Tuesday, July 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં ક્યારેય હારી ન હતી કોંગ્રેસ, ત્યાંથી પણ પંજો સાફ:...

  ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં ક્યારેય હારી ન હતી કોંગ્રેસ, ત્યાંથી પણ પંજો સાફ: બોરસદ, માંડવી, વ્યારા, ગરબાડા- તમામ બેઠકો પર ભગવો લહેરાયો

  આણંદની બોરસદ, સુરતની માંડવી, તાપીની વ્યારા અને પંચમહાલની ગરબાડા બેઠકો એવી છે, જ્યાં કોંગ્રેસ ક્યારેય હારી ન હતી, પરંતુ આ ચૂંટણીમાં પછડાટ ખાવી પડી છે. 

  - Advertisement -

  ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થઇ ગયાં છે. ગુજરાતની જનતાએ સત્તાની સુકાન ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના હાથમાં સોંપી છે અને રેકોર્ડ બેઠકો આપીને ઐતિહાસિક જીત અપાવી છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી સાવ પડી ભાંગીને 20ની નીચે આવી ગઈ છે. એમાં અમુક બેઠકો એવી પણ છે, જ્યાં પાર્ટી ક્યારેય હારી ન હતી. આમ આદમી પાર્ટીના હાથમાં કશું હતું પણ નહીં અને ગુમાવ્યું પણ નહીં તેવો ઘાટ થયો છે. 

  આ ચૂંટણીમાં કોંગ્રેસ પહેલેથી જ ઓછી સક્રિય રહી હતી, જેના કારણે પાર્ટીનું આવું પ્રદર્શન ખાસ આશ્ચર્યજનક લાગી રહ્યું નથી. પરંતુ પાર્ટીએ એવી બેઠકો પણ ગુમાવી દીધી છે, જ્યાં આજ સુધી તે હારી ન હતી. આણંદની બોરસદ, સુરતની માંડવી, તાપીની વ્યારા અને પંચમહાલની ગરબાડા બેઠકો એવી છે, જ્યાં કોંગ્રેસ ક્યારેય હારી ન હતી, પરંતુ આ ચૂંટણીમાં પછડાટ ખાવી પડી છે. 

  પિતા-પુત્ર માધવસિંહ સોલંકી અને ભરતસિંહ સોલંકીનો ગઢ કહેવાતી બેઠક પર આજે ‘કમળ’ ખીલ્યું 

  બોરસદ બેઠક હતી જ્યાં પહેલી વિધાનસભા ચૂંટણીને બાદ કરતાં આજદિન સુધી કોંગ્રેસ પાર્ટી સિવાયનો કોઈ પક્ષ ચૂંટાયો જ ન હતો. પરંતુ આજે આ ક્રમ તૂટી ગયો છે. અહીંથી ભાજપના રમણ સોલંકી સામે સીટિંગ MLA રાજેન્દ્રસિંહ પરમારે હાર ચાખવી પડી છે. આ એ જ રાજેન્દ્રસિંહ પરમાર છે, જેમની સભામાં ડાન્સરનો વિડીયો વાયરલ થયો હતો. 

  - Advertisement -

  અનેક મોટાં માથાં આ બેઠક પરથી લડીને વિધાનસભા પહોંચ્યા હતા. જેમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી, તેમના પુત્ર ભરતસિંહ સોલંકી અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો પણ સમાવેશ થાય છે. ભરતસિંહ આ બેઠક પરથી 3 ટર્મ જીતીને ધારાસભ્ય રહ્યા હતા, જ્યારે અમિત ચાવડા પણ 2 ટર્મ જીત્યા હતા. 

  પહેલી વખત આ બેઠક કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે અને ભાજપે ખાતું ખોલાવ્યું છે. અહીંથી ભાજપ ઉમેદવાર રમણભાઈ સોલંકીએ 11,165 મતોથી જીત મેળવી લીધી છે. 

  કોંગ્રેસ સિવાય કોઈ પાર્ટીની વાત થતી ન હતી, ભાજપે સિલસિલો તોડી નાંખ્યો 

  સુરતની માંડવી બેઠક પણ એવી છે, જ્યાં આજ સુધી કોંગ્રેસ હારી ન હતી. અહીં 1962, 1967 અને 1972માં કોંગ્રેસ ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ 1975થી 2007ના સીમાંકન સુધી આ બેઠક સોનગઢ બેઠકમાં આવતી હતી. ત્યારબાદ 2007માં ફરી માંડવી બેઠક અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ પણ અહીં કોંગ્રેસના જ ઉમેદવારો જીતતા આવ્યા હતા. અહીંથી 2007 અને 2012માં પ્રભુ વસાવા જીત્યા હતા, જેઓ પછીથી ભાજપમાં આવતાં 2014માં તેમને પાર્ટીએ બારડોલી બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી હતી, જ્યાંથી તેઓ વિજયી બન્યા હતા. ત્યારબાદ 2019માં પણ તેમને રિપીટ કરવામાં આવ્યા હતા. 

  અહીં કોંગ્રેસના આનંદ ચૌધરી ઉમેદવાર હતા. તેઓ છેલ્લી બે ટર્મથી જીતતા આવ્યા હતા, પરંતુ આ વખતે ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી દીધું છે. અહીં કુંવરજી હળપતિ વિજયી 18,109 મતોથી બન્યા છે. 

  પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી એક સમયે ચૂંટાયા હતા, આજે કોંગ્રેસ ત્રીજા ક્રમે આવી 

  દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા બેઠક પણ એક એવી જ બેઠક હતી, જ્યાં આજ સુધી ભગવો લહેરાયો ન હતો અને કોંગ્રેસ સિવાય કોઈ પક્ષ જીત્યો ન હતો. અહીં માત્ર 2 ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારો જીત્યા હતા. તે સિવાયની આજ સુધીની તમામ ચૂંટણીઓમાં કોંગ્રેસે જ જીત મેળવી હતી. 

  આ ક્રમ પણ આજે કોંગ્રેસ ઉમેદવાર પૂના ગામિતની હારથી તૂટી ગયો છે. અહીં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કોંકણીની 22,120 મતોથી જીત થઇ છે. અહીં કોંગ્રેસની હાર થઇ એટલું જ નહીં, પરંતુ પાર્ટી ત્રીજા ક્રમે રહી હતી. કોંગ્રેસ ઉમેદવાર પૂના ગામિત વર્ષ 2004થી આ બેઠક પરથી જીતતા હતા. ઉપરાંત, તે પહેલાં પૂર્વ સીએમ અમરસિંહ ચૌધરી અને તેમના પુત્ર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી પણ આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

  બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી કોંગ્રેસે પકડ જમાવી હતી, ભાજપે કિલ્લો નેસ્તાનાબૂદ કર્યો 

  ગરબાડા બેઠક 2008ના સીમાંકનમાં અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ અહીં 2 ચૂંટણીઓ થઇ હતી અને બંનેમાં કોંગ્રેસી ઉમેદવાર ચંદ્રિકાબેન બારિયાએ જીત મેળવી હતી. આ ક્રમ આ ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ભાભોરની જીત સાથે જ તૂટી ગયો છે અને પહેલી વખત અહીં ભગવો લહેરાયો છે. ભાજપ ઉમેદવારે 27,825 મતોથી જીત મેળવી હતી. 

  ભાજપની સુનામીમાં કોંગ્રેસ સુરક્ષિત બેઠકોમાંની એક ગણાતી મહુધા પણ ન બચાવી શકી 

  મહુધા બેઠક પણ એવી બેઠકોમાંથી એક છે, જ્યાં પહેલી વખત ભગવો લહેરાયો છે. અહીં 1975થી સતત કોંગ્રેસ પાર્ટી જ જીતતી આવી હતી અને પાર્ટીની સૌથી સુરક્ષિત બેઠકો પૈકીની એક માનવામાં આવી રહી હતી. 

  આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજયસિંહ મહિડાની 25,689 મતોના માર્જિનથી જીત થઇ છે. તેમની સામે કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય ઈંદ્રજિત પરમારને ટિકિટ આપી હતી. જેમનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ મુસ્લિમ વિસ્તારમાં જઈને તેમને ‘તમે મારા માટે અલ્લાહ સમાન છો’ તેમ કહીને દવાખાનું હિંદુ વિસ્તારમાં ન જવા દેવા માટેનું વચન આપ્યું હતું. 

  (પૂરક માહિતી સાભાર: રિતેશ મારફતિયા)

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં