દેવભૂમિ દ્વારકામાં (Devbhumi Dwarka) ફરી બુલડોઝર કાર્યવાહી (Bulldozer Action) હાથ ધરવામાં આવી છે. વહીવટીતંત્રે તમામ ગેરકાયદેસર મઝહબી બાંધકામોને જમીનદોસ્ત કરી દીધા છે. જાણવા મળી રહ્યું છે કે, 12 જેટલી દરગાહ, (Dargah) મદરેસા અને મસ્જિદોને (Masjid)તોડી પાડવામાં આવી છે. જોકે, આ પહેલાં પણ સરકારે બુલડોઝર કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ તેની વિરુદ્ધ વક્ફ બોર્ડે ડિમોલિશન પર રોક લગાવવા માટેની અરજીઓ કોર્ટમાં દાખલ કરી દીધી હતી. જેના કારણે તે કાર્યવાહી પૂર્ણ થઈ શકી નહોતી. જ્યારે હવે ગુજરાત હાઇકોર્ટે બેટ ભદેલા મુસ્લિમ જમાત ટ્રસ્ટની તમામ અરજીઓ ફગાવી દીધી છે. ત્યારબાદ તરત જ સરકારે ફરી બુલડોઝર મોકલીને તમામ ગેરકાયદે મઝહબી બાંધકામો તોડી પાડ્યા છે.
ગુજરાત હાઇકોર્ટના જજ મૌના ભટ્ટે પોતાના નિર્ણયમાં કહ્યું છે કે, અરજીઓની કોઈ યોગ્યતા નથી. તેથી તેના પર કોઈ વિચાર કરવાની જરૂર નથી. હાઇકોર્ટે પોતાના આદેશમાં પહેલાં આપેલી રાહતને પણ ફગાવી દીધી છે. હાઇકોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધા બાદ સરકારે તરત જ કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને જેટલી પણ ગેરકાયદે દરગાહ કે મસ્જિદો હતી, તે તમામને તોડી પાડી હતી. સ્થાનિક પ્રશાસનની સાથે મોટી સંખ્યામાં સુરક્ષાદળ પણ સાથે રહ્યા હતા.
Gujarat High Court rejects petition claiming illegal religious encroachments in Balapar village of Bet Dwarka as property of Waqf Board
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 4, 2025
Gujarat Govt has immediately started demolishing all illegal dargah and mosques with bulldozers pic.twitter.com/iX3fW1HglE
બેટ દ્વારકાના બાલાપર ખાતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાલાપરની સરકારી ગૌચરની જમીન પર કરવામાં આવેલા મઝહબી બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી 1.75 કરોડની 6500 ચોરસ મીટર જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. નોંધવા જેવું છે કે, હાઇકોર્ટનો સ્ટે હટ્યા બાદ ગણતરીના કલાકોમાં જ આ કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી હતી. પહેલાં મુસ્લિમ પક્ષ તરફથી તે જમીન વક્ફની હોવાનું કહીને કાર્યવાહી પર રોક લગાવવાની અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. જે બાદ હાઇકોર્ટનો સ્ટે ઓર્ડર આવ્યો હતો, જેના કારણે તે બાંધકામો દૂર કરી શકાયા નહોતા. જ્યારે હવે હાઇકોર્ટે વક્ફની તમામ અરજીઓ ફગાવી દીધા બાદ સ્ટે ઓર્ડર પરત ખેંચી લેતા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
‘તે જમીન સરકારી અથવા તો ગૌચર જમીન છે’- સરકાર
સરકારે હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રાખતા કહ્યું હતું કે, વિચારાધીન જમીન સરકારી જમીન અથવા તો ગૌચર ભૂમિ છે. અરજદાર, એટલે કે, બેટ ભદેલા મુસ્લિમ જમાતનું આ જમીન પર કોઈ સ્વામિત્વ, અધિકાર કે હિત નથી. સરકારી ઠરાવ સ્પષ્ટ રીતે ઘોષિત કરે છે કે, કોઈપણ ચોક્કસ હેતુ માટે ફાળવવામાં આવેલી જમીન માત્ર રાજ્ય સરકારની માલિકીની છે. તે કોઈ પણ સમિતિ, ટ્રસ્ટ કે વક્ફને આવી જમીન તેમના નામે ટ્રાન્સફર કરવાથી પણ અટકાવે છે. સરકારી વકીલે રજૂઆત કરી હતી કે, અતિક્રમણ દૂર કરવાનું અભિયાન તબક્કાવાર રીતે હાથ ધરવામાં આવી રહ્યું છે.
આ સાથે વકીલે તે પણ સ્પષ્ટ કર્યું છે કે, 23 ડિસેમ્બર, 2024થી 29 ડિસેમ્બર 2024 સુધી દ્વારકામાંમાં ચરણ-1 દરમિયાન ઘણા બાંધકામો જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ સાથે એવું પણ કહ્યું છે કે, ઘણા બાંધકામો બહુસંખ્યક સમુદાયના પણ હતા. સાથે વકીલે કહ્યું કે, 3 જાન્યુઆરી, 2025થી 17 જાન્યુઆરી, 2025 સુધીના બીજા ચરણમાં પણ ઘણા બાંધકામો ધ્વસ્ત કરવામાં આવ્યા છે અને 18 જાન્યુઆરીથી તેનું ત્રીજું ચરણ ચાલી રહ્યું છે.
‘ડ્રગ્સ તસ્કરી અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયા હતા મઝહબી બાંધકામો’
સાથે સરકારે એવી દલીલ પણ કરી છે કે, તે સ્થળના ભૌગોલિક મહત્વના પાસાને અવગણી શકાય નહીં. તેની ભૌગોલિક સ્થિતિને કારણે આ પ્રદેશ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ અને ખાસ કરીને ડ્રગ્સ તસ્કરીનું કેન્દ્ર બની ગયું હતું. જે માટે FIR પણ કરવામાં આવી છે. કબ્રસ્તાનની જમીન પર દરગાહ અને મદરેસાના બાંધકામને તોડી પાડવા અંગેની નોટિસને લઈને સરકારે કોર્ટે જણાવ્યું હતું કે, 12/9/1989ના સરકારી ઠરાવમાં એવી જોગવાઈ હતી કે, જો ફાળવેલ જમીનનો ઉપયોગ, જે હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી, તે સિવાય અન્ય કોઈ હેતુ માટે થઈ રહ્યો હોય તો રાજ્ય સરકાર કોઈપણ પ્રકારની નોટિસ વિના જમીન કોઈપણ વિલંબ વગર પાછી લઈ શકે છે.
સરકારી વકીલે કહ્યું કે, હાલના કિસ્સામાં જોવા જઈએ તો, ફોટોગ્રાફ્સ પરથી સ્પષ્ટ થાય છે કે, તે કબ્રસ્તાન માટે ફાળવવામાં આવેલી જમીન પર વિશાળ મઝહબી બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા છે. કલમમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે, તે જમીનની માલિકી સરકારની છે. કોઈપણ સંજોગોમાં તે જમીન કોઈ સમિતિ કે વક્ફ, ટ્રસ્ટને ટ્રાન્સફર કરી શકાય નહીં. તેથી અરજદારના વકીલની તે દલીલ કે, તે જમીન વક્ફની છે, તે ઠરાવની વિરુદ્ધ છે. વકીલે વધુમાં કહ્યું કે, મઝહબી ગતિવિધિના સ્થાન અને કબ્રસ્તાનમાં અંતર છે, જેને હટાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે કબ્રસ્તાન પર બનેલી અનધિકૃત સંરચનાઓ છે. કબ્રસ્તાનમાં મઝહબી ઢાંચાઓની આડમાં મોટા-મોટા બાંધકામો ઊભા ન કરી શકાય અને તે પણ કોઈ મંજૂરી વિના. તેથી તે બાંધકામોને હટાવવા માટે નોટિસ જારી કરવામાં આવી છે, કબ્રસ્તાનને સરકાર અડકવાની પણ નથી.
‘ભારતીય માછીમારોને પકડીને પાકિસ્તાનમાં મઝહબી તાલીમ આપી અહીં મોકલવામાં આવે છે’ – સરકાર
સરકારી વકીલે તે દલીલ પણ કરી હતી કે, એક FIR દર્શાવે છે કે, સંબંધિત બાંધકામોના દુરુપયોગના કારણે અસામાજિક મુદ્દાઓ અને તત્વોનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં દેવભૂમિ દ્વારકાના કુલ 38 માછીમારોને પાકિસ્તાની અધિકારીઓએ પકડ્યા હતા અને તેઓ આજે પાકિસ્તાનની જેલમાં છે. જિલ્લા પ્રશાસન પાસે ઉપલબ્ધ ખુફિયા ફિડબેકથી જાણી શકાય છે કે, આ માછીમારોને તેમના જેલવાસ દરમિયાન મદરેસામાં મઝહબી તાલીમ આપવામાં આવે છે અને ત્યારબાદ તેમને ભારત પરત મોકલવા માટેની મંજૂરી આપવામાં આવે છે. સરકારી વકીલે જણાવ્યું કે, તે વાતને પણ અવગણી ન શકાય કે, જે બાંધકામો માટે નોટિસ મોકલવામાં આવી છે તે એક કબ્રસ્તાનમાં તાણી બાંધેલી સ્કૂલ કે મદરેસા છે.
સરકારી પક્ષે એ પણ જણાવ્યું હતું કે, આ જમીન ગૌચરની જમીન છે, જેના માટે 10 વર્ષ પહેલાં ત્યાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી પૂર્ણ થયા બાદ તે સમગ્ર વિસ્તારને તેના મૂળ હેતુ, એટલે કે ગૌચર માટે સ્વચ્છ કરવામાં આવ્યો હતો. જોકે, ફરી એકવાર આ જમીન પર લગભગ 150 ઘરો અને માછલીના ગોદામો બનાવવામાં આવ્યા હતા અને 2022ની ડિમોલિશન કાર્યવાહીમાં તેને તોડી પડાયા હતા. તેથી આ અભિયાન, નિયમિત વહીવહી કવાયત છે અને તેને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચવાની બાબતમાં ન ગણી શકાય.
નોંધનીય છે કે, દ્વારકામાં છેલ્લા ઘણા દિવસોથી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે હેઠળ 7 ટાપુઓને દબાણમુક્ત પણ કરવામાં આવ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, કરોડોની કિંમતની સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે. જોકે, કબ્રસ્તાન પર બનેલા મઝહબી બાંધકામોને લઈને હાઇકોર્ટે સ્ટે મૂકી દીધો હતો. જ્યારે હવે તે તમામ 12 બાંધકામો પણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે.