છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગેરકાયદેસર દબાણોને હટાવવા માટેની પ્રક્રિયા તેજ થયેલી જોવા મળે છે. અમદાવાદથી લઈને દ્વારકા અને ગીર સોમનાથમાં પણ અનેક વખત ગુજરાત સરકારનું બુલડોઝર ચાલી ચૂક્યું છે. ત્યારે હવે સમાચાર સામે આવ્યા છે કે, ગીર સોમનાથમાં (Gir Somnath) આવેલા ઉનામાં (Una) પણ દાદાનું બુલડોઝર (Bulldozer Action) ફરી વળ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, ઉનાના સનખડા ગામમાં આવેલી લગભગ 500 વીઘાં જમીન પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તમામ જમીન ગૌચરને ફાળવવામાં આવી હતી, જ્યાં છેલ્લાં ઘણાં વર્ષોથી ગેરકાયદેસર દુકાનો અને વસાહતો સ્થાપી દેવામાં આવી હતી.
ઊનામાં ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર.
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) January 2, 2025
ઉનાના સનખડા ગામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું.
ગૌચરની જમીન પર કરેલા દબાણ ઉપર તંત્ર બુલડોઝર ફરી વળ્યું.#Una #Bulldozer #CMBhupendrapatel pic.twitter.com/p9v989eoWp
મળતી માહિતી અનુસાર, ગૌચરની જમીન પર કરવામાં આવેલા દબાણને લઈને અગાઉ ગ્રામ પંચાયતે રજૂઆત પણ કરી હતી. રજૂઆતના થોડા જ સમયમાં જિલ્લા કલેક્ટરના આદેશ બાદ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હજુ પણ ઘણા સમય સુધી ઉનામાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવે તેવા અહેવાલ છે.
ભારે સુરક્ષા વચ્ચે હાથ ધરાઈ કાર્યવાહી
ઉનાના સનખડા ગામની ગ્રામ પંચાયતની રજૂઆત બાદ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે 500 વીઘાંની સરકારી ગૌચરની જમીન ખાલી કરાવવા માટેના આદેશ આપ્યા હતા. જેના પગલે જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગામમાં પહોંચ્યા હતા અને ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી. 2 જાન્યુઆરીના રોજ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહી ત્રણ દિવસ સુધી ચાલશે તેવા અહેવાલ સામે આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગામના છેડે આવેલી દુકાનો પર બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધવા જેવું છે કે, સપ્ટેમ્બર, 2023માં પણ વહીવટીતંત્રે પવિત્ર યાત્રાધામ સોમનાથ મંદિરના આસપાસના વિસ્તારોમાં દબાણ હટાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ગીર સોમનાથમાં તે અત્યાર સુધીની સૌથી મોટી ડિમોલિશન ડ્રાઈવ હતી. આ સમગ્ર ઑપરેશનમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 1500 પોલીસકર્મીઓ ખડેપગે રહ્યા તો 36 બુલડોઝર અને 70 ટ્રેકટર ટ્રોલીઓનો ઉપયોગ થયો હતો.
ડિમોલિશન ડ્રાઈવ દરમિયાન અમુક ઇદગાહ, મસ્જિદ જેવાં અમુક મઝહબી બાંધકામો પણ હટાવવામાં આવ્યાં હતા. જેના કારણે વિરોધ કરવા માટે સ્થાનિક મુસ્લિમોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં, પરંતુ પ્રશાસને કડક હાથે કામ લઈને સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું હતું અને ડિમોલિશનનું કામ સુપેરે પાર પાડ્યું હતું. આ મામલે અમુકની અટકાયત કરવામાં આવી હોવાના પણ સમાચાર સામે આવ્યા હતા.