છત્તીસગઢના બીજાપુરમાં ટીવી પત્રકાર મુકેશ ચંદ્રાકરની (Mukesh Chandrakar) હત્યા કરી નાખવામાં આવ્યા બાદ એક તરફ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે ત્યાં પ્રશાસન પણ એક્શનમાં આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, આરોપી કોન્ટ્રાક્ટરે ગેરકાયદેસર રીતે તાણી બાંધેલાં બાંધકામો ચિહ્નિત કરવામાં આવી રહ્યાં છે અને તેમની વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ, કેસની ઝડપી તપાસ માટે એક SITની રચના કરવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે.
અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે બુલડોઝર એક્શન સિવાય આરોપી સુરેશ ચંદ્રાકરના ત્રણ બેંક ખાતાં પણ સીઝ કરી દેવામાં આવ્યા છે. હાલ પ્રશાસન તેના ગેરકાયદેસર બાંધકામોને ચિહ્નિત કરીને તે જગ્યાને સમતળ કરવાનું કાર્ય કરી રહ્યું છે.
કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે, મુખ્ય આરોપી સુરેશ ચંદ્રાકાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.
કેસની વધુ વિગતો એવી છે કે, તાજેતરમાં જ પત્રકાર મુકેશ ચંદ્રાકરે કોન્ટ્રાક્ટર સુરેશની પોલ ઉઘાડી કરી હતી. સુરેશને બસ્તરમાં 120 કરોડના રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. પરંતુ પત્રકારે તેના પર ભ્રષ્ટાચારના આરોપો લગાવતા સમાચાર ચલાવ્યા બાદ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આખા ઘટનાક્રમ બાદથી પત્રકારની કોઈ ભાળ નહોતી મળી રહી. પરિજનો અને પરિચિતો સતત તેને શોધી રહ્યા હતા. ત્યારબાદ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. પોલીસની શોધખોળ દરમિયાન કોન્ટ્રકટરને ત્યાંથી એક સેપ્ટિક ટેન્કમાંથી મુકેશની લાશ મળી આવી હતી.
बीजापुर में पत्रकार मुकेश चंद्रकार जी के हत्या के आरोपी कांग्रेस नेता और ठेकेदार सुरेश चंद्राकर के अवैध निर्माणों पर सुशासन का बुलडोजर चला है।
— Kiran Singh Deo (@KiranDeoBJP) January 4, 2025
माननीय मुख्यमंत्री श्री @vishnudsai जी ने आरोपियों पर कड़ी से कड़ी कार्रवाई करने के सख्त निर्देश दिए हैं, एक भी आरोपी बख्शा नहीं जाएगा। pic.twitter.com/oiKWJwHou6
મુખ્યમંત્રીએ કહ્યું હતું- કોઈને નહીં બક્ષવામાં આવે
બીજી તરફ આ ઘટનાના છેક ઉપર સુધી પડઘા પડ્યા હતા. પત્રકાર મુકેશ ચંદ્રાકર હત્યા મામલે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાયે મોટું નિવેદન આપતા કહ્યું હતું કે, કેસમાં એક પણ આરોપીને બક્ષવામાં નહીં આવે. તેમણે વચન આપ્યું હતું કે વહેલામાં વહેલી તકે તમામ જવાબદારોની ધરપકડ કરી લેવામાં આવશે અને તેમને આકરામાં આકરી સજા પણ ફટકારવામાં આવશે. બીજી તરફ સીએમ સાયે પીડિત પરિવાર પ્રત્યે સંવેદનાઓ પણ વ્યક્ત કરી હતી.
કોણ હતા પત્રકાર અને શું હતી આખી ઘટના
નોંધનીય છે કે મુકેશ ચંદ્રાકર NDTV સહીત અનેક સમાચાર ચેનલો સાથે સંકળાયેલા હતા અને ઘણા લાંબા સમયથી પત્રકારત્વ કરી રહ્યા હતા. મેઈનસ્ટ્રીમ મીડિયા ઉપરાંત તેઓ ‘બસ્તર જંકશન’ નામની એક યુટ્યુબ ચેનલ ચલાવતા હતા. તેમની ગણતરી વિસ્તારના બાહોશ અને નીડર પત્રકારોમાં થતી હતી. વર્ષ 2011માં એક નક્સલી હુમલામાં તેમના પ્રયાસોથી કોબરા કમાન્ડો રાકેશ્વર સિંઘને મુક્ત કરવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં 22 સુરક્ષાકર્મીઓ વીરગતિ પામ્યા હતા, જોકે પત્રકાર મુકેશ ચંદ્રાકરના પ્રયાસોના કારણે જ અધિકારીનો જીવ બચી શક્યો હતો અને આ માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
બસ્તરના IG સુંદરરાજે આ મામલે જણાવ્યું હતું કે, ફરિયાદ મળ્યા બાદ ગુમ થયેલા પત્રકારની ભાળ મેળવવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. તેમનું છેલ્લું લોકેશન ચટ્ટનપારામાં કોન્ટ્રાકટર સુરેશ ચંદ્રાકરના ઘર પર મળ્યું હતું. જે બાદ પોલીસે તે દિશામાં તપાસ કરતાં કોન્ટ્રાકરના ઘરમાંથી એક સેપ્ટિક ટેન્ક મળી આવી હતી, જેને પોલીસે સીલ કરી હતી અને ટેન્કને તોડ્યા બાદ તેમાંથી પત્રકારનો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે અને ઘટનાને લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે કે, મુકેશની હત્યા તાજેતરમાં જ તેમણે રોડ નિર્માણ કૌભાંડ મામલે લખેલી સ્ટોરી સાથે જોડાયેલી છે કે કેમ.