીપ કર્યું હતું. ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠક કોંગ્રેસ ઉમેદવાર કન્હૈયા કુમારને લઈને ચર્ચામાં આવી હતી, જ્યાં ભાજપના મનોજ તિવારીએ કન્હૈયાને 1 લાખ કરતાં વધુની લીડથી હરાવ્યો છે. દિલ્હીમાં ભાજપની સૌથી મોટી જીત ઉત્તર-પશ્ચિમ બેઠક પર થઈ છે. અહીંથી ઉમેદવાર યોગેન્દ્ર ચંદોલિયાએ 290849ની લીડથી ઉદિત રાજને હરાવ્યા છે.

    નોંધવા જેવુ છે કે, આ વખતે INDI ગઠબંધનને દિલ્હી જીતવાની ખૂબ આશા હતી. કારણ કે, કેજરીવાલ જેલમાં હોવાથી લોકોને ઈમોશનલી ગઠબંધન તરફ વાળી શકવાની યોજના પણ થઈ ચૂકી હતી. અરવિંદ કેજરીવાલ પોતે પણ નિવેદનો આપીને સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કરી રહ્યા હતા. તેમને લાગતું હતું કે, દિલ્હીની જનતા ભોળવાઈને INDI ગઠબંધન તરફ વળી જશે. એક નિવેદનમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, “જો તમે નરેન્દ્ર મોદીને વોટ આપશો તો મારે જેલમાં જવું પડશે. તમે કમળનું બટન દબાવશો અને હું જેલમાં જઈશ. તેથી મને જેલ જતો બચાવવા માટે AAPને જીતાડો.” પરંતુ દિલ્હીની જનતાને કદાચ એ મંજૂર ન આવ્યું અને ભાજપને બધી બેઠકો આપી દીધી.

    - Advertisement -

    મધ્ય પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ, અરુણાચલ અને ત્રિપુરામાં NDAની ક્લીન સ્વીપ

    સાથે 2024 લોકસભા ચૂંટણીમાં રસપ્રદ વાત એ છે કે, ભાજપે 5 રાજ્યોમાં ક્લીન સ્વીપ કર્યું છે અને કેન્દ્રશાસિત પ્રદેશ દિલ્હીમાં પણ ક્લીન સ્વીપ કર્યું છે. 5 રાજ્યોમાં મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. આ રાજ્યોની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. મધ્ય પ્રદેશમાં લગભગ 6 મહિના પહેલાં વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભાજપે પહેલીવાર મધ્ય પ્રદેશની 29 લોકસભા બેઠકો પર એકતરફી જીત મેળવી છે. સ્વતંત્રતા બાદ કોંગ્રેસે 1984માં ક્લીન સ્વીપ કર્યું હતું. આ વખતે ભાજપે તમામ બેઠકો જીતીને ક્લીન સ્વીપ કર્યું છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંઘ ચૌહાણનો જાદુ ફરીવાર જોવા મળ્યો છે, તેઓ વિદિશા બેઠક પરથી 8 લાખથી વધુની લીડ સાથે જીત્યા છે.

    ત્યારબાદ હિમાચલ પ્રદેશની 4 લોકસભા બેઠકો પર પણ ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. કોંગ્રેસની સરકાર હોવા છતાં, અહીંથી કોંગ્રેસ એક બેઠક પણ ન મેળવી શકી. ભાજપે તમામ 4 બેઠકો પર જીત મેળવી લીધી છે. વર્ષ 2014, 2019ની સામાન્ય ચૂંટણીમાં પણ હિમાચલની તમામ બેઠકો ભાજપને મળી હતી. આ સાથે ઉત્તરાખંડની પાંચ બેઠકો પણ ભાજપે જીતી લીધી છે. ઉત્તરાખંડમાં સતત ત્રીજીવાર ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. તે સિવાય અરુણાચલ પ્રદેશની બંને લોકસભા બેઠકો પણ ભાજપે જીતી લીધી છે. આ સાથે જ ત્રિપુરાની બંને લોકસભા બેઠકો પર પણ ભાજપનું ક્લીન સ્વીપ થયું છે.

    તે સિવાય ઓડિશાની 21 બેઠકોમાંથી 20 બેઠકો ભાજપે મેળવી લીધી છે, જ્યાં ક્લીન સ્વીપ થતાં-થતાં રહી ગયું છે. તે જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ જોવા મળી હતી. ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો ભાજપે મેળવી લીધી હતી, જ્યારે બનાસકાંઠા બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી. તે સિવાય બિહારની 40 બેઠકોમાંથી 12 ભાજપે મેળવી, તેના સહયોગી પક્ષ JDUએ પણ 12 બેઠકો પર કબજો કરી લીધો. રામ વિલાસ પાસવાનની લોકજનશક્તિ પાર્ટીએ પણ 5 બેઠકો જીતી. એટલે 29 બેઠકો NDAએ જીતી છે.

    વિધાનસભા ચૂંટણીઓમાં પણ NDA ચમક્યું

    નોંધનીય છે કે, લોકસભા ચૂંટણી સાથે મંગળવારે (4 જૂન) આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પણ જાહેર થયાં હતા. બંનેમાં NDAની જીત થઈ છે. આંધ્ર પ્રદેશમાં ભાજપ, TDP અને જનસેના ગઠબંધનની જીત થઈ અને હવે ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી બનશે તે લગભગ નક્કી છે. જ્યારે ઓડિશામાં ભાજપે એકલે હાથે BJDને હરાવીને નવીન પટનાયકના વર્ષોના શાસનનો અંત આણ્યો છે. કુલ 147 બેઠકો પૈકી ભાજપે 78 બેઠકો જીતી લીધી છે. જ્યારે BJD માત્ર 51 બેઠકો પર અટકી ગઈ. એટલું જ નહીં, 24 વર્ષ સુધી રાજ્યના CM રહેલા નવીન પટનાયક પોતાની બેઠક પરથી પણ હારી ગયા છે. એટલે હવે ઓડિશામાં પ્રથમ વખત ભાજપ પોતાના મુખ્યમંત્રી બનાવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં