દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ (Delhi Assembly Elections Result) આવી ચૂક્યું છે, જેમાં ભાજપનો જંગી બહુમતીએ વિજય થયો છે. બીજી તરફ આમ આદમી પાર્ટી બહુમતથી બહુ દૂર છે. એક દાયકા બાદ પાર્ટી સત્તા પરથી બહાર થઈ રહી છે. પાર્ટીના મોટાભાગના દિગ્ગજ નેતાઓ હારી ચૂક્યા છે. જેમાં કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ સામેલ છે. એકમાત્ર સીએમ આતિશીએ પોતાની બેઠક બચાવી લીધી છે.
નવી દિલ્હીથી કેજરીવાલ હાર્યા, પરવેશ સાહિબ સિંઘ વર્માની ભવ્ય જીત

નવી દિલ્હી સીટ પરથી AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ઉમેદવારી નોંધાવી હતી. આ સીટ પર 13 રાઉન્ડની મતગણતરી થવાની હતી. શરૂઆતથી જ તેઓ પાછળ ચાલી રહ્યા હતા અને છેવટે 4000 કરતાં વધુ વોટથી હારનો સામનો કરવો પડ્યો. આ સીટ પરથી ભાજપના ઉમેદવાર પરવેશ સાહિબ સિંઘ વર્માએ જીત મેળવી છે. પૂર્વ સાંસદ વર્મા પહેલેથી જ જીતને લઈને આત્મવિશ્વાસ દાખવી રહ્યા હતા, આખરે તેમણે કેજરીવાલને તેમના ગઢમાં જ હરાવીને ઇતિહાસ રચી દીધો.
મનીષ સિસોદિયાની હાર, સીટ બદલી પણ મેળ ન પડ્યો

આ ઉપરાંત જંગપુરા સીટ પરથી મનીષ સિસોદિયા ચૂંટણી લડ્યા હતા. જેમની ભાજપના તરવિંદર સિંઘ મારવાહ સામે 675 વોટથી હાર થઈ છે. નોંધનીય છે કે મનીષ સિસોદિયા દારૂ નીતિ ગોટાળા મામલે મહિનાઓ સુધી જેલમાં રહ્યા હતા, તથા વર્તમાનમાં પણ તેઓ જામીન પર જ બહાર છે. આ પહેલાં તેઓ પટપડગંજથી ધારાસભ્ય હતા, પણ અહીં પહેલાં જ માહોલ પામી ગયેલા સિસોદિયાએ જંગપુરા બેઠક પરથી નસીબ અજમાવી જોયું, પણ અહીંથી પણ હાર જ મળી.
સૌરભ ભારદ્વાજની પણ હાર

આ ઉપરાંત ગ્રેટર કૈલાશની સીટ પણ ઘણી મહત્વપૂર્ણ હતી કારણ કે આ સીટ પરથી AAPના મંત્રી અને કેજરીવાલના નજીકના સૌરભ ભારદ્વાજ ચૂંટણી લડ્યા હતા. જેમની સામે ભાજપનાં શિખા રોય 3000 કરતાં વધુ વોટથી વિજયી બન્યાં છે. સૌરભ ભારદ્વાજ પણ ચૂંટણી હારી ગયા છે.
જેલ જઈ આવેલા સત્યેન્દ્ર જૈન પણ હાર્યા

ભ્રષ્ટાચારના કેસમાં જેલ જઈ આવેલા કેજરીવાલ સરકારના પૂર્વ મંત્રી અને AAPના દિગ્ગજ નેતા સત્યેન્દ્ર જૈન શકુર બસ્તી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા. તેમની 20 હજાર મતોથી હાર થઈ છે. અહીં ભાજપના કરનૈલ સિંઘ વિજયી બન્યા.
સીએમ આતિશી માર્લેના જીત્યાં

AAPના દિગ્ગજ નેતાઓમાં એકમાત્ર આતિશી માર્લેના જ જીતી શક્યાં છે. તેઓ કાલકાજી બેઠક પરથી 3000થી વધુ વોટથી જીતી ગયાં છે. અહીં ભાજપે પૂર્વ સાંસદ રમેશ વિધૂડીને ઉતાર્યા હતા. તેમણે પરાજયનો સામનો કરવો પડ્યો.