Tuesday, June 24, 2025
More
    હોમપેજદેશ‘મહિલા સક્ષમ અને શિક્ષિત હોય તો માત્ર પતિ પાસેથી ભરણપોષણ મેળવવાના ઇરાદે...

    ‘મહિલા સક્ષમ અને શિક્ષિત હોય તો માત્ર પતિ પાસેથી ભરણપોષણ મેળવવાના ઇરાદે બેરોજગાર રહી શકે નહીં’: દિલ્હી હાઇકોર્ટ, અરજી ફગાવી

    આદેશમાં કોર્ટે કહ્યું કે પત્ની ઉચ્ચ શિક્ષિત અને સક્ષમ હતી તે હકીકતને અવગણી શકાય નહીં અને તેનું તેના માતાપિતા અને પછી મામાના ઘરે રહેવું એ બતાવવાનો પ્રયાસ હતો કે તે અસમર્થ અને કમાવા માટે સક્ષમ નથી.

    - Advertisement -

    એક છૂટાછેડાની અરજી પર સુનાવણી કરતાં તાજેતરમાં દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે શિક્ષિત પત્ની, જેને યોગ્ય નોકરીનો અનુભવ હોય, તે ફક્ત પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે બેરોજગાર ન રહી શકે. હાઇકોર્ટે ફોજદારી કાર્યવાહી સંહિતાની (CRPC) કલમ 125 હેઠળ વચગાળાના ભરણપોષણ માટેનો આપવાનો ઇનકાર કરતા ફેમિલી કોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી અને મહિલાને કહ્યું કે શિક્ષિત અને સક્ષમ હોય તો તેણે નોકરી શોધી લેવી જોઈએ. કાયદો આમ કામ વગર બેસી રહેવાની વૃત્તિને પ્રોત્સાહન આપી શકે નહીં.

    કોર્ટે શું કહ્યું?

    આ મામલે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ ચંદ્ર ધારી સિંઘની સિંગલ જજ બેન્ચે સુનાવણી કરી હતી. આદેશમાં કોર્ટે કહ્યું કે પત્ની ઉચ્ચ શિક્ષિત અને સક્ષમ હતી તે હકીકતને અવગણી શકાય નહીં અને તેનું તેના માતાપિતા અને પછી મામાના ઘરે રહેવું એ બતાવવાનો પ્રયાસ હતો કે તે અસમર્થ અને કમાવા માટે સક્ષમ નથી. કોર્ટે કહ્યું કે આ કેસ વચગાળાના ભરણપોષણને ન્યાયી ઠેરવતો નથી.

    કોર્ટે કહ્યું કે અરજદાર અને તેની માતા વચ્ચેની વોટ્સએપ વાતચીત, જેની માન્યતા યોગ્ય તબક્કે ચકાસવામાં આવશે, તે દર્શાવે છે કે તેની માતાએ સલાહ આપી હતી કે નોકરી તેના ભરણપોષણના દાવાને નબળો પાડી દેશે. આ વાતચીત ભરણપોષણ અરજી દાખલ કરતા પહેલાં થઈ હતી, જે દર્શાવે છે કે તેનો જાણીજોઈને બેરોજગાર રહીને ભરણપોષણ મેળવવાનો ઈરાદો હતો.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, કોર્ટમાં રજૂ કરાયેલાં તમામ તથ્યોને ધ્યાનમાં રાખતાં એ સ્પષ્ટ છે કે, જો લાયક અને કમાણી કરવાની ક્ષમતા ધરાવતી પત્નીઓ જાણીજોઈને બેરોજગાર રહે છે, તો તેઓ ભરણપોષણનો દાવો કરી શકતી નથી. આ ઉપરાંત, કોર્ટે કહ્યું કે અરજદાર પત્નીની લાયકાત અને અગાઉના નોકરીના રેકોર્ડ દર્શાવે છે કે તે ભવિષ્યમાં પોતાનું ગુજરાન ચલાવવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે.

    કોર્ટે કહ્યું કે આ કોર્ટ અરજદારને સક્રિયપણે રોજગાર મેળવવા અને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરે છે કારણ કે તેની પાસે બહોળો અનુભવ છે અને તે દુનિયાની રીતભાતથી પરિચિત છે, જે એવી સ્ત્રીઓથી સાવ વિપરીત છે જે અશિક્ષિત છે અને સંપૂર્ણપણે તેમના પતિ પર નિર્ભર હોય. ભરણપોષણની જોગવાઈ આવી મહિલાઓ માટે છે. કાયદો કામ વગર બેસી રહેવાની વૃત્તિને પ્રોત્સાહન આપી શકે નહીં.

    શું હતો સમગ્ર મામલો

    દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી મુજબ, આ દંપતીએ વર્ષ 2019માં લગ્ન કર્યાં હતાં અને તરત જ સિંગાપોર જતું રહ્યું હતું. પત્નીએ આરોપ લગાવ્યો કે તેના પતિ અને સાસરિયાઓ તેની સાથે ક્રૂર વર્તન કરતા, જેના કારણે તે ફેબ્રુઆરી 2021માં ભારત પાછી ફરી હતી.

    પત્નીએ એવો પણ દાવો કર્યો હતો કે તેના પતિએ તેના ઘરેણાં અને કિંમતી વસ્તુઓ પર કબજો કરી લીધો હતો. જેના કારણે તેણે ભારત પરત ફરવા માટે ઘરેણાં વેચવા પડ્યાં. તેણે એવો પણ દાવો કર્યો કે તેના પતિએ તેના સ્પાઉસ વિઝા પણ રદ્દ કરાવી દીધા જેના કારણે તે સિંગાપુરમાં એકલી ફસાઈ ગઈ હતી. આર્થિક મુશ્કેલીઓના કારણે તે તેના મામાના ઘરે રહેતી હતી.

    અરજી અનુસાર પત્નીએ 2006માં ઑસ્ટ્રેલિયાથી માસ્ટર ડિગ્રી મેળવી હતી અને 2005થી 2007 દરમિયાન દુબઈમાં કામ કર્યું હતું. તેના પતિએ આ અરજીનો વિરોધ કરતાં કહ્યું કે પત્ની સારી રીતે શિક્ષિત અને સક્ષમ છે અને માત્ર બેરોજગાર હોવાના આધારે કલમ 125 હેઠળ ભરણપોષણની માંગ કરી શકતી નથી.

    પતિએ વધુમાં જણાવ્યું હતું કે પત્નીએ પ્રતિ માસ 3,25,000ની રકમ ભરણપોષણ માટે માંગી છે જે તેની પાછલી ભારતીય જીવનશૈલીની તુલનામાં વધુ પડતી છે. પતિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, પત્નીએ પતિની આર્થિક પરિસ્થિતિને અતિશયોક્તિપૂર્ણ ગણાવી અને પોતાની સંભવિત આવક છુપાવી. નોંધનીય છે કે આ અંગે ફોજદારી કોર્ટે પણ પત્નીની ભરણપોષણની માંગ સ્વીકારી નહોતી, જેની વિરુદ્ધમાં તેણે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે કોર્ટે ફગાવી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં