મીડિયા સંસ્થા ‘ઇન્ડિયા ટુડે’ દર વર્ષે ‘મૂડ ઑફ ધ નેશન’ નામથી એક પોલ કરે છે, જેમાં વિવિધ મુદ્દે લોકોના અભિપ્રાયો લેવામાં આવે છે અને તેના આધારે એક પરિણામ નક્કી થાય છે. આ વખતના સરવે અને તેનાં પરિણામો પણ સંસ્થાએ જાહેર કર્યા છે.
સીવોટર સાથે મળીને કરેલા એક પોલમાં ઇન્ડિયા ટુડેએ તારવ્યું છે કે જો લોકસભા ચૂંટણી આજે યોજાય તો NDA 343 બેઠકો મેળવી શકે છે. નોંધવું જોઈએ કે વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં આ ગાડી 300 પર જ અટકી ગઈ હતી. પરંતુ હવે ફરીથી ગઠબંધન લોકપ્રિયતા મેળવતું હોય તેવું પોલનાં પરિણામો પરથી જણાવી રહ્યું છે. બીજી તરફ INDI ગઠબંધનની જે 232 બેઠકો આવી હતી એ નીચે 188 સુધી જઈ શકે તેવું પણ આ પોલ જણાવી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર, NDAનો વોટશૅર જે 2024માં હતો તેમાં 3%નો વધારો જોવા મળી શકે અને 47% સુધી પહોંચી શકે. જ્યારે INDI ગઠબંધનના વોટશેરમાં 1%નો માર્જિનલ વધારો જ જોવા મળી રહ્યો છે.
સરવે જણાવે છે કે આજે ચૂંટણી થાય તો ભાજપને 281 બેઠકો મળી શકે, જે બહુમતનો આંકડો છે. કોંગ્રેસ 99 પરથી 78 પર ઉતરી શકે એવું પણ પોલ જણાવે છે. ભાજપનો જે વૉટશેર 2024ની ચૂંટણીમાં હતો તેમાં 3%નો વધારો જોવા મળી શકે, જ્યારે કોંગ્રેસનો વોટશેર 20% સુધી નીચે ઉતરી શકે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે.
સરવે કહે છે કે એક દાયકા સુધી સત્તામાં રહ્યા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા અને વિકાસના બ્રાન્ડ એમ્બેસેડરની તેમની જે છબી છે તેને આંચ આવી નથી અને આજે પણ લોકોનો તેમના પ્રત્યેનો વિશ્વાસ અકબંધ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં NDAનો નારો હતો ‘400 પાર’ પરંતુ પરિણામ એવું ન આવ્યું અને ભાજપ બહુમતીથી દૂર રહ્યો. જોકે NDAએ સરળતાથી બહુમતનો આંકડો પાર કરી લીધો હતો, જેથી સરકાર બની ગઈ. પરંતુ પછીથી હરિયાણા અને મહારાષ્ટ્ર એમ બે મહત્વનાં રાજ્યો ભાજપે કબજે કરી લીધાં. ત્યારબાદ તાજેતરમાં દિલ્હીમાં પણ જંગી બહુમતીથી ચૂંટણી જીતીને 27 વર્ષ બાદ સત્તાવાપસી કરી લીધી.