Sunday, January 26, 2025
More
    હોમપેજદેશ'લાલ કિલ્લો અમારો, તેની માલિકી અમને સોંપો': બહાદુરશાહ ઝફર-IIની વંશજ સુલતાના બેગમ...

    ‘લાલ કિલ્લો અમારો, તેની માલિકી અમને સોંપો’: બહાદુરશાહ ઝફર-IIની વંશજ સુલતાના બેગમ ભારત સરકાર પર ગેરકાયદે કબજાનો આરોપ લગાવી પહોંચી દિલ્હી હાઇકોર્ટ, અદાલતે અરજી ફગાવી

    બેગમે વકીલ વિવેક મોરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી પણ દલીલ કરી હતી કે, ભારત સરકાર લાલ કિલ્લા પર ગેરકાયદેસર કબજો કરીને બેઠી છે. તેણે કેન્દ્ર સરકાર પાસે કિલ્લાની માલિકી અને 1857 બાદથી વળતરની માંગણી કરી હતી.

    - Advertisement -

    દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) શુક્રવારે (13 ડિસેમ્બર) મોગલ સમ્રાટ બહાદુરશાહ ઝફર-IIની વંશજ (Descendant of Bahadur Shah Zafar-II) સુલતાના બેગમ (Sultana Begum) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સુલ્તાનાએ લાલ કિલ્લા (Red Fort) પર માલિકીનો હક્ક અને 1857થી હમણાં સુધીના વળતરની માંગણી કરી હતી. તે બહાદુરશાહ ઝફર-IIના પ્રપૌત્રની વિધવા છે. કાયદાકીય રીતે તે મોગલવંશની વંશજ છે. જેના કારણે તેણે લાલ કિલ્લા પર પોતાના હક્કનો દાવો ઠોક્યો હતો અને ભારત સરકારને ગેરકાયદે કબજેદાર ગણાવી દીધી હતી.

    માહિતી અનુસાર, સુલતાના બેગમે 2021માં હાઇકોર્ટની સિંગલ બેન્ચના નિર્ણય વિરુદ્ધ આ અરજી દાખલ કરી હતી. જેમાં તેની અરજી વિલંબના કારણે ફગાવી દેવામાં આવી હતી. જયારે હવે એક્ટિંગ ચીફ જસ્ટિસ વિભુ બખરુ અને જસ્ટિસ તુષાર રાવ ગેડેલાની બેન્ચે પણ તેની નવી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, 2021ના નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી આ અરજીમાં અઢી વર્ષનો વિલંબ થયો છે, જેના કારણે આ અરજી ફગાવી દેવામાં આવે છે.

    કોર્ટે તે પણ કહ્યું કે, બેગમ દ્વારા પોતાના ખરાબ સ્વાસ્થ્ય અને પુત્રીના મોતનું કારણ વિલંબને યોગ્ય ઠેરવવા માટે પૂરતું નથી. કોર્ટે કહ્યું, “આ અરજી 913 દિવસોના વિલંબ બાદ દાખલ કરવામાં આવી છે. 913 દિવસના વિલંબને સ્પષ્ટ કરવા માટેનું એકમાત્ર કારણ તે છે કે, તે ‘ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી અને તેની પુત્રીનું મૃત્યુ થયું હતું, તેથી અરજદાર સમયસર અરજી દાખલ નહોતી કરી શકી.’ અમને આ સ્પષ્ટીકરણ અપર્યાપ્ત લાગે છે. કારણ કે, તેનો સમયગાળો 2.5 વર્ષથી પણ વધુ છે. આ બાબતને જોતાં માફી માટેનું આવેદન પણ ફગાવી દેવામાં આવે છે.”

    - Advertisement -

    2021માં પ્રથમ વખત ફગાવવામાં આવી હતી અરજી

    સુલતાના બેગમે સિંગલ જજના 20 ડિસેમ્બર, 2021ના આદેશ વિરુદ્ધ આ નવી અરજી દાખલ કરી હતી. 2021માં એક સદીથી વધુના વિલંબનો હવાલો આપીને તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. તેણે અરજીમાં દાવો કર્યો હતો કે, 1857માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બળજબરીથી લાલ કિલ્લા પર કબજો કરી લીધો હતો. તેણે કહ્યું હતું કે, તેને આ કિલ્લો તેમના પૂર્વજ બહાદુરશાહ ઝફર-II પાસેથી વારસામાં મળ્યો છે. બેગમે વકીલ વિવેક મોરે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવી પણ દલીલ કરી હતી કે, ભારત સરકાર લાલ કિલ્લા પર ગેરકાયદેસર કબજો કરીને બેઠી છે. તેણે કેન્દ્ર સરકાર પાસે કિલ્લાની માલિકી અને 1857 બાદથી વળતરની માંગણી કરી હતી.

    તે સમયે સિંગલ જજે આ અરજી ફગાવી દેતા કહ્યું હતું કે, આ મામલો 164 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે. જજે કહ્યું હતું કે, “જો અરજદારનો આ કેસ સ્વીકારી પણ લેવામાં આવે કે, બહાદુરશાહ ઝફર દ્વિતીયને ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા ગેરકાયદેસર રીતે તેની સંપત્તિમાંથી વંચિત કરવામાં આવ્યા હતા, તોપણ 164 વર્ષથી વધુના વિલંબ બાદ અરજી કઈ રીતે સ્વીકારી શકાશે. જોકે, તે પણ સ્પષ્ટ છે કે, અરજદારના વંશજોને હંમેશાથી આ સ્થિતિ વિશેની જાણ હતી.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં