આસામની (Assam) હિમંતા બિસ્વા સરમા સરકારે જાહેર સ્થળો તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાં ગૌમાંસ (Beef) પર પ્રતિબંધ લગાવી દીધા બાદ કોંગ્રેસ અને AIUDFના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે. કોંગ્રેસ (Congress) સાંસદ ગૌરવ ગોગોઈથી માંડીને બદરૂદ્દીન અજમલની AIUDFના નેતાઓ સરકારનો વિરોધ કરી રહ્યા છે. કોઈ આને RSSનો એજન્ડા ગણાવી રહ્યું છે તો કોઈ નિર્ણયને ઝારખંડ વિધાનસભા ચૂંટણી સાથે જોડી રહ્યું છે.
ગૌમાંસ પર પ્રતિબંધના આસામ સરકારના નિર્ણયને લઈને AIUDF ધારાસભ્ય રફીકુલ ઈસ્લામે કહ્યું, “મને લાગે છે કે આ બાબતનું બહુ મહત્વ નથી. બીજેપીએ ગોવા અને નોર્થ-ઈસ્ટમાં બીફ પર પ્રતિબંધ નથી લગાવ્યો, જ્યારે દરેક જગ્યાએ તેમની સરકાર છે, ત્યાં લોકો બીફ ખાય છે અને ખવડાવે છે… કોના ઘરમાં શું રાંધવામાં આવશે, કોણ શું ખાશે અને કોણ શું પહેરશે, એ નક્કી કરવું કેબિનેટનો વિષય નથી.”
બીજી તરફ, આ નિર્ણયથી ધૂઆંપૂઆં થઈ ગયેલા કોંગ્રેસ નેતા શરમન અલીએ એમ પણ કહી દીધું કે આસામની રાજ્ય સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડાને અનુસરી રહી છે. તેમણે આ નિર્ણયને બંધારણ પર હુમલો પણ ગણાવી દીધો હતો અને સાથે ભાજપ પર મુસ્લિમવિરોધી હોવાનો પણ આરોપ લગાવી દીધો. જ્યારે સાંસદ ગૌરવ ગોગોઈ આમાં ઝારખંડ વિધાનસભાની ચૂંટણીને વચ્ચે લઈ આવ્યા હતા.
After leading the BJP to a humiliating loss in Jharkhand, the Chief Minister of Assam is trying to camouflage his failure. Like the wise public of Jharkhand, the people of Assam will also punish the corruption, misrule and obscene wealth of the BJP leaders of Assam in the next…
— Gaurav Gogoi (@GauravGogoiAsm) December 4, 2024
આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈના પુત્ર અને સાંસદ ગૌરવ ગોગોઈએ કહ્યું, “ઝારખંડમાં ભાજપને કારમી હાર અપાવ્યા બાદ આસામના મુખ્યમંત્રી પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઝારખંડના સમજુ લોકોની જેમ આસામના લોકો પણ આગામી ચૂંટણીમાં રાજ્યના ભાજપના નેતાઓના ભ્રષ્ટાચાર, કુશાસન અને બિનહિસાબી સંપત્તિની સજા આપશે.” ઝારખંડ ચૂંટણીને અને આ નિર્ણયને શું લાગે-વળગે એ ગૌરવ ગોગોઈનું કોંગ્રેસી દિમાગ જ જાણે છે.
ઉલ્લેખનીય છે કે ગત બુધવારે (4 ડિસેમ્બર) આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જાણકારી આપતાં કહ્યું હતું કે, તેમની સરકાર રાજ્યભરમાં ગૌમાંસ પર પ્રતિબંધ મૂકવા જઈ રહી છે. જે અનુસાર, હોટેલ-રેસ્ટોરન્ટમાં ગૌમાંસ પીરસી શકાશે નહીં તેમજ સાર્વજનિક સ્થળોએ પણ પ્રતિબંધ લાગુ રહેશે. તેમણે જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો હતો, હવે તેઓ એક ડગલું આગળ ભરી રહ્યા છે.
આસામ સીએમએ એમ પણ જણાવ્યું હતું કે, શરૂઆતમાં સરકાર મંદિરો અને ધાર્મિક સ્થળોના પાંચ કિલોમીટર વિસ્તારમાં બીફ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી હતી, પરંતુ હવે નિર્ણય સમગ્ર આસામમાં લાગુ કરવામાં આવી રહ્યો છે. આ નિર્ણય બાદ કોંગ્રેસ અને AIUDFના નેતાઓ વિરોધ કરી રહ્યા છે.