મેરઠની (Meerut) ચૌધરી ચરણ સિંઘ યુનિવર્સિટીમાં (chaudhary charan singh university) RSSને લઈને વાંધાજનક પ્રશ્ન પૂછવા પર વિવાદ થયો હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, MA પોલિટિકલ સાયન્સની સેકેન્ડ સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન પેપરના પ્રશ્નમાં નક્સલી-આતંકી સંગઠનોના પ્રશ્નમાં સાથે RSSનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેને લઈને હોબાળો મચી ગયો. વિવિધ હિંદુ સંગઠનો અને ABVPએ આ કૃત્યનો ભારે વિરોધ કર્યો હતો અને જવાબદાર પ્રોફેસર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી કરી હતી. વિવાદ વધતાં યુનિવર્સિટી પ્રશાસને કાર્યવાહી હાથ ધરીને જવાબદાર પ્રોફેસર પાસેથી લેખિતમાં માફી મંગાવી હતી અને તેમને આજીવન એક્ઝામ ડ્યુટીમાં પ્રતિબંધિત કરી દીધા હતા.
માહિતી અનુસાર, 2 એપ્રિલના રોજ યોજાયેલા પોલિટિકલ સાયન્સના પેપરમાં પ્રશ્ન નંબર 87 અને 93ને લઈને વિદ્યાર્થીઓએ વાંધો ઉઠાવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આ સવાલોની ટીકા થવા લાગી હતી. જે બાદ ABVP સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કરી દીધો હતો. શરૂઆતમાં વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સાથે ચર્ચા કરતા અટકાવવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ સ્થિતિ વણસતી જોઈને યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.
શું હતો પ્રશ્ન?
MA પોલિટિકલ સાયન્સના પેપરમાં એક સવાલ હતો. જેમાં લખ્યું હતું કે, “નીચેનામાંથી કોને પરમાણુ સમૂહ નહીં માનવામાં આવે?” તેના જવાબમાં ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા. જેમાં ‘નક્સલી સમૂહ’, ‘જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ’, ‘દલ ખાલસા’ અને ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’નું નામ હતું. ત્યારબાદ અન્ય એક પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે, “RSSના ઉદયનું કારણ શું હતું?” જેમાં એક વિકલ્પ એ હતો કે, “તેનું કારણ જાતિ અને ધર્મ આધારિત રાજકારણ હતું.” આ પેપર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠવા લાગ્યા હતા. આ સાથે જ યુનિવર્સિટી પર પણ સવાલો ઉઠવા લાગ્યા હતા કે, એક રાષ્ટ્રવાદી સંગઠનને આતંકી સંગઠનો અને નક્સલી સમૂહો સાથે શા માટે સરખાવવામાં આવી રહ્યું છે.

વિવાદ વધતાં યુનિવર્સિટી પ્રશાસને સવાલ તૈયાર કરનારા પ્રોફેસર સીમા પંવાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. યુનિવર્સિટીએ તેમને પરીક્ષા અને મૂલ્યાંકનના કામમાંથી હટાવી દીધાં હતાં અને આજીવન એક્ઝામ ડ્યુટીમાંથી પ્રતિબંધિત કરી દીધાં હતાં. યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ધીરેન્દ્ર વર્માએ જણાવ્યું હતું કે, પ્રોફેસરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને લેખિતમાં માફી માંગી છે.
વધુમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, “યુનિવર્સિટી ક્યારેય વિભિન્ન સેક્ટરના નિયુક્ત તજજ્ઞ પ્રોફેસરો દ્વારા તૈયાર કરાયેલા પેપરોની સમીક્ષા કરતી નથી. કારણ કે, સ્વાભાવિક એવું માનવામાં આવે છે કે, તેમણે વિષયના વિશેષજ્ઞ હોવાના નાતે સ્થાપિત માપદંડો અનુસાર પેપર તૈયાર કર્યાં હશે. જોકે, આ ઘટના બાદ યુનિવર્સિટી બાહેંધરી આપે છે કે, ભવિષ્યમાં આવી ભૂલ બીજી વખત નહીં થાય.”