છત્તીસગઢ પોલીસે (Chhattisgarh) બસ્તરના (Bastar) જાણીતા પત્રકાર મુકેશ ચંદ્રાકરની (Mukesh Chandrakar) હત્યા મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓમાં એક સ્થાનિક કોન્ટ્રાકટર હોવાનું સામે આવ્યું છે. 1 જાન્યુઆરીથી ગુમ થયેલા પત્રકારનો મૃતદેહ બીજાપુરના એક રોડ કોન્ટ્રાકટરના ઘરેથી સેપ્ટિક ટેન્કમાં મળી આવ્યો હતો. ઘટના બાદ છત્તીસગઢનું રાજકારણ પણ ગરમાયું છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે, આરોપી કોન્ટ્રાકટર કોંગ્રેસ સાથે સંકળાયેલો છે અને અનેક મોટા નેતાઓ સાથે તેની સાંઠગાંઠ છે. બીજી તરફ, મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની ટીકા કરી છે અને કડક કાર્યવાહીની બાહેંધરી આપી છે.
ઘટનાની વિગતો અનુસાર, 28 વર્ષીય મુકેશ ચંદ્રાકર ટેલિવિઝન પત્રકાર હતા. તેઓ NDTV અને અન્ય અમુક ચેનલો માટે બસ્તર વિસ્તારથી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હતા. આ ઉપરાંત તેઓ યુટ્યુબ ચેનલ પણ ચલાવતા હતા. 1 જાન્યુઆરી, 2025ના રોજથી તેઓ ગુમ થઈ ગયા હતા, જે બાદ તેમના ભાઈએ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. ગુમ થયાના ત્રણ દિવસ બાદ તેમનો મૃતદેહ મળી આવ્યો.
સ્થાનિક કોન્ટ્રાકટરના ભાઈનો આવ્યો ફોન અને ગુમ થયા પત્રકાર
માહિતી અનુસાર, 1 જાન્યુઆરીના રોજ બીજાપુરના કોન્ટ્રાકટર સુરેશ ચંદ્રાકરના ભાઈનો ફોન આવ્યા બાદ મુકેશ ગુમ થઈ ગયા હતા. મૃતકે રાયપુરના એક અન્ય પત્રકારને ફોન આવ્યાની ઘટના વિશે જાણ પણ કરી હતી અને એવું પણ કહ્યું હતું કે, કોન્ટ્રાકટરનો ભાઈ તેમને મળવા માંગે છે. પોલીસના જણાવ્યા અનુસાર, કેલેન્ડર વર્ષના પહેલા દિવસે રાત્રે લગભગબ 12:30 કલાકે તેમનો ફોન બંધ થઈ ગયો હતો, જે બાદ તેઓ ગુમ થઈ ગયા હતા. મુકેશના ગુમ થયા બાદ તેમના ભાઈ યુકેશે 2 જાન્યુઆરીના રોજ પોલીસ ફરિયાદ પણ દાખલ કરી હતી.
બસ્તરના IG સુંદરરાજે જણાવ્યું છે કે, ફરિયાદ મળ્યા બાદ ગુમ થયેલા પત્રકારની ભાળ મેળવવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી હતી. તેમનું છેલ્લું લોકેશન ચટ્ટનપારામાં કોન્ટ્રાકટર સુરેશ ચંદ્રાકરના ઘર પર મળ્યું હતું. જે બાદ પોલીસે તે દિશામાં તપાસ કરતાં કોન્ટ્રાકરના ઘરમાંથી એક સેપ્ટિક ટેન્ક મળી આવી હતી, જેને પોલીસે સીલ કરી હતી અને ટેન્કને તોડ્યા બાદ તેમાંથી પત્રકારનો મૃતદેહ મળી આવ્યો હતો.
રોડ નિર્માણ કૌભાંડને ઉજાગર કરવા મામલે હત્યા થઈ હોવાની આશંકા
SP જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, સુરેશ ચંદ્રાકર સહિતના ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે અને ઘટનાને લઈને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે કે, મુકેશની હત્યા તાજેતરમાં જ તેમણે રોડ નિર્માણ કૌભાંડ મામલે લખેલી સ્ટોરી સાથે જોડાયેલી છે કે કેમ. નોંધવા જેવું છે કે, મુકેશે તાજેતરમાં જ બીજાપુરમાં કથિત રોડ નિર્માણ કૌભાંડ પર રિપોર્ટ લખ્યો હતો. જેના કારણે અધિકારીઓએ કેટલાક કોન્ટ્રાકટરની તપાસ પણ કરી હતી. પોલીસને આશંકા છે કે, તેમની હત્યા આ રિપોર્ટ સાથે જોડાયેલી હોય શકે છે.
2021માં એક આર્મી ઓફિસરને નક્સલીઓના સંકજામાંથી બચાવવામાં હતું મહત્વનું યોગદાન
નોંધવા જેવું છે કે, એપ્રિલ 2021માં પત્રકાર મુકેશ ચંદ્રાકરને રાજ્ય પોલીસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સન્માન આપવા પાછળનું કારણ એક આર્મી ઓફિસરને નક્સલીઓની પકડમાંથી બચાવવાનું હતું. 2021માં CRPF કોબરા કમાન્ડો રાકેશ્વર સિંઘ મન્હાસને કેટલાક નક્સલવાદીઓએ પડકી પાડ્યા હતા અને તેમનું અપહરણ કરી લીધું હતું. જે બાદ તેમને છોડાવવા માટે પત્રકાર મુકેશે ખૂબ મોટો ફાળો આપ્યો હતો. રાજ્ય સરકારે પણ તેમની આ કાર્યવાહીને બિરદાવી હતી.
‘આરોપીઓને કોઈ કાળે છોડવામાં નહીં આવે’- છત્તીસગઢના મુખ્યમંત્રી
આ સમગ્ર ઘટનાને લઈને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે કહ્યું છે કે, આરોપીઓને કોઈ કાળે છોડવામાં નહીં આવે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે, “બીજાપુરના યુવા અને સમર્પિત પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને હ્રદયદ્રાવક છે. મુકેશનું જવું પત્રકાર જગત અને સમાજ માટે એક કાયમી ખોટ છે. આ ઘટનાના આરોપીઓને કોઈ કાળે છોડવામાં નહીં આવે.”
बीजापुर के युवा और समर्पित पत्रकार मुकेश चंद्राकर जी की हत्या का समाचार अत्यंत दु:खद और हृदयविदारक है।
— Vishnu Deo Sai (@vishnudsai) January 3, 2025
मुकेश जी का जाना पत्रकारिता जगत और समाज के लिए एक अपूरणीय क्षति है।
इस घटना के अपराधी को किसी भी हाल में बख्शा नहीं जाएगा। अपराधियों को जल्द से जल्द गिरफ्तार कर कड़ी से कड़ी…
તેમણે વધુમાં કહ્યું કે, “આરોપીઓને વહેલી તકે પકડી પાડીને કડકમાં કડક સજા આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ઈશ્વરને પ્રાર્થના છે કે, દિવંગત આત્માને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખની ઘડીને સહન કરવાની ક્ષમતા આપે.”
‘આરોપી કોન્ટ્રાકટર કોંગ્રેસનો મોટો નેતા’- ભાજપ
બીજી તરફ આ ઘટનાને લઈને રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસે આ ઘટનાને લઈને ભાજપ પર સવાલ ઉઠાવ્યા છે અને સુરક્ષા વ્યવસ્થાની વાતો કરી છે. પરંતુ બીજી તરફ ભાજપે આરોપ લગાવ્યો છે કે, આ ઘટનાનો આરોપી કોન્ટ્રાકટર કોંગ્રેસ સાથે જોડાયેલો છે. ભાજપના IT સેલના ઇન્ચાર્જ અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ આરોપો લગાવ્યા છે. આ સાથે તેમણે ઘણા મીડિયા રિપોર્ટ્સના સ્ક્રીનશોટ પણ શૅર કર્યા છે, જેમાં આરોપી કોન્ટ્રાકટર સુરેશ ચંદ્રાકરને કોંગ્રેસમાં મોટી જવાબદારી મળી હોવાના અહેવાલ છે.
ठेकेदार, जिस पर पत्रकार की हत्या का इल्ज़ाम है, उसका नाम सुरेश चंद्राकर है।
— Amit Malviya (@amitmalviya) January 3, 2025
सुरेश चंद्राकर कांग्रेस का बड़ा नेता है, जिसे हर चुनाव में कांग्रेस की तरफ से बड़ी ज़िम्मेदारियाँ सौंपी जाती हैं।
कांग्रेस के वर्तमान प्रदेश अध्यक्ष दीपक बैज के साथ आरोपी। https://t.co/wU1tTNGfpQ pic.twitter.com/pGIpkkqghp
અમિત માલવિયાએ પોસ્ટમાં લખ્યું છે કે, “કોન્ટ્રાકટર, જેના પર પત્રકારની હત્યાનો આરોપ છે, તેનું નામ સુરેશ ચંદ્રાકર છે. સુરેશ ચંદ્રાકર કોંગ્રેસનો મોટો નેતા છે, જેને દરેક ચૂંટણી વખતે કોંગ્રેસ તરફથી મોટી જવાબદારી આપવામાં આવે છે.” આ સાથે જ તેમણે કોંગ્રેસના વર્તમાન પ્રદેશ અધ્યક્ષ દિપક બૈજ સાથેના આરોપીઓના ફોટા પણ શૅર કર્યા છે.