Tuesday, June 24, 2025
More
    હોમપેજદેશદિલ્હીની કોર્ટના જજ પર જામીન બદલે લાંચ માંગવાનો આરોપ: ACBએ તપાસની પરવાનગી...

    દિલ્હીની કોર્ટના જજ પર જામીન બદલે લાંચ માંગવાનો આરોપ: ACBએ તપાસની પરવાનગી માંગી તો હાઇકોર્ટે ન્યાયાધીશની બદલી કરી નાખી– રિપોર્ટમાં દાવો

    પત્ર અનુસાર, ACBને આ મામલે પહેલી ફરિયાદ 30 ડિસેમ્બર, 2024ના રોજ GST અધિકારીના એક સંબંધીના ઇમેઈલ દ્વારા મળી હતી. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, કોર્ટના અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેમના જામીન માટે ₹85 લાખ અને અન્ય તમામ આરોપીઓ માટે વ્યક્તિ દીઠ ₹1 કરોડની લાંચ માંગી હતી.

    - Advertisement -

    દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના (Delhi Rouse Avenue Court) એક સ્પેશ્યલ જજ (Special Judge) અને કોર્ટ અહલમદ (કોર્ટ અધિકારી) પર એક કેસમાં આરોપીઓને જામીન (Bail) આપવા માટે લાંચ (Bribes) માંગવાનો આરોપ લાગ્યો છે. ઘટના સામે આવ્યા બાદ ACBએ કોર્ટ અહલમદ વિરુદ્ધ FIR પણ નોંધી છે. આ સાથે જ ACBએ જજ સામે કાર્યવાહી કરવાની મંજૂરી પણ માંગી હતી. જોકે, હાઇકોર્ટે ‘પૂરતા પુરાવા ન હોવાની’ની વાત કરીને મંજૂરી આપી નહોતી. આ સાથે જ આરોપી જજની બીજી જગ્યાએ બદલી પણ કરી નાખવામાં આવી છે.

    આ વર્ષે 29 જાન્યુઆરીએ દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખાએ (ACB) કાયદા, ન્યાય અને વિધાયી બાબતોના મુખ્ય સચિવને પત્ર લખીને ન્યાયધીશ અને કોર્ટ અધિકારી સામે તપાસ શરૂ કરવાની પરવાનગી માંગી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ વિનંતી દિલ્હી હાઇકોર્ટને મોકલવામાં આવી હતી, જેને 14 ફેબ્રુઆરીએ એવું કહીને ફગાવી દેવામાં આવી હતી કે, દિલ્હી ACB પાસે સ્પેશ્યલ જજ વિરુદ્ધ ‘પૂરતા પુરાવા’ નથી. જોકે, હાઇકોર્ટે ACBને તેની તપાસ ચાલુ રાખવા અને જો તેને ન્યાયાધીશની સંડોવણી દર્શાવતી કોઈ સામગ્રી મળે તો ફરીથી હાઇકોર્ટનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

    જજની બીજી કોર્ટમાં કરી દેવાઈ બદલી

    આ મામલે ACBએ 16 મેના રોજ કોર્ટ અહલમદ મુકેશ કુમાર વિરુદ્ધ FIR નોંધી હતી. તેના ચાર દિવસ બાદ એટલે કે, 20 મેના રોજ જ સ્પેશ્યલ જજને રાઉઝ એવન્યુ કોર્ટમાંથી અન્ય બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. આ મામલે દિલ્હી હાઇકોર્ટના રજીસ્ટ્રારને મોકલવામાં આવેલા કોઈ સવાલોના જવાબ નથી મળ્યા. ઉપરાંત જજે પણ આ મામલે કોઈ નિવેદન આપ્યું નથી. ACB દ્વારા આ મામલે 29 જાન્યુઆરીના રોજ કાયદા અને ન્યાય બાબતોના પ્રિન્સિપલ સેક્રેટરીને એક પત્ર મોકલવામાં આવ્યો હતો અને સાથે ઓડિયો રેકોર્ડીંગ પણ મોકલવામાં આવ્યું હતું.

    - Advertisement -

    પત્ર અનુસાર, ACBએ 2021માં નકલી કંપનીઓના GST રિફંડ મંજૂર કરવા બદલ એપ્રિલ 2023માં GST અધિકારી સામે નોંધાયેલા કેસનો ઉલ્લેખ કર્યો છે. ACBએ GST અધિકારી, 3 વકીલો, 1 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બે ટ્રાન્સપોર્ટર સહિત 16 લોકોની ધરપકડ કરી હતી અને તેમને સ્પેશિયલ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ કોર્ટે તમામ આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. ACB અનુસાર, જ્યારે આરોપીઓએ જામીન અરજીઓ કરી હતી, ત્યારે તેમની મોટાભાગની અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી અને ટાળી દેવામાં આવી હતી. આ સાથે જ અલગ-અલગ તારીખો માટે સુનાવણી અનામત રાખવામાં આવી હતી.

    પત્ર અનુસાર, ACBને આ મામલે પહેલી ફરિયાદ 30 ડિસેમ્બર, 2024ના રોજ GST અધિકારીના એક સંબંધીના ઇમેઈલ દ્વારા મળી હતી. ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, કોર્ટના અધિકારીઓએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેમના જામીન માટે ₹85 લાખ અને અન્ય તમામ આરોપીઓ માટે વ્યક્તિ દીઠ ₹1 કરોડની લાંચ માંગી હતી. સંબંધીએ આરોપ લગાવ્યો હતો કે, ઇનકાર કરવા પર જામીન અરજી ખોટી રીતે એક મહિનાથી વધુ સમય માટે મુલતવી રાખવામાં આવી હતી અને ત્યારબાદ તેને નકારી કાઢવામાં આવી હતી.

    હાઇકોર્ટમાંથી અરજી પરત ખેંચવા માટે ધમકી આપી હોવાનો આરોપ

    પત્રમાં ACBએ વધુમાં લખ્યું છે કે, બાદમાં આરોપીઓને દિલ્હી હાઇકોર્ટમાંથી રાહત મળી ગઈ હતી. આ પછી કોર્ટના અધિકારીએ આરોપીઓનો સંપર્ક કર્યો હતો અને કથિત રીતે ધમકી આપી હતી કે, સંબંધિત જજ તેમની સામે કેસ ચલાવવા માટે તેમની શક્તિ મુજબ ઘણું બધુ કરી શકે તેમ છે. અધિકારીએ તેમને કહ્યું હતું કે, તેઓ હાઇકોર્ટમાંથી પોતાની અરજી પાછી ખેંચીને ₹1 કરોડ આપી દેશે તો તેમને જામીન મળી જશે.

    સૂત્રોને ટાંકીને કહેવાયું છે કે, અન્ય એક ફરિયાદ 20 જાન્યુઆરીના રોજ એક વ્યક્તિ પાસેથી મળી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં કોર્ટના એક અધિકારીએ આરોપીઓનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, જો તે વ્યક્તિ દીઠ ₹15-20 લાખની લાંચ આપવા તૈયાર હોય તો કેસમાં ત્રણ આરોપીઓને જામીન મળી શકે છે.

    કોર્ટ અહલમદ વિરુદ્ધ FIR અને આગોતરા જામીન માટેની અરજી

    ACBએ આ મામલે 16 મેના રોજ કોર્ટ અહલમદ વિરુદ્ધ ભ્રષ્ટાચાર કેસમાં FIR નોંધી હતી અને રજિસ્ટ્રારના જવાબનો ઉલ્લેખ પણ કર્યો હતો. ત્યારબાદ કોર્ટ અધિકારીએ એવન્યુ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટ અધિકારીના વકીલોએ દલીલ કરી હતી કે, ACBએ ‘ખોટી અને બનાવટી FIR’ દાખલ કરી છે અને સ્પેશ્યલ જજને ‘ફસાવવાનો’ પ્રયાસ કરવામાં આવ્યો છે. જોકે, કોર્ટે આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.

    મુખ્ય સરકારી વકીલે જામીનનો વિરોધ કર્યો હતો અને દલીલ કરી હતી કે, કોર્ટ અધિકારી મુખ્ય આરોપી છે અને પુરાવા સાથે છેડછાડ કરી શકે છે. તેમણે એવી પણ દલીલ કરી હતી કે, ફરિયાદીને તેમના દ્વારા કથિત રીતે એક હસ્તલિખિત ચિઠ્ઠી આપવામાં આવી હતી, જે કથિત ગુનામાં તેની સંડોવણીને દર્શાવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં