Wednesday, January 22, 2025
More
    હોમપેજદેશમહામારી સમયે PPE કીટ ખરીદવામાં ભ્રષ્ટાચાર, કેન્દ્રની યોજનાઓના અમલીકરણમાં લાલિયાવાડી, માળખાગત સુવિધાઓનો...

    મહામારી સમયે PPE કીટ ખરીદવામાં ભ્રષ્ટાચાર, કેન્દ્રની યોજનાઓના અમલીકરણમાં લાલિયાવાડી, માળખાગત સુવિધાઓનો અભાવ: CAGના રિપોર્ટથી ખુલી ‘કેરળ મોડેલ’ની પોલ

    ઑડિટમાં એવું પણ સામે આવ્યું હતું કે જિલ્લા અને તાલુકા હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેસવાની સુવિધા, શૌચાલય, પીવાનું પાણી, રેમ્પ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. તમામ સ્તરે હોસ્પિટલોમાં મંજૂર જગ્યાઓ સામે ડોકટરો, નર્સો, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયનની પણ અછત છે.

    - Advertisement -

    ગવર્નન્સ મોડેલની વાત આવે ત્યારે વામપંથીઓ કાયમ ‘કેરળ મોડેલ’ (Kerala Model) વચ્ચે લઈ આવતા હોય છે. શિક્ષણથી માંડીને સ્વાસ્થ્ય અને અન્ય સેક્ટરોમાં પણ કેરળ કેટલું આગળ છે એ ધરાર સાબિત કરવાના પ્રયાસ થતા રહે છે. ખાસ કરીને મુખ્યમંત્રી રહેતાં નરેન્દ્ર મોદીએ ગુજરાતનો જે વિકાસ કર્યો હતો તેના કારણે રાષ્ટ્રીય સ્તરે ‘ગુજરાત મોડેલ’ ચર્ચામાં આવ્યું પછી સામેથી આ ‘કેરળ મોડેલ’ ઊભું કરવામાં આવ્યું, જ્યાં વર્ષોથી ડાબેરીઓનું શાસન રહ્યું છે. પરંતુ કોરોના મહામારી સમયે આ મોડેલ વાસ્તવમાં કેવુંક છે એ આખા દેશે જોયું. આ જ મહામારી દરમિયાન કેરળ સરકારે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં ભયંકર લાલિયાવાડી રાખી હોવાનું તાજેતરમાં CAGના એક રિપોર્ટમાં સામે આવ્યું હોવાનું કહેવાય છે.

    કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલે (CAG) વર્ષ 2016થી 2022 કેરળમાં દરમિયાન પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વાસ્થ્ય સેવાઓના સંચાલન ઉપર એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જે મંગળવાર 21 જાન્યુઆરીએ કેરળ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો. વર્ષ 2016થી 2022નો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલમાં કોવિડ-19 મહામારી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આચરવામાં આવેલી અમુક નાણાકીય ગેરરીતિઓ સામે આવી છે. એક તરફ રાજ્ય સરકાર તેની આરોગ્ય સેવાઓની પ્રશંસા કરી રહી છે અને બીજી તરફ CAGએ આપેલો આ અહેવાલ કેરળમાં આરોગ્ય વિષયક સુવિધાઓની અછત દર્શાવી રહ્યો છે.

    CAGના અહેવાલ અનુસાર પિનારાઈ વિજયનની સરકારે કોરોના મહામારી દરમિયાન PPE કીટ ખરીદવામાં ગોટાળો કર્યો હતો, જેના કારણે રાજ્ય સરકારને ₹10 કરોડનો વધુ ખર્ચ થયો. આ અહેવાલમાં ઉલ્લેખ છે કે કેરળ મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનએ લિમિટેડએ (KMSCL) 15,000 PPE કીટ્સ ખરીદવા માટે મેસર્સ સન ફાર્માને ખરીદી કિંમતના 100 ટકા- ₹2.32 કરોડ એડવાન્સ ચૂકવી દીધા હતા.

    - Advertisement -

    300% વધુ કિંમત આપીને PPE કીટ ખરીદી

    રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આ એડવાન્સ ચૂકવણી એ સ્ટેટ લેવલ ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપના (SLCMG) 50 ટકા એડવાન્સ ચૂકવણીના નિર્દેશનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. આ સિવાય એક PPE કીટના ₹1,550 ચૂકવવામાં આવ્યા હતા જે કોઈપણ સપ્લાયર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી કિંમત કરતાં સૌથી વધુ કિંમત હતી. સરકારે ₹545 એક કીટ માટે મંજૂર કર્યા હતા તેના કરતાં 300% વધુ કિંમત આપીને કીટ ખરીદવામાં આવી, જે મામલે CAGએ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

    એવું સામે આવ્યું હતું કે સપ્લાયર્સે ઓછા ભાવે PPE કીટ પૂરી પાડવાની ઓફર કરી હતી છતાં KMSCLએ ઊંચા ભાવે PPE કીટ આપતી કંપનીઓ પાસેથી ખરીદી કરી હતી, જેના પરિણામે ₹10.23 કરોડનો વધારાનો ખર્ચ થયો. રિપોર્ટમાં ટાંકવામાં આવ્યું છે કે મેસર્સ અનિતા ટેક્સકોટ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે ₹550ના ભાવે PPE કીટ સપ્લાય કરવાની ઓફર કરી હતી. પરંતુ KMSCLએ ફર્મને ફક્ત 10,000 કીટનો ઓર્ડર આપ્યો હતો. જોકે આ ઓર્ડર પણ લેટ ડિલિવરી બહાને કેન્સલ કરી દેવામાં આવ્યો હતો.

    જ્યારે બીજી તરફ અન્ય સપ્લાયર્સ જે પ્રતિ યુનિટ ₹800થી ₹1,550ની વચ્ચેની વેચાણ કિંમત આપી તેમને 15,000-200,000 કીટ સુધીના મોટા ઓર્ડર આપવામાં આવ્યા હતા. તથા આ સપ્લાયર્સને કોઈ પણ દંડ વિના લેટ ડિલીવરીને પણ મંજૂર કરવામાં આવી હતી. ત્યારે આ મામલા સામે આવતાં વિપક્ષ કેરળ સરકાર પર નિશાનો સાધી રહ્યો છે.

    વિધાનસભામાં વિપક્ષના નેતા વી.ડી. સતીષને કહ્યું હતું કે આ અહેવાલ મહામારી દરમિયાન મોટાપાયે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ જણાવે છે. સતીશને પ્રેસ રિલીઝમાં કહ્યું, “રિપોર્ટ પુષ્ટિ કરે છે કે સરકારે મહામારીનો ઉપયોગ જીવનને પ્રાથમિકતા આપવાને બદલે ભ્રષ્ટાચાર કરવા માટેની એક તક તરીકે કર્યો. મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન કેકે શૈલજાએ લોકોને જવાબ આપવાની જરૂર છે.”

    PMJAYના અમલીકરણમાં પણ વિલંબ

    અહેવાલ અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ લાભાર્થીઓને વીમા પોલીસની ચૂકવણીમાં પણ અતિશય વિલંબ જોવા મળ્યો હતો. PMJAYના અમલીકરણમાં મદદ કરવા માટે જિલ્લા અમલીકરણ એકમ અને રાજ્ય સ્તરે છેતરપિંડી વિરોધી, તબીબી ઑડિટ અને તકેદારી માટે જિલ્લા સ્તરના અધિકારીઓ સાથે સંયુક્ત એકમની રચના પણ નહોતી કરવામાં આવી. જનની સુરક્ષા યોજના અને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવેલા લાભાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી.

    આ સિવાય ઑડિટમાં એવું પણ સામે આવ્યું હતું કે જિલ્લા અને તાલુકા હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેસવાની સુવિધા, શૌચાલય, પીવાનું પાણી, રેમ્પ જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. તમામ સ્તરે હોસ્પિટલોમાં મંજૂર જગ્યાઓ સામે ડોકટરો, નર્સો, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયનની પણ અછત છે. રાજ્યના 14 જિલ્લાઓમાંથી બે જિલ્લામાં ડૉક્ટર-વસ્તી ગુણોત્તર સૌથી પ્રતિકૂળ હતો. આ ઉપરંત 14માંથી 13 જિલ્લાઓમાં માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરોની અછત 3થી 33% ટકા સુધીની છે તેવું પણ CAGનો અહેવાલ જણાવે છે.

    અપૂરતી માળખાગત સુવિધાઓ

    આ ઉપરાંત આર્દ્રમ મિશન હેઠળનાં કૌટુંબિક આરોગ્ય કેન્દ્રો પણ અપૂરતી માળખાગત સુવિધાઓ અને માનવશક્તિના અભાવે લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયાં હોવાનું અહેવાલ જણાવે છે. ઓડિટ રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે IPHS દ્વારા ફરજિયાત કરવામાં આવેલી આવશ્યક સેવાઓ પણ ઘણી હોસ્પિટલોમાં ઉપલબ્ધ નહોતી. અપૂરતી પેથોલોજીકલ સેવાઓ અને મહત્વપૂર્ણ તબીબી ઉપકરણોની ખરીદી અને જાળવણીમાં વિલંબને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ, જેના કારણે દર્દીઓ આવશ્યક નિદાન અને સારવારથી વંચિત રહ્યા.

    CAGએ એ નીતિની પણ ટીકા કરી હતી જે અનુસાર માત્ર 10% જ દવાઓની ગુણવત્તા તપાસવામાં આવતી હતી જેના કારણે મહત્વપૂર્ણ દવાઓની સલામતી સુનિશ્ચિત કરવામાં ભૂલો થઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય યોજનાઓનો અમલ અસંતોષકારક હોવાનું જણાયું હતું. આ સિવાય એવું પણ સામે આવ્યું હતું કે લાઇસન્સ વિનાની બ્લડ બેન્કો અને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડની મંજૂરી વિના રેડિયોગ્રાફિક સાધનોના સંચાલનના મામલા પણ સામે આવ્યા હતા.

    વધુમાં, હાલની બાયોમેડિકલ કચરાના નિકાલની સુવિધાઓ પણ ગંભીર હાલતમાં હતી. એક તરફ કેરળ રાજ્ય સરકાર સતત પોતાને જાહેર આરોગ્યના શ્રેષ્ઠ મોડલ તરીકે રજૂ કરે છે ત્યારે બીજી તરફ CAG રિપોર્ટ આનાથી સંપૂર્ણ વિપરીત પરિસ્થિતિનું વર્ણન કરી રહ્યો છે.

    આ મામલે પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ બચાવ કરતાં PPE કીટ મામલેના તમામ આરોપો નકારી દીધા છે અને કહ્યું કે, પુરવઠાની અછતના કારણે PPE કીટ ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે, જ્યારે અછત હતી ત્યારે ભાવ વધી ગયા હતા, જેથી અમુક કીટ ઊંચા ભાવે ખરીદવી પડી હતી. આગળ કહેવામાં આવ્યું કે, લાખો કીટ ખરીદવામાં આવી હતી, પણ તેમાંથી બહુ ઓછી ઊંચા ભાવે ખરીદવામાં આવી છે. આવા સમયે આ પ્રકારના નિર્ણયો લેવા પડતા હોય છે તેવું તેમનું કહેવું છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં