Wednesday, May 8, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કોંગ્રેસે મારો પૂરતો ઉપયોગ ન કર્યો’: જીત બાદ જીગ્નેશ મેવાણીએ બળાપો કાઢ્યો,...

    ‘કોંગ્રેસે મારો પૂરતો ઉપયોગ ન કર્યો’: જીત બાદ જીગ્નેશ મેવાણીએ બળાપો કાઢ્યો, પોતાનાં વખાણ પણ કરી લીધાં, કહ્યું- પાર્ટીએ આવું કેમ કર્યું એ સમજાતું નથી

    વિધાનસભા ચૂંટણીમાં વડગામ બેઠક પર કાંટાની ટક્કર બાદ જીગ્નેશ મેવાણી 4,928ની મામૂલી લીડથી જીત્યા હતા.

    - Advertisement -

    2017માં સત્તાની નજીક પહોંચી ગયેલી કોંગ્રેસ પાર્ટીએ આ ચૂંટણીમાં તેનું સૌથી ખરાબ પ્રદર્શન કરીને માત્ર 17 બેઠકો મેળવી. જે બેઠકો પર પાર્ટી આજદિન સુધી નહતી હારી ત્યાં પણ ઉમેદવારોએ હાર ચાખવી પડી. પાર્ટીના અમુક મોટા નેતાઓ પણ હારી ગયા. જોકે, જીગ્નેશ મેવાણીએ ગમે-તેમ કરીને સીટ બચાવી રાખી. પરંતુ હવે તેમણે પાર્ટી ઉપર આડકતરી રીતે બળાપો કાઢ્યો છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસે ચૂંટણીમાં તેમનો પૂરતો ઉપયોગ કર્યો ન હતો. 

    ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન મેવાણી કહે છે કે, “મને દ્રઢપણે લાગે છે કે મારો વધુ સારો ઉપયોગ થઇ શકતો હતો; મેં ઉમેદવારી કરી પછી જ નહીં એ પહેલાં પણ. મને એ નથી સમજાતું કે તેમની (કોંગ્રેસ) પાસે મારા જેવો ચહેરો હોય, જે લોકોની અપેક્ષાઓ પૂરી કરી શકે છે, જેની વિશ્વસનીયતા છે, જે સંપૂર્ણપણે ભાજપવિરોધી છે અને ફોલોઇંગ પણ જેનું સારું છે, તે કેમ આખા રાજ્યમાં સભાઓ ન કરી શકે? લોકો અને ખાસ કરીને દલિતોમાં ઉર્જાનો માહોલ બનાવવા માટે જનસભાઓ કરાવવી જોઈતી હતી.”

    કોંગ્રેસ પાર્ટીએ આત્મમંથન કરવાની જરૂર હોવાનું જણાવીને જીગ્નેશ મેવાણી આગળ કહે છે કે, “હું તો આ પદ પર નવો છું પરંતુ અમારે સાથે બેસીને ચર્ચા કરવી પડશે, નવી ઉર્જા સાથે નવી રણનીતિ અને યોજનાઓ લઈને લોકો પાસે જવું પડશે. અમારે મહોલ્લે-મહોલ્લે અને શહેરોમાં પણ જવાની જરૂર છે, બીજો કોઈ વિકલ્પ નથી.”

    - Advertisement -

    અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ પર રહી ચૂકેલા અને હવે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ તેઓ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે પાર્ટી ઉપર પોતાનો યોગ્ય ઉપયોગ કરવામાં ન આવી રહ્યો હોવાનું કહ્યું હતું. જેને લઈને પૂછવામાં આવતાં મેવાણીએ કહ્યું કે, હું પાર્ટીને દોષ આપવા નથી માંગતો. 

    કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણી 2017માં ઉત્તર ગુજરાતની વડગામ બેઠક પરથી અપક્ષ લડ્યા હતા અને જીત મેળવી હતી. જોકે, ત્યારે પણ કોંગ્રેસે તેમને આડકતરી રીતે સમર્થન આપ્યું જ હતું. તત્કાલીન કોંગ્રેસ MLA મણિલાલ વાઘેલાએ મેવાણી માટે બેઠક ખાલી કરી આપી હતી અને ઉમેદવારી કરી ન હતી. જોકે, આ ચૂંટણી પહેલાં મણિલાલ ભાજપમાં સામેલ થઇ ગયા હતા અને મેવાણી સામે લડ્યા હતા. 

    બંને વચ્ચે કાંટાની ટક્કર બાદ જીગ્નેશ મેવાણી 4,928ની મામૂલી લીડથી જીત્યા હતા. તેમને 48 ટકા જ્યારે ભાજપ ઉમેદવાર વાઘેલાને 45.51 ટકા મતો મળ્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં