Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણ1984ના શીખ નરસંહાર કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર સામે ચાર્જ ફ્રેમ કરવા...

    1984ના શીખ નરસંહાર કેસમાં કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર સામે ચાર્જ ફ્રેમ કરવા આદેશ: 3 શીખ વ્યક્તિઓને સળગાવનાર ટોળાને ઉશ્કેરવાનો છે આરોપ

    રમખાણો દરમિયાન પુલ બંગશ ગુરુદ્વારાની બહાર ત્રણ શીખ વ્યક્તિઓનું મૉબ લિન્ચિંગ કરી નાખવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર પર આરોપ છે કે તેમણે આ હત્યા માટે ટોળાને ઉશ્કેરણી કરી હતી. 

    - Advertisement -

    એક મહત્વનો નિર્ણય સંભળાવતાં દિલ્હીની રૉઝ એવન્યુ કોર્ટે શુક્રવારે (30 ઑગસ્ટ) 1984નાં શીખ વિરોધી રમખાણોના એક કેસમાં આરોપી કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર વિરુદ્ધ આરોપો ઘડવા માટે આદેશ આપ્યો. કોર્ટે ટાઈટલર સામે IPCની કલમ 143, 147, 153A, 188, 295, 436, 451, 380, 149, 302 અને 109 હેઠળ ચાર્જ ફ્રેમ કરવા માટે કહ્યું છે. 

    આ કેસ દિલ્હીની પુલ બંગશ ગુરુદ્વારા પાસે કરવામાં આવેલી ત્રણ શીખ વ્યક્તિઓની હત્યા મામલેનો છે, જેમાં આરોપી જગદીશ ટાઈટલર પણ છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, ટાઇટલર સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવાઓ છે. આ કેસની તપાસ CBI કરી રહી છે. કોર્ટે મામલાની આગામી સુનાવણી 13 સપ્ટેમ્બરના રોજ મુકરર કરી છે, જે દિવસે ઔપચારિક રીતે આરોપો ઘડવામાં આવશે. જગદીશ ટાઈટલરને કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. હાલ તેઓ આ કેસમાં જામીન પર બહાર છે.

    શું છે કેસ?

    ઉલ્લેખનીય છે કે 31 ઑક્ટોબર, 1984ના રોજ તત્કાલીન વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યારબાદ પંજાબ-દિલ્હી સહિત દેશભરમાં નિર્દોષ શીખોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને શીખવિરોધી રમખાણો શરૂ થઈ ગયાં હતાં. આ જ રમખાણો દરમિયાન પુલ બંગશ ગુરુદ્વારાની બહાર ત્રણ શીખ વ્યક્તિઓનું મૉબ લિન્ચિંગ કરી નાખવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા જગદીશ ટાઈટલર પર આરોપ છે કે તેમણે આ હત્યા માટે ટોળાને ઉશ્કેરણી કરી હતી. 

    - Advertisement -

    CBIએ આ મામલે મે, 2023માં ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં એજન્સીએ ઘટનાને નજરે જોનારા સાક્ષીને ટાંકીને જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતાએ પોતાની કારમાંથી આવીને ટોળાને ઉશ્કેર્યું હતું. ચાર્જશીટમાં કહેવાયું હતું કે, ‘ટાઈટલરે શીખોની હત્યા કરવા માટે ટોળાને ઉશ્કેરણી કરી હતી, જેના પરિણામે ટોળાએ ગુરુદ્વારાને આગ લગાવી દીધી હતી. 1 નવેમ્બર, 1984ના રોજ ત્યાં શીખ સમુદાયના ત્રણ સભ્યોની હત્યા કરી નાખવામાં આવી હતી.’

    સાક્ષીઓએ શું કહ્યું હતું? 

    ચાર્જશીટ અનુસાર, સાક્ષીએ જણાવ્યું હતું કે, “ટોળાએ તેમની દુકાનમાં પણ તોડફોડ કરીને લૂંટફાટ મચાવી હતી. જ્યાંથી ભાગતી વખતે તેમણે એક સફેદ કલરની એમ્બેસેડર કાર ગુરૂદ્વારા પાસે જોઈ હતી. જેમાંથી જગદીશ ટાઈટલર બહાર આવ્યા હતા. જેમણે પહેલાં શીખોને ટાર્ગેટ કરવાનું કહીને ટોળાને ઉશ્કેર્યું હતું અને ત્યારબાદ લૂંટફાટ માટે કહ્યું હતું.” તેમણે કહ્યું કે, “આ દ્રશ્ય જોઈને તેઓ ઘરે પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે શીખ વ્યક્તિઓની સળગેલી હાલતમાં લાશો જોઈ હતી, જેમને ટાયરો સાથે સળગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ગુરુદ્વારાને પણ આગ લગાડી દેવામાં આવી હતી.” 

    અન્ય એક સાક્ષીને પણ ચાર્જશીટમાં ટાંકવામાં આવ્યા હતા, જેમણે જણાવ્યું હતું કે, તેમણે ટોળાને પેટ્રોલ, કૅસ્ટર, તલવારો અને લાકડીઓ લઈને જતું જોયું હતું અને તત્કાલીન સાંસદ ટાઇટલર પણ ત્યાં ગુરુદ્વારા પુલ બંગશ પાસે હાજર હતા. તેમણે પણ જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા ગુરુદ્વારા પર હુમલો કરવા માટે ટોળાને ઉશ્કેરણી કરી હતી. 

    CBIની ચાર્જશીટમાં એમ પણ કહેવાયું છે કે આરોપી જગદીશ ટાઇટલરે કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ સામે તેમનું કદ નીચું થઈ ગયું છે અને તેમણે નીચાજોણું જેવું થયું છે. એફિડેવિટ અનુસાર, કોંગ્રેસ નેતા ત્યાં હાજર લોકોને કહ્યું હતું કે, “મારા મતવિસ્તારમાં શીખોની હત્યા ઓછી થઈ છે. મેં મોટાપાયે શીખોની હત્યા કરવા માટે વચન આપ્યું હતું અને સંપૂર્ણ સુરક્ષાની માંગ કરી હતી. તમે મને નિરાશ કર્યો છે.” 

    કોંગ્રેસ છાવરતી રહી 

    આટલા પુરાવાઓ અને આવા ગંભીર કેસમાં આરોપી હોવા છતાં કોંગ્રેસ પાર્ટીએ કાયમ તેમને રક્ષણ જ આપ્યું છે અને પાર્ટીમાં પણ કદ જાળવી રાખવામાં આવ્યું હતું. સાક્ષીઓનાં નિવેદનો અને પુરાવા હોવા છતાં કોંગ્રેસે ક્યારેય તેમની સામે કોઇ કાર્યવાહી ન કરી અને તેઓ પાર્ટીના દિલ્હી યુનિટના મહત્વના સભ્ય બન્યા રહ્યા, જેઓ ક્યારેક બેઠકોમાં ભાગ લેતા જોવા મળે તો ક્યારેક કોંગ્રેસના મોટા નેતાઓ સાથે દેખાય છે. 

    એટલું જ નહીં, કોંગ્રેસ પાર્ટીએ ટાઇટલરને પછી પણ ટિકીટ આપી હતી અને કેન્દ્રીય મંત્રી પણ બનાવ્યા હતા. તેઓ 2004ની લોકસભા ચૂંટણી પણ લડ્યા અને જીત્યા હતા. પછીથી જોકે 2009માં ટીકીટ કાપી દેવામાં આવી. જોકે, પછી પણ તેઓ અવારનવાર પાર્ટીના કાર્યક્રમોમાં જોવા મળતા રહ્યા છે. ડિસેમ્બર, 2022માં તેઓ દિલ્હી કોંગ્રેસની એક બેઠકમાં દેખાયા હતા, જે રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના આયોજન માટે યોજવામાં આવી હતી. એટલું જ નહીં, દિલ્હી MCD ચૂંટણીમાં પણ તેમણે કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કર્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં