ભરૂચની (Bharuch) સેન્ટ ઝેવિયર્સ શાળાના (St Xavier’s School) વાઇસ પ્રિન્સિપાલ ફાધરની યૌન શોષણના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. કમલેશ રાવલ નામના આ શિક્ષક પર શાળાની એક સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. ચાર દિવસ પહેલાં ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ પોલીસે બુધવારે (15 જાન્યુઆરી) કમલેશની ધરપકડ કરી લીધી હતી.
પીડિત સગીરાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાઇસ પ્રિન્સિપાલ ફાધરે વર્ષ 2022થી 2024 દરમિયાન બે વખત તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પહેલી ઘટના તે દસમા ધોરણમાં ભણી રહી હતી ત્યારે બની હતી. આરોપ છે કે આરોપીએ તેને ચેમ્બરમાં બોલાવીને અડપલાં કર્યાં હતાં અને કોઈને કહેવા પર શાળામાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. પીડિતાનું કહેવું છે કે ધમકીથી તે ડરી ગઈ હતી અને વાતની જાણ કોઈને કરી ન હતી.
બીજી ઘટના ડિસેમ્બર, 2024માં બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપ છે કે શાળાના ગેટ ટૂ ગેધર કાર્યક્રમમાં ફરીથી દુષ્કર્મ આચર્યું અને કોઈને કહેવા પર ધમકી આપી હતી. આરોપ એવો પણ છે કે ફાધર સોશિયલ મીડિયા થકી અવારનવાર પીડિતાનો સંપર્ક કરવા પ્રયાસ કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા માટે માંગણી કરતો હતો.
આખરે સગીરાએ ત્રાસીને માતા-પિતાને જાણ કરી હતી. તેમણે પછીથી આ મામલે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પોક્સો હેઠળ આરોપી ફાધર સામે ગુનો દાખલ કર્યો હતો. પોલીસ અનુસાર, આ મામલે IPC 376, 376(2)(N) અને 376(3) તેમજ પોક્સો એક્ટની કલમ 6, 10, અને 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જાણવા મળ્યું કે, મામલો સામે આવ્યા બાદ શાળાએ આરોપી વાઈસ પ્રિન્સિપાલની બદલી અન્ય એક શાળામાં કરી દીધી હતી. પરંતુ તે હાજર થયો ન હતો અને પોલીસ શોધી રહી હતી. તાજેતરમાં તે શાળામાં હાજર થવા માટે આવવાનો હોવાની બાતમી મળતાં પોલીસે વૉચ ગોઠવી હતી અને તેને પકડી લીધો હતો. પોલીસ તેના રિમાન્ડ મેળવીને પૂછપરછ અને આગળની તપાસ હાથ ધરી રહી છે. સાથે તેના મોબાઇલ ફોનની પણ તપાસ કરવામાં આવી રહી છે.